મૉહૉઈ-નૉદ્ય લાસ્લો (જ. 1895, બાસ્બૉર્સોદ, હંગેરી; અ. 1946) : હંગેરિયન શિલ્પી અને ડિઝાઇનર, ફોટોગ્રાફર તથા વિખ્યાત કલાશાળા બાઉહાઉસના પ્રસિદ્ધ અધ્યાપક. તેમણે બુડાપેસ્ટમાં કાયદાના વિષયનો અભ્યાસ કર્યો. 1919થી 1923 સુધી તેમણે દાદા શૈલી તથા ‘કન્સ્ટ્રક્શનિસ્ટ’ જૂથ સાથે વિયેના અને બર્લિનમાં રહી ચિત્રો કર્યાં અને પોતાના સર્વપ્રથમ ‘ફોટોગ્રામ’ એટલે કે કૅમેરાની સહાય વિના બારોબાર ઝિલાયેલી ફોટોગ્રાફિક છબીઓનું નિર્માણ કર્યું. યુરોપની ‘ન્યૂ ફોટોગ્રાફર્સ મૂવમેન્ટ’માં અભિનવ પ્રવર્તક તરીકે તેમને તત્કાળ ખ્યાતિ અને પ્રતિષ્ઠા સાંપડ્યાં. પછી બર્લિનમાં કલાનો અભ્યાસ કર્યો. 1923થી તેમણે બાઉહાઉસમાં ધાતુકલાવિદ્યાનું અધ્યાપન કરવું શરૂ કર્યું. 1928થી 1934માં બર્લિનમાં, 1934માં આમ્સ્ટર્ડામમાં અને 1935થી 1937 સુધી લંડનમાં રહ્યા. પછી શિકાગોમાં સ્થિર થયા અને ત્યાં સ્થપાયેલ ન્યૂ બાઉહાઉસમાં અધ્યાપન શરૂ કરવા તેમને નિમંત્રણ મળ્યું. પાછળથી તે સંસ્થા ‘ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ડિઝાઇન’ તરીકે નામાભિધાન પામી. ત્યાં તેમણે ફોટોગ્રાફીનું શિક્ષણકાર્ય સંભાળ્યું. માત્ર અધ્યાપક તરીકે નહિ, પણ લેખક અને સંપાદક તરીકે તેમજ શિલ્પસર્જનમાં નવા પદાર્થોના પ્રયોગો કરવા માટે તેમનું મહત્વ છે. અવનવા પદાર્થો વડે સર્જેલ તેમનાં શિલ્પ ‘સ્પેસ મૉડ્યુલેટર્સ’ નામે જાણીતાં બન્યાં. શિલ્પ બનાવવાની તેમની પદ્ધતિ સંકુલ ઔદ્યોગિક પ્રકારની હતી. તેમની કલા પર માલેવિચ તથા દાદાવાદનો ઘેરો પ્રભાવ જણાય છે. બાઉહાઉસ ખાતેથી તેઓ બાઉહાઉસના મુખપત્ર ‘બાઉહાઉસબુખર’નું સંપાદન કરતા હતા. તેમણે અમેરિકામાં ફિલ્મ અને રંગમંચને લગતી ડિઝાઇનનું કામ પણ કર્યું. લંડનમાં ભજવાયેલ એચ. જી. વેલ્સના નાટક ‘ધ ન્યૂ વિઝન’ માટેની તેમની રંગભૂમિ-ડિઝાઇન ખૂબ વખણાઈ હતી. હાર્વર્ડ યુનિવર્સિટીમાં ન્યૂયૉર્કના ગગનહાઈમ મ્યુઝિયમમાં તથા જર્મનીના કૉલોન નગરમાં તેમની ઘણી કલાકૃતિઓ સ્થાન પામી છે. ‘ધ ન્યૂ વિઝન’ નામનું તેમનું પુસ્તક તેમની શ્રેષ્ઠ કૃતિ ગણાય છે. અવસાન પૂર્વે તેમણે અમેરિકન નાગરિકત્વ સ્વીકાર્યું હતું.

અમિતાભ મડિયા