મોહૅમેડન ડિફેન્સ ઍસોસિયેશન

February, 2002

મોહૅમેડન ડિફેન્સ ઍસોસિયેશન : ભારતમાં મુસલમાનોના અધિકારોનું રક્ષણ કરવા માટે સ્થાપવામાં આવેલી સંસ્થા. મોહૅમેડન ઍંગ્લો-ઑરિયેન્ટલ કૉલેજ, અલીગઢના પ્રિન્સિપાલ થિયોડૉર બેકની પ્રેરણાથી 30 ડિસેમ્બર 1893ના રોજ સૈયદ અહમદના નિવાસસ્થાને કેટલાક વગદાર મુસ્લિમોની હાજરીમાં મોહૅમેડન ઍંગ્લો-ઑરિયેન્ટલ ડિફેન્સ ઍસોસિયેશન ઑવ્ અપર ઇન્ડિયાની સ્થાપના કરવામાં આવી. તેના મંગલ પ્રવચનમાં બેકે જણાવ્યું કે તે રાજકીય ચળવળની તરફેણ કરતા નથી, કારણ કે તેનાથી મુસ્લિમોની બ્રિટિશ સરકાર તરફની વફાદારી દૂર થઈ જાય. આ સંસ્થાના મુખ્ય હેતુઓ આ પ્રમાણે હતા : (1) ભારતની સરકાર અને અંગ્રેજો સમક્ષ મુસલમાનોના અભિપ્રાયો રજૂ કરવા અને તેમના રાજકીય અધિકારોનું રક્ષણ કરવું, (2) મુસલમાનોમાં રાજકીય આંદોલન ફેલાતું અટકાવવું અને (3) ભારતમાં બ્રિટિશ રાજને મજબૂત કરવું. આ નવી સંસ્થાના સેક્રેટરી બેક બન્યા. અંગ્રેજો સિવાય મુસલમાનોને ભારતની બીજી બધી કોમના લોકોથી અલગ પાડવામાં આવ્યા. બેકે આ સંસ્થા દ્વારા પણ હિંદુ અને મુસલમાનોમાં વિભાજન કરવાના વ્યવસ્થિત પ્રયાસો કર્યા. 1895માં બેક ઇંગ્લૅન્ડ ગયા. ત્યાં તેમણે આ સંસ્થાની લંડનની શાખાની વાર્ષિક સભામાં સંબોધન કર્યું. તેનો સાર અલીગઢ કૉલેજ મૅગેઝિનના અંકોમાં નીચે પ્રમાણે પ્રગટ કર્યો :

(1) બ્રિટિશ લોકો અને મુસ્લિમો વચ્ચેની મૈત્રી શક્ય છે, પરંતુ અન્ય ધર્મોના અનુયાયીઓ અને મુસ્લિમો વચ્ચેની મૈત્રી શક્ય નથી. ઉ.ત., શિવાજી અને ગુરુ ગોવિંદસિંહના અનુયાયીઓ મુસ્લિમો તેમના નાયક (hero) તરીકે ઔરંગઝેબને સ્વીકારે તેમાં કદી કબૂલ થશે નહિ. (2) હિંદુઓની બહુમતી રાજ્ય કરતી હોય એવી સરકારનો મુસ્લિમો કદી સ્વીકાર કરશે નહિ. (3) ભારતીયો પોતે લોકશાહી વ્યવસ્થા પસંદ કરતા નહોતા, તેઓ તો રાજાશાહી પસંદ કરતા હતા. (4) 1857ના વિપ્લવ દરમિયાન અને ત્યારપછીના મુસ્લિમોના વર્તાવે તેમની કોમના બધા લોકોને હિંદુઓના આંદોલનકારી રાજકારણ સામે ચેતવી દીધા છે. હવે મુસ્લિમો બ્રિટિશ પ્રત્યે વફાદાર રહેવાની સર સૈયદની સલાહનો સમજણપૂર્વક સ્વીકાર કરે છે. (5) ભારતમાં સ્પર્ધાત્મક પરીક્ષાઓ લેવાનો મુસ્લિમો વિરોધ કરતા હતા, કારણ કે તેઓ જાણતા હતા કે તેનાથી અનેક નિષ્પક્ષ બ્રિટિશ અધિકારીઓના સ્થાને મુસ્લિમવિરોધી હિંદુઓને નીમવામાં આવશે.

અલીગઢ ચળવળમાં હિંદુવિરોધી પૂર્વગ્રહ પેદા કરવામાં બેકનું પ્રદાન નોંધપાત્ર હતું. બેકનું 1899માં અવસાન થયું ત્યારે મુસલમાનોના મિત્ર અને મદદકર્તા તરીકે, ઉપરાંત હિંદુ–મુસ્લિમ વિભાજન કરીને તે દ્વારા બ્રિટિશ સામ્રાજ્ય મજબૂત કરવા માટે કેટલાક અંગ્રેજોએ તેમની પ્રશંસા કરી હતી. સૈયદ અહમદે પણ કૉંગ્રેસનો વિરોધ કરવા માટે આ સંસ્થાનો ઉપયોગ કર્યો હતો.

જયકુમાર ર. શુક્લ