મોરૉક્કો કટોકટી

February, 2002

મોરૉક્કો કટોકટી : ઉત્તર આફ્રિકામાં આવેલા મોરૉક્કો દેશ ઉપર ફ્રાન્સે પોતાનું વર્ચસ્ જાળવવા અને જર્મનીએ એ વર્ચસ્ તોડવા કરેલા પ્રયાસોને લીધે સર્જાયેલી આંતરરાષ્ટ્રીય કટોકટી. ઈ. સ. 1904માં મોરૉક્કોના ભાગલા પાડવા ફ્રાન્સે સ્પેન સાથે છૂપી સંધિ કરી અને બ્રિટન સાથે એવી સમજૂતી સાધી કે બ્રિટન મોરૉક્કોમાં ફ્રાન્સની સંપૂર્ણ સત્તાનો સ્વીકાર કરે અને તેના બદલામાં ફ્રાન્સ બ્રિટનની ઇજિપ્તમાં પ્રદેશો મેળવવાની હિલચાલનો વિરોધ નહિ કરે; પરંતુ જર્મનીએ મોરૉક્કોમાં ´ખુલ્લાં દ્વારની નીતિ´નો આગ્રહ રાખ્યો. જર્મનીના સમ્રાટ કૈસર વિલિયમ બીજાએ ટેન્ગિયર(Tangier)ની મુલાકાત લઈને 31મી માર્ચ, 1905ના રોજ મોરૉક્કોની આઝાદી તથા અખંડિતતાની જાહેરાત કરી. પરિણામે ´પ્રથમ મોરૉક્કો કટોકટી´ ઊભી થઈ, જેનો ઉકેલ 1906માં જાન્યુઆરીથી એપ્રિલ સુધી ચાલેલી પરિષદમાં આવ્યો. આ પરિષદ દ્વારા મોરૉક્કોમાં જર્મનીના આર્થિક અધિકારોનો સ્વીકાર કરવામાં આવ્યો અને મોરૉક્કોની આંતરિક તથા વિદેશનીતિ નક્કી કરવાની સત્તા ફ્રાન્સ અને સ્પેનને આપવામાં આવી.

1908ની 8મી ફેબ્રુઆરીએ ફ્રાન્સ અને જર્મની વચ્ચે બીજો એક કરાર થયો, જેમાં મોરૉક્કોની આઝાદી માન્ય રાખવામાં આવી, પરંતુ ઉત્તર આફ્રિકામાં ફ્રાન્સના ખાસ રાજકીય અધિકારો અને જર્મનીના આર્થિક અધિકારોનો સ્વીકાર કરવામાં આવ્યો.

જર્મનીએ એના લશ્કરી જહાજ પૅન્થરને 1 જુલાઈ, 1911ના રોજ અગાદીર મોકલ્યું. ત્યારે ´દ્વિતીય મોરૉક્કો કટોકટી´ અસ્તિત્વમાં આવી. આ લશ્કરી જહાજ મોકલવામાં જર્મનીનો ગૌણ હેતુ મોરૉક્કોના એક સ્થાનિક બળવાને શમાવવાનો, પરંતુ મુખ્ય હેતુ ફ્રેન્ચ સત્તાને નમાવવાનો હતો. ´અગાદીર બનાવ´થી અચાનક ઉશ્કેરાટ સાથે યુદ્ધનું વાતાવરણ ઊભું થયું; પરંતુ આંતરરાષ્ટ્રીય પ્રયાસોથી 1911ની ચોથી નવેમ્બરે સંબંધિત રાષ્ટ્રો વચ્ચે સમજૂતી સધાઈ. આ સમજૂતી દ્વારા મોરૉક્કોના રક્ષક તરીકે ફ્રાન્સનો સ્વીકાર કરવામાં આવ્યો અને એના બદલામાં જર્મનીને ફ્રેન્ચ કૉન્ગોનો થોડો પ્રદેશ આપવામાં આવ્યો. સ્પેને  શરૂઆતમાં આ સંધિનો વિરોધ કર્યો; પરંતુ ગ્રેટ બ્રિટનની દરમિયાનગીરીથી 27મી નવેમ્બર, 1911ના રોજ ફ્રાન્સ અને સ્પેન વચ્ચેની સંધિથી સમાધાન થયું. આ સંધિથી ફ્રાન્સ અને સ્પેન વચ્ચેની મોરૉક્કોમાંની સરહદોમાં થોડા ફેરફાર કરવામાં આવ્યા. 1911–12માં આ દેશો વચ્ચેની મંત્રણાઓને કારણે ટેન્ગિયર અને તેની આસપાસના વિસ્તારોનું આંતરરાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું હતું.

મુગટલાલ પોપટલાલ બાવીસી