મોહેં-જો-દડો : સિંધુ ખીણની સંસ્કૃતિનું સૌથી મોટું નગર. તે પાકિસ્તાનના સિંધ પ્રાંતના લારખાના જિલ્લામાં સિંધુ નદીના પશ્ચિમ કાંઠે આવેલું છે. મોહેં-જો-દડોનો અર્થ ‘મૃતદેહોનું નગર’ થાય છે. ઈ. સ. 1922માં રેલવે માટેનું ખોદકામ કરતાં ત્યાંથી સિંધુ ખીણની સંસ્કૃતિના અવશેષો સૌપ્રથમ મળી આવ્યા. અંગ્રેજ પુરાતત્વવિદ સર જૉન માર્શલ અને એમના ભારતીય સાથીઓ દયારામ સાહની, દીક્ષિત આસ્ટી અને રાખાલદાસ બૅનરજીએ ત્યાં ઉત્ખનન અને અભ્યાસ કરી જાહેર કર્યું કે મોહેં-જો-દડો વ્યવસ્થિત રીતે બંધાયેલું મોટું નગર હતું અને એના અવશેષો લગભગ ઈ. સ. પૂ. 2500થી 1500 આસપાસના છે. કેટલાક વિદ્વાનો એને એથી પણ વધારે પ્રાચીન ગણે છે. મોહેં-જો-દડો પછી પંજાબના હરપ્પા, ગુજરાતનાં લોથલ, રંગપુર, ધોળાવીરા, નખત્રાણા, પાલુમઠ તથા અન્ય અનેક સ્થળોએથી આ સંસ્કૃતિના અવશેષો મળી આવતાં આ સિંધુ ખીણની સંસ્કૃતિ પંજાબ અને સિંધથી ગુજરાત સુધી વિસ્તરેલી હતી એ સ્પષ્ટ થયું.

મોહેં-જો-દડોના અવશેષો પરથી એવું લાગે છે કે એ વ્યવસ્થિત રીતે બંધાયેલું મહાનગર હતું. એના રસ્તા ઉત્તરથી દક્ષિણ તરફ જતા હતા અને મકાનો હારબંધ બંધાયેલાં હતાં. રસ્તાઓ હંમેશ એકબીજાને કાટખૂણે છેદતા હતા. મકાનોના ઓટલા ઊંચા હતા અને દરેક ઘર કૂવો, ગટર વગેરેની સગવડ ધરાવતું હતું. બારી-બારણાં રસ્તા પર નહિ, પરંતુ ઘરની અંદરના ભાગમાં રાખવામાં આવતાં. મોહેં-જો-દડોમાંથી એક વિશાળ જાહેર સ્નાનાગાર અને બે વિશાળ મકાનોનાં ખંડેરો મળી આવ્યાં છે. સ્નાન અગત્યની ધાર્મિક વિધિ હશે અને સામાજિક કે ધાર્મિક પ્રસંગોની ઉજવણી માટે આ સ્નાનાગારનો ઉપયોગ થતો હશે એમ લાગે છે. સ્મશાન, પણ્યશાળા(market hall) અને ભોજનશાળાના અવશેષો પણ મળી આવ્યા છે.

મોહેં-જો-દડોના ઉત્ખનન દરમિયાન મળી આવેલાં માનવ-મસ્તકો

અહીંની સંસ્કૃતિ સુવિકસિત હતી. પ્રજા શાંતિપ્રિય, સંસ્કારી, સમૃદ્ધ તથા વેપારી માનસવાળી હોવાનું મનાય છે. પુરુષો દાઢી-મૂછ રાખતા અને સ્ત્રીઓ કાંસામાંથી બનાવેલાં દર્પણોનો ઉપયોગ કરતી. માટીનાં વાસણો સુંદર અને ચિત્રકામવાળાં હતાં. આ પ્રજાએ 4થી 7 સેન્ટિમીટરની અનેક મુદ્રાઓનું નિર્માણ કર્યું હતું, જેના પર  વિવિધ આકૃતિઓ અને લખાણો જોવા મળે છે. આ લખાણોની લિપિ હજી ઉકેલી શકાઈ નથી. આ પ્રજાને સ્વસ્તિકના ચિહનમાં પ્રબળ શ્રદ્ધા હતી. વ્યવસ્થિત નગરરચના અને ગટરરચના આ સંસ્કૃતિની ખાસ વિશેષતા હતી. પુરાતત્વવિદો માને છે કે મોહેં-જો-દડો સિંધુ નદીના પૂરને કારણે સાત વખત નાશ પામ્યું હશે અને ફરી બંધાયું હશે.

મુગટલાલ પોપટલાલ બાવીસી