મોરૉક્કો : આફ્રિકા ખંડના વાયવ્યકોણમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે આશરે 28° ઉ. અ.થી 36° ઉ. અ. અને 2° 00´ પ. રે.થી 13° 00´ પ. રે. વચ્ચેનો 4,58,730 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે. તેની ઈશાન-નૈર્ઋત્ય મહત્તમ લંબાઈ 1,328 કિમી.; જ્યારે પૂર્વ-પશ્ચિમ પહોળાઈ 760 કિમી. જેટલી છે. તેની ઉત્તરે ભૂમધ્ય સમુદ્ર, પૂર્વ અને અગ્નિ તરફ અલ્જિરિયા, દક્ષિણે સ્પેનની હકૂમત હેઠળનું પશ્ચિમ સહરા, તથા પશ્ચિમે આટલાંટિક મહાસાગર આવેલાં છે. ઉત્તર તરફ આવેલી આશરે 14.5 કિમી. લાંબી જિબ્રાલ્ટરની સામુદ્રધુનીને કારણે તે યુરોપ ખંડ(સ્પેન)થી અલગ પડે છે. અહીં જિબ્રાલ્ટરની સામુદ્રધુની પર સ્પેરેલની ભૂશિર આવેલી છે.

ભૂપૃષ્ઠ : બે પર્વતીય હારમાળાઓને બાદ કરતાં દેશનો મોટો ભાગ ઉચ્ચપ્રદેશીય ભૂપૃષ્ઠ ધરાવે છે. તેની સરેરાશ ઊંચાઈ 800 મીટર જેટલી છે. ઉત્તર કિનારે અર-રિફ(Er-Rif)ની પર્વતીય હારમાળા, જ્યારે મધ્યમાં ઍટલાસ પર્વતમાળા આવેલી છે. ઈશાન-નૈર્ઋત્યમાં વિસ્તરેલી આ હારમાળા પૂર્વ મોરૉક્કો અને આટલાંટિક મોરૉક્કોને જુદાં પાડે છે. ઈશાનમાં આવેલો ટાઝા ઘાટ બંને હારમાળાઓની વચ્ચે સેતુ સમાન છે. આ ઘાટમાંથી પસાર થતો માર્ગ પ્રાચીન સમયથી આજ સુધી ઉપયોગમાં લેવાતો રહ્યો છે. ટેથિઝ સમુદ્રકાળથી આ હારમાળા અવિચળ રહી છે.

ઍટલાસ ગિરિમાળા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે : આટલાંટિકને કિનારે આવેલી આશરે 740 કિમી. લાંબી હાઉત ઍટલાસ અથવા મહાઍટલાસ હારમાળામાં આવેલાં શિખરો પ્રમાણમાં ઓછી ઊંચાઈવાળાં છે. પૂર્વ તરફ આગળ વધતાં શિખરોની ઊંચાઈ ક્રમશ: વધતી જાય છે. અહીંની સરેરાશ ઊંચાઈ 2,200 મીટર છે. 4,165 મીટર ઊંચાઈ ધરાવતું જેબેલ તોઉબકાલ આ વિભાગનું સર્વોચ્ચ શિખર છે. બીજી હારમાળા મધ્ય ઍટલાસ અથવા મોયેન ઍટલાસ નામથી ઓળખાય છે, તેનો ઉગ્ર ઢોળાવ મહાઍટલાસ હારમાળા તરફનો છે, તેનું સૌથી ઊંચું શિખર 3,340 મીટરની ઊંચાઈ ધરાવે છે. મોરૉક્કોનો ઉચ્ચપ્રદેશ ઍટલાસ હારમાળાનો ત્રીજો ભાગ ગણાય છે. છેક અલ્જિરિયા સુધી વિસ્તરેલા આ ઉચ્ચપ્રદેશની ઊંચાઈ 1,300થી 6,000 મીટર જેટલી છે. ઍટલાસ હારમાળાની દક્ષિણે અને અગ્નિકોણમાં સહરાના રણપ્રદેશનો વિસ્તાર આવેલો છે.

રિફ-હારમાળા ચૂનાખડકોથી બનેલી છે. 2,458 મીટરની ઊંચાઈ ધરાવતું જેબક ટિડિરહાઇન આ હારમાળાનું સર્વોચ્ચ શિખર છે. રિફ હારમાળા અને ઍટલાસ હારમાળાની વચ્ચે મૌલોયા(Moulouya)નો થાળા વિસ્તાર આવેલો છે. મૌલોયા નદીના જળ દ્વારા ઘસારાની ક્રિયાથી અહીંનું ભૂમિસ્વરૂપ અર્ધરણ જેવું બની રહેલું છે.

કાંપ-માટીની નિક્ષેપક્રિયાથી નિર્માણ પામેલું સેબોયુ મેદાન રિફ હારમાળામાં આવેલાં રબત અને ફેરા શહેરોની વચ્ચે પથરાયેલું છે. રહાબનું મેદાન મોરૉક્કોના અનાજના ભંડાર તરીકે જાણીતું બનેલું છે. ઍટલાસ હારમાળા અને આટલાંટિકના કિનારે આવેલી હારમાળાના વચ્ચેના પ્રદેશો મોરૉક્કોના ઉચ્ચપ્રદેશ તરીકે ઓળખાય છે. આ વિસ્તારમાં કેટલાંક ફળદ્રૂપ મેદાનો આવેલાં છે. આ પૈકીનાં માર્કેચની પૂર્વે ટડલા, માર્કેચની પશ્ચિમે હાઉઝ, કાસાબ્લાંકાની દક્ષિણે અબડા, ચાઓઇયા, ડોયુકલ્લા અને સાઈસનાં મેદાનો જાણીતાં છે. મહાઍટલાસ અને ઍન્ટિ-ઍટલાસની હારમાળા વચ્ચે સોઉસનો ખીણપ્રદેશ આવેલો છે, તે સોઉસ નદીની ઘસારાની ક્રિયાથી બનેલો છે. મોરૉક્કોના સમુદ્રકિનારે થોડાં બંદરો આવેલાં છે; પરંતુ રેતીના ઢૂવાને કારણે તેમજ ખડકાળ પ્રદેશને કારણે તે બંદરોના વિકાસમાં અવરોધરૂપ બન્યાં છે.

મોરૉક્કો

જળપરિવાહ : મોરૉક્કોના પર્વતીય વિસ્તારો પર ઉત્તર આટલાંટિક તરફથી વાતા પવનો હિમવર્ષા તથા વરસાદ આપતા હોવાથી તે મોટી નદીઓનાં ઉદગમસ્થાનો ગણાય છે. અહીંની મોટાભાગની નદીઓનાં મૂળ ઍટલાસના પશ્ચિમ ઢોળાવો અથવા રિફના દક્ષિણ ઢોળાવોમાં રહેલાં છે. આ નદીઓ પશ્ચિમ તરફ વહીને આટલાંટિકને મળે છે. સેબોયુ નદી સૌથી વધુ જળજથ્થો ધરાવતી નદી છે. તેનો વહનમાર્ગ આશરે 448 કિમી. જેટલો છે. તેની શાખાનદીઓ મોરૉક્કોની સપાટી પર વહેતા કુલ જળજથ્થાનો 45 % જેટલો ભાગ ખેંચી લાવે છે. ઓયુમ-અર-રબિયા 828 કિમી. લંબાઈ ધરાવતી મોરૉક્કોની સૌથી લાંબી નદી છે. મધ્ય ઍટલાસના પૂર્વ ઢોળાવ પરથી નીકળતી, 512 કિમી. લંબાઈની મૌલોયા નદી તેનાં જળ ભૂમધ્યમાં ઠાલવે છે. ઉત્તર મોરૉક્કોની રિફની હારમાળાની નદીઓ ટૂંકી અને મુદતી છે. તે બધી ભૂમધ્ય સમુદ્રને મળે છે. મહાઍટલાસની નદીઓ મોટેભાગે સહરામાં સમાઈ જાય છે. તે પૈકી ગુઈર, રહેરિસ, ઝીઝ, ડાડેસ અને ડ્રા મુખ્ય છે. આ નદીઓમાં જળજથ્થો ઓછો હોવા છતાં તેમણે તેમના માર્ગમાં કોતરોનું નિર્માણ કર્યું છે. અહીંની નદીઓ પર આડબંધ બાંધીને તેમનાં પાણીનો ઉપયોગ સિંચાઈ અને જળવિદ્યુત માટે થાય છે. વળી બંધોને કારણે પૂરનિયંત્રણ પણ કરી શકાયું છે.

મોરૉક્કોના મહાનગર કાસાબ્લાન્કાનો એક રાજમાર્ગ

આબોહવા : મોરૉક્કોના ઈશાન ભાગમાં ભૂમધ્ય પ્રકારની સમધાત, જ્યારે દક્ષિણ ભાગમાં ખંડીય પ્રકારની આબોહવા અનુભવાય છે. અહીંનાં ઉનાળા અને શિયાળાનાં સરેરાશ તાપમાન અનુક્રમે 24° સે. અને 16°થી 18° સે. રહે છે; પરંતુ રણપ્રદેશમાં તાપમાન 54° સે. સુધી ઊંચું જાય છે, તો અંતરિયાળ ભાગોમાં 0° સે. કરતાં પણ નીચું જાય છે. ભૂમધ્ય પ્રકારની આબોહવા ધરાવતા પ્રદેશોમાં વરસાદ ઑક્ટોબરથી એપ્રિલ દરમિયાન પડે છે. અહીં વરસાદનું પ્રમાણ ઓછું રહેતું હોવાથી નદીઓમાં ભાગ્યે જ પૂર આવે છે. મોરૉક્કોનો વિસ્તાર મધ્ય અક્ષાંશોમાં આવતો હોવાથી ઉત્તર આટલાંટિકમાંથી ઉદભવતા વાતાગ્રનો અનુભવ થાય છે. આથી ઉત્તરથી દક્ષિણ તરફ જતાં વરસાદનું પ્રમાણ ઘટતું જાય છે. ચોમાસાની ઋતુમાં સમુદ્રકિનારે ભારે દબા સર્જાય તો વરસાદની પરિસ્થિતિ નિર્માણ પામે છે. પશ્ચિમ કિનારે કેનેરીના ઠંડા પ્રવાહથી કિનારાના પ્રદેશોમાં તાપમાન ઘટે છે. આ રીતે જોતાં, સમુદ્રકિનારાના પ્રદેશોમાં વરસાદની માત્રામાં તફાવત વધુ રહે છે. રહારબનાં મેદાનોમાં વરસાદ 800 મિમી., જ્યારે સોયુસની ખીણમાં માત્ર 200 મિમી. જેટલો પડે છે. અહીંથી વધુ દક્ષિણે જતાં અર્ધરણ પ્રકારની આબોહવાને કારણે 100 મિમી. કરતાં પણ ઓછો વરસાદ પડે છે. મધ્ય રિફ અને મહાઍટલાસની હારમાળાઓમાં 2,000 મિમી., જ્યારે તેમના તળેટી ભાગોમાં 600 મિમી. વરસાદ પડે છે. અહીં જોવા મળતી વરસાદની વધઘટ માટે ઊંચાઈનું પરિબળ જવાબદાર છે. 2,200 મીટરની ઊંચાઈ ધરાવતા ભાગોમાં હિમવર્ષા થાય છે. અહીંનાં શિખરો શિયાળા દરમિયાન હિમાચ્છાદિત રહે છે. વર્ષાછાયાના પ્રદેશમાં વરસાદ ઓછો પડે છે. વસંતઋતુ અથવા ઉનાળામાં ચેરગુઈ નામથી ઓળખાતા ગરમ ધૂળના વંટોળ સહરા તરફથી ફૂંકાતા હોવાથી સમુદ્રકિનારા સુધી ધૂંધળું વાતાવરણ પેદા થાય છે. ગરમ વંટોળ દરમિયાન તાપમાન 41° સે. સુધી પહોંચી જાય છે. કેટલીક વાર આ વંટોળ ખેતીના તૈયાર પાકને બાળી નાખે છે.

વનસ્પતિપ્રાણીજીવન : ભેજના વિશેષ પ્રમાણવાળા પર્વતીય વિસ્તારોમાં આવેલાં જંગલોમાં કૉર્ક, ઓક તથા ઢોળાવો પર પાઇન, ફર જેવાં વૃક્ષો જોવા મળે છે. ઓછા ભેજપ્રમાણવાળા લઘુ ઍટલાસ હારમાળાના પ્રદેશમાં થુયા, જુનિપર, અલેપ્પો અને પાઇનનું પ્રમાણ વધુ જોવા મળે છે. હારમાળાના ઉત્તર કિનારે મામોરાના વિસ્તારમાં જંગલો આવેલાં છે. રબતની પૂર્વે આવેલાં જંગલોમાં કૉર્ક અને ઓકનાં વૃક્ષો વધુ છે. ફ્રાંસ દ્વારા ઑસ્ટ્રેલિયાથી આયાત થયેલાં યુકેલિપ્ટસનાં વૃક્ષોનું પ્રમાણ પણ અધિક છે. એસાઓયુઈરાની દક્ષિણે આવેલા ઉચ્ચપ્રદેશોમાં આયર્નવૂડનું પ્રમાણ વધુ છે. તેનાં ફળોમાંથી ખાદ્યતેલ મેળવાય છે. ભૂમધ્ય પ્રકારની આબોહવા અનુભવતા પ્રદેશમાં ઘાસ સરળતાથી ઊગી નીકળે છે. આ સિવાય જંગલી ઑલિવ, ઓક, બારમાસી, પીળાં પુષ્પવાળાં ઝાંખરાં જેવી વનસ્પતિ પણ જોવા મળે છે. સૂકા મેદાની વિસ્તારમાં પામ, જુજુબે લગભગ બધે જ જોવા મળે છે. રણવિસ્તારમાં પણ પામ ઉગાડવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે.

ઍટલાસના પર્વતીય વિસ્તારમાં જંગલી ઘેટાં, ફેનેક (શિયાળ જેવું પ્રાણી), વિવિધ જાતનાં વાનરો, અનેક જાતનાં પક્ષીઓ તેમજ સુરખાબ અને પેલિકન જેવાં વિદેશી પક્ષીઓ પણ જોવા મળે છે. રણવિસ્તારમાં સાપ વર્ગનાં પ્રાણીઓનું પ્રમાણ વધુ છે.

જમીન : મોરૉક્કોની મોટાભાગની જમીનો કાળી–કાંપવાળી છે. તે ટિર્સ (Tirs) તરીકે ઓળખાય છે. આવી જમીનો ચાઓલા, ડોઉક્કાલા અને અબડાનાં મેદાનોમાં જોવા મળે છે. તેમાં ભેજ પૂરતા પ્રમાણમાં હોય તો બિનપિયત ઘઉં અને જવના પાક લેવાય છે. સાઈસના મેદાનમાં જોવા મળતી હમરી પ્રકારની જમીન રાતા રંગવાળી હોય છે. તેમાં કઠોળ વિશેષ થાય છે. સેબોયુના મેદાનમાં ધેસ નામની એક ત્રીજા પ્રકારની જમીન પણ જોવા મળે છે. તેમાં કાંપનું પ્રમાણ વિશેષ હોવાથી તે ફળદ્રૂપ ગણાય છે. તેમાં પિયતપદ્ધતિ દ્વારા ઘઉં, જવ અને કપાસનું ઉત્પાદન લેવાય છે. રમેલ પ્રકારની જમીન રેતાળ હોવાથી ખેતી માટે તે અનુકૂળ થતી નથી. અર્ધશુષ્ક–શુષ્ક રણ-પ્રદેશોમાં રા રોયુચા પ્રકારની ખડકાળ જમીન જોવા મળે છે.

ખેતી : મોરૉક્કો ખાદ્યાન્નની બાબતમાં સ્વાવલંબી છે. અહીં પોતાની જરૂરિયાતના 2/3 ભાગનું અનાજ ઉત્પન્ન થાય છે. ખેતીના વિકાસ માટે સિંચાઈની સગવડના ઘનિષ્ઠ પ્રયાસો થઈ રહ્યા છે. ખાદ્યપાકોમાં ઘઉં, જવ, મકાઈ અને રોકડિયા પાકોમાં કપાસ, શેરડી, ચા, તમાકુ, શુગરબીટ અને સૂર્યમુખીની ખેતી થાય છે. બટાટા અને ટમેટાં જેવી શાકભાજી તેમજ રસવાળાં ફળો પણ ઉગાડવામાં આવે છે. ખેતી સાથેની પશુપાલન-પ્રવૃત્તિમાં ઘેટાં-બકરાં મુખ્ય છે. દૂધ અને તેની બનાવટો તથા માંસ માટે બીજા દેશો પર આધાર રાખવો પડતો નથી.

મોરૉક્કોની એક સમૃદ્ધ કોબાલ્ટ-ખાણ

સંપત્તિ : મોરૉક્કોમાં બેરાઇટ, કોબાલ્ટ, લોહ, મૅંગેનીઝ, નિકલ, ચાંદી, સીસું, જસત, તાંબું, ગ્રૅફાઇટ, ઍસ્બેસ્ટૉસ અને ફ્લોરાઇટની ખાણો આવેલી છે. દેશના પશ્ચિમ ભાગમાં વડે એઝિમનાં ક્ષેત્રોમાંથી ફૉસ્ફેટ મેળવાય છે. દુનિયાની ફૉસ્ફેટ-સંપત્તિનો લગભગ 2/3 ભાગ મોરૉક્કો ધરાવે છે.

દેશના પશ્ચિમ કિનારે વહેતા કેનેરીના પ્રવાહમાં પુષ્કળ પ્રમાણમાં માછલીઓ ખેંચાઈ આવે છે; તેથી અહીં મત્સ્યપ્રવૃત્તિ વધુ વિકસી છે. માછલીઓમાં સાર્ડિન્સ, બૉનિટો અને ટ્યૂના મુખ્ય છે. અહીંનો રેતીપટ સૂર્યપ્રકાશિત, પ્રદૂષણમુક્ત અને સાંસ્કૃતિક ર્દષ્ટિએ મહત્વ ધરાવતો હોવાથી પ્રવાસન ઉદ્યોગ માટે ઊજળી તકો રહેલી છે. કુલ વિસ્તારના 10 % ભાગમાં જંગલો છવાયેલાં હોવાથી લાકડાંમાંથી કાગળ માટેનો માવો અને સેલ્યુલોઝ માટેનો કાચો માલ પૂરતા પ્રમાણમાં મળી રહે છે.

અહીંની સૌથી મોટી સમસ્યા ખનિજતેલની છે. સંશોધનો કરવા છતાં તેમાં સફળતા મળી નથી; જોકે કેટલાંક ક્ષેત્રોમાંથી કુદરતી વાયુ મળ્યો છે. જે અંદાજે 1.6 બિલિયન ઘન મીટર જેટલો છે. દેશની જરૂરિયાતની વીજળીનો 50 % જેટલો પુરવઠો અહીંનાં જળવિદ્યુત-મથકોમાંથી મેળવાય છે.

ઉદ્યોગો : ઉદ્યોગોના વિકાસ માટે મોરૉક્કોએ બહુરાષ્ટ્રીય કંપનીઓને આમંત્રિત કરી છે. ફૉસ્ફેટ પર આધારિત ફૉસ્ફરિક ઍસિડ અને ફૉસ્ફેટ ખાતર બનાવવાનો ઉદ્યોગ મુખ્ય છે. રસાયણો, કાગળ અને કાપડ બનાવવાના એકમો સ્થપાયા છે. આ ઉપરાંત અહીં સિમેન્ટ, ખાંડ તથા ફળોમાંથી દારૂ બનાવવાની તેમજ દળવાની ફૅક્ટરીઓ પણ આવેલી છે.

વેપાર : દેશના આયાત-નિકાસના વેપારમાં ફ્રાન્સનો ફાળો મહત્વનો છે. આ સિવાય યુ.એસ., જર્મની, હોલૅન્ડ, ભારત, રશિયા, સ્પેન, ઇટાલી, સાઉદી અરેબિયા, યુ.કે. અને પોલૅન્ડ સાથે વેપારી સંબંધો સ્થપાયેલા છે. 1989થી અલ્જીરિયા, લિબિયા, મોરિટાનિયા અને ટ્યૂનિસિયા સાથે વેપાર અંગે સંધિ થઈ છે. મોરૉક્કો મોટે ભાગે ખાદ્યસામગ્રી, ખનિજતેલ અને ગૃહવપરાશની ચીજવસ્તુઓની આયાત કરે છે.

પરિવહનદૂરસંચાર : મોરૉક્કોમાં વિદેશીઓની સત્તા હતી ત્યારથી અહીં રસ્તાઓનો વિકાસ થયેલો છે. પાકા રસ્તા રેલમાર્ગોને સાંકળે છે. પશ્ચિમ સહરામાં અલ અકિયન સુધી લાંબા સમુદ્રકિનારે વીસ બંદરો આવેલાં છે. તેમાં કાસાબ્લાંકા મુખ્ય છે. આ બંદરેથી દેશનો 20 % વેપાર થાય છે. અન્ય બંદરોમાં મોહમદિયા, અગાદિર, નાડોર, તાંજીર, કેનિત્રા અને જૉર્ફ-લાસ્ફરનો સમાવેશ થાય છે. દેશમાં કાસાબ્લાંકા સહિતનાં નવ હવાઈ મથકો છે. અહીંની ´રૉયલ ઍર માર્કો´ હવાઈ સેવા યુરોપ, ઉત્તર અમેરિકા, મધ્ય અને પશ્ચિમ આફ્રિકી દેશો સાથે સંકળાયેલી છે.

દેશમાં 1990ના દસકામાં દૂરસંચાર સેવાનો આધુનિક ઢબે વિકાસ થયો છે. રેડિયો અને ટીવી.નાં મથકો સરકારહસ્તક છે. ´રેડિયો ડિફ્યુઝન ટેલિવિઝન મારોકાઇન´ સરકાર સંચાલિત છે. કાર્યક્રમોનું પ્રસારણ અરેબિક, ફ્રેન્ચ, બર્બર, સ્પૅનિશ અને અંગ્રેજીમાં કરવામાં આવે છે. વસ્તીનો 80 % ભાગ રેડિયોનો અને 78 % ભાગ ટી.વી.નો લાભ લે છે. દેશમાં પ્રગટ થતાં વર્તમાનપત્રોની સંખ્યા 11 જેટલી છે. ઇન્ટરનેટ સેવાનો ઉપયોગ કરનારાઓની સંખ્યા કરોડ કરતાં વધુ છે.

વસ્તીવસાહતો : મોરૉક્કોમાં આરબ અને બર્બર જાતિના લોકોનું પ્રમાણ વિશેષ છે, તેઓ સુન્ની મુસ્લિમ છે. દેશમાં 98 % લોકો મુસ્લિમ છે. બાકીના 2 %માં રોમન કૅથલિક ખ્રિસ્તી, યહૂદી અને અશ્વેત આફ્રિકી લોકોનો સમાવેશ થાય છે. બોલાતી ભાષાઓમાં અરબી, બર્બર, ફ્રેન્ચ અને સ્પૅનિશ; જ્યારે લખાતી ભાષાઓમાં અરબી, બર્બર અને આઇબેરિયન મુખ્ય છે. દેશની કુલ વસ્તી આશરે 3 કરોડ 30 લાખ (2014) જેટલી છે. વસ્તીદર ઊંચો છે. સાક્ષરતાનું પ્રમાણ 50 % છે. મોટાભાગના લોકો ખેતી, વેપાર અને મજૂરીના વ્યવસાયોમાં રોકાયેલા છે. મજૂરી મેળવવા લોકોએ પશ્ચિમ યુરોપ, ફ્રાન્સ, બેલ્જિયમ, નેધરલૅન્ડ્ઝ અને જર્મનીમાં સ્થળાંતર કર્યું છે.

અહીં પર્યાવરણ અનુસાર ત્રણ પ્રકારની વસાહતો : (i) કિનારાનાં મેદાનો અને ઉચ્ચપ્રદેશોની વસાહતો, (ii) રિફ અને ઍટલાસના પર્વતપ્રદેશોની વસાહતો તથા (iii) ઍટલાસ હારમાળાની દક્ષિણે આવેલા રણવિસ્તારની વસાહતો.

કિનારાનાં મેદાનોમાં અને ઉચ્ચપ્રદેશોમાં દેશની 75 % વસ્તી વસે છે. મોટાભાગનાં શહેરો અહીં વસેલાં છે. કૃષિપાકોનું બજાર પણ અહીં છે. ખેડૂતો ઘઉં, મકાઈ અને જવની ખેતી કરે છે. આ ઉપરાંત અહીં સ્થાયી ખેડુ પ્રજા તેમજ વિચરતી પ્રજા પણ જોવા મળે છે.

દેશની 20 % જેટલી વસ્તી પર્વતીય વિસ્તારોમાં વસે છે. તેઓ બર્બર સંસ્કૃતિની અસર હેઠળ આવેલા છે અને ડુંગરો કે પર્વતોની ટોચ ઉપરના ભાગોમાં આવાસો બાંધીને રહે છે. તેમના આવાસો પથ્થર અને માટીના હોય છે. તેઓ શિયાળામાં જવ અને મકાઈની ખેતી કરે છે અને ઉનાળામાં શાકભાજી વાવે છે.

ખીણ-વિસ્તારમાં વસતા લોકો રોકડિયા પાકો અને ફળોની ખેતી કરે છે. તેમાં ઑલિવ, બદામ, અખરોટ, સફરજન, પિસ્તાં અને રાસબરી મુખ્ય છે. તેઓ પશુપાલન-પ્રવૃત્તિ સાથે પણ સંકળાયેલા છે. અહીંના લોકો ખાયમસ નામના કાળા તંબૂઓમાં રહે છે.

ઍટલાસની દક્ષિણે ઉપસહરા અને સહરાના વિસ્તારમાં કુલ વસ્તીના માત્ર 5 % લોકો જ વસે છે. કાળા આફ્રિકન અને બર્બરોની મિશ્ર વસ્તી અહીં રહે છે. મુખ્યત્વે તો તેઓ રણદ્વીપોમાં રહે છે. તેઓ અહીં ખજૂર જેવા રોકડિયા પાક ઉપરાંત આલ્ફાઆલ્ફા ઘાસ, મકાઈ, ઘઉં, જવ અને શાકભાજીની ખેતી કરે છે. તેમની મુખ્ય પ્રવૃત્તિ વણજારની છે.

દેશની અડધા ભાગની વસ્તી શહેરોમાં જ વસે છે. અહીં ફ્રાંસના લોકોએ શહેરોનું નિર્માણ કર્યું છે, તેમાં ફેસ, મેકનેસ અને માર્કેચ મુખ્ય છે. કાસાબ્લાંકાને બૃહત્ શહેર તરીકે વિકસાવાયું છે. વહીવટી ર્દષ્ટિએ રબત પાટનગર છે. અહીંનાં મુખ્ય શહેરોને વીજળી, પાણી જેવી સુવિધાઓ મળી રહે તે માટે પ્રયાસો થઈ રહ્યા છે. વહીવટી સરળતા માટે દેશને 7 જિલ્લાઓ અને 49 તાલુકાઓમાં વહેંચવામાં આવેલો છે. દિરહામ અહીં ઉપયોગમાં લેવાતું નાણું છે.

ઇતિહાસ : ઈ. સ. પૂ. 10મી સદીથી ઈ. પૂ. 3જી સદી સુધી ફિનિશિયન લોકોએ ઉત્તર કિનારે પ્રભુત્વ સ્થાપેલું. ઈ. સ.ની પહેલી સદીમાં રોમનોએ અહીંની સત્તા હાંસલ કરી. 682માં આરબોએ અહીંની સત્તા મેળવીને ઇસ્લામ ધર્મનો ફેલાવો કર્યો. 1056માં સ્પૅનિશ પ્રજાએ અહીંના કેટલાક વિસ્તારમાં શાસન સ્થાપ્યું. બારમી સદી સુધી ઉત્તર મોરૉક્કોમાં કાર્થેજિયનો અને રોમનોએ સત્તા ટકાવી રાખી. ચૌદમી સદીમાં મોરૉક્કોના રાજાએ રાજ્યનું વિભાજન કર્યું. 1856માં બ્રિટિશરોના દબાણથી યુરોપના દેશોને અહીં વેપાર કરવાની છૂટ મળી. 1972માં બંધારણીય રીતે રાજા અધ્યક્ષ બન્યા. 1976માં સ્પેને પશ્ચિમ સહરા ઉપરનો હક્ક જતો કર્યો. 1994માં અબ્દ-અલ્-લતીફ વડાપ્રધાન તરીકે નિષ્ફળ નીવડતાં 1996માં નવી સરકારની રચના થઈ.

ઈ. સ. પૂ. 1000માં યુરોપ, નૈર્ઋત્ય એશિયા અથવા ઈશાન આફ્રિકામાંથી બર્બરો(Berbers)એ સ્થળાંતર કરીને મોરૉક્કોમાં વસવાટ કર્યો હતો. ઈ. સ.ની પહેલીથી છઠ્ઠી સદી દરમિયાન આ પ્રદેશમાં રોમનો, વેન્ડાલ અને બાયઝેન્ટાઇનીઓ રાજ્ય કરતા હતા. ઈ. સ. 680ના દાયકામાં આરબોએ મોરૉક્કો પર સત્તા મેળવી. અનેક બર્બરોએ ઇસ્લામ ધર્મ સ્વીકાર્યો. ઈ. સ. 700ના અરસામાં ઇદ્રિસ ઇબ્ન અબ્દેલા નામના આરબ નેતાએ મોરૉક્કોનું પ્રથમ રાજ્ય સ્થાપી આરબો તથા બર્બરોને સંગઠિત કર્યા. તેણે ઇદ્રિસી વંશ સ્થાપ્યો. આ કુળના અનેક રાજાઓએ આશરે 200 વર્ષ સુધી મોરૉક્કો પર શાસન કર્યું. એ શાસકો સુલતાનો કહેવાતા હતા. તેમનું પાટનગર ફેઝ ઇસ્લામી જગતનું ધાર્મિક અને સાંસ્કૃતિક કેન્દ્ર બન્યું. ઈ. સ. 1050થી 1450 સુધી મોરૉક્કો પર ઇસ્લામી બર્બર વંશોનું રાજ્ય હતું. યુરોપમાં સ્પેન અને પૉર્ટુગલ સુધી કેટલીક વાર તેમના સામ્રાજ્યનો વિસ્તાર થયો હતો. 1873થી 1894 સુધીમાં સુલતાન હસન પહેલાએ મોરૉક્કોની સરકાર અને લશ્કરને આધુનિક બનાવ્યાં. વીસમી સદીની શરૂઆતમાં ફ્રાન્સ અને સ્પેને મોરૉક્કો પર સત્તા મેળવી. 1904માં ફ્રાન્સ અને સ્પેને મોરૉક્કોમાં પોતાનાં પ્રભાવક્ષેત્રો નક્કી કર્યાં. વીસી દરમિયાન અબ્દુલ કરીમના નેતૃત્વ હેઠળ દેશના સ્વાતંત્ર્ય માટેની લડત ચાલી. ફ્રાંસે સ્વાતંત્ર્ય-ચળવળના નેતાઓની 1937માં અને તે પછી 1953માં ધરપકડ કરી અને કેટલાકને દેશનિકાલ કર્યા. 2 માર્ચ, 1956ના રોજ ફ્રાન્સની સત્તા હેઠળથી મોરૉક્કો સ્વતંત્ર થયું. એપ્રિલમાં સ્પેને ઉત્તર મોરૉક્કો પરથી પોતાના હકો છોડી દીધા. 1957માં સુલતાન મુહમ્મદે રાજાનો ખિતાબ ધારણ કર્યો. 1960માં તેમણે સરકારનો પૂર્ણ કબજો લઈને વડાપ્રધાનનો હોદ્દો સ્વીકાર્યો. 1962માં મોરૉક્કોમાં બંધારણનો અમલ શરૂ થયો. તેથી દેશમાં બંધારણીય રાજાશાહીનું શાસન શરૂ થયું. 1965થી 1970 સુધી રાજ્યમાં કટોકટીની સ્થિતિ રહ્યા બાદ 1972માં રાજા હસને સત્તા હસ્તગત કરી.

ઈ. સ. 1976માં સ્પેને સ્પૅનિશ સહરા પરનો તેનો દાવો આખરે છોડી દીધો. તે પ્રદેશ ત્યારબાદ ´વેસ્ટર્ન સહરા´ કહેવાતો હતો. ઈ. સ. 1979માં મૉરિટાનિયા વેસ્ટર્ન સહરામાંથી પાછું ફર્યું અને મોરૉક્કોએ ફોસ્ફેટના વિપુલ જથ્થાવાળો પ્રદેશ કબજે કર્યો. મે, 2003માં કાસાબ્લાન્કામાં સંખ્યાબંધ આત્મઘાતી બૉમ્બથી 41 માણસો મરણ પામ્યા. તે અલ્ કાયદાનું કૃત્ય હતું. 24 ફેબ્રુઆરી, 2005ના રોજ ઉત્તર મોરૉક્કોમાં થયેલા ભૂકંપને કારણે 600થી વધુ માણસો મરણ પામ્યા અને બીજા સેંકડો માણસોને ઈજાઓ થઈ. 2009માં વિશ્વવ્યાપી મંદીની અસર હોવા છતાં તે દેશમાં પ્રવાસીઓની સંખ્યામાં 9 ટકામાં વધારો થયો. આ વર્ષે દેશમાં પાક પણ ઘણો સારો થયો હતો. તેમ છતાં પગાર વધારાની માગણી કરીને જાહેર ક્ષેત્રનાં મંડળો (સંઘો) દ્વારા હડતાળો પાડવામાં આવી.

નીતિન કોઠારી

જયકુમાર ર. શુક્લ