મોરૈયો : વનસ્પતિઓના એકદળી (લીલીયોપ્સીડા) વર્ગમાં આવેલા પોએસી (ગ્રેમિનીતૃણાદિ) કુળનું એક તૃણ. તેનું વૈજ્ઞાનિક નામ Panicum miliaceum Linn. (સં. વરક, પ્રિયંગુ; હિં. ચેના, ચીન, બરી; બં. ચીના; મ. વરો, વરી, ધાનોર્યા; ગુ. વરી, મોરૈયૌ, ચીની; તા. પાનીવારાગુ, કડુકાન્ની,  ટિને; તે. વારગાલુ, વરીગા, કોર્રલુ; મલા. ટિના; ક. બારાગુ, પ્રિયંગુ; અં. કૉમન મિલેટ; પ્રોઝોમિલેટ, હોગ્ મિલેટ, ઇટાલિયન મિલેટ) છે.

બાહ્ય લક્ષણો : તે છીછરાં તંતુમય મૂળવાળી, ટટ્ટાર, એકવર્ષાયુ, 30 સેમી.થી 100 સેમી. ઊંચી, અને બહુશાખિત શાકીય વનસ્પતિ છે. તેનાં પર્ણો સાદાં એકાંતરિક, દ્વિપંક્તિક (distichous), 15 સેમી.થી 30 સેમી. લાંબાં અને 6 મિમી.થી 20 મિમી. પહોળાં, પટ્ટી આકારનાં અને અનુપપર્ણીય (exstipulate) હોય છે અને બહુશિરી (multicostate) અભિસારી (convergent) સમાંતર શિરાવિન્યાસ ધરાવે છે. તેનું પર્ણતલ આવરક (sheathing) હોય છે અને પર્ણદલ (lamina) અને પર્ણતલ વચ્ચે ત્વચીય જિહવિકા (ligule) આવેલી હોય છે. શૂકિકાઓ (spikelets) પાતળા, 45 સેમી. સુધીની લંબાઈ ધરાવતા ખુલ્લા કે સઘન લઘુપુષ્પગુચ્છ (panicle) ઉપર આવેલી હોય છે. શૂકિકાઓ 4 સેમી. થી 5 સેમી. લાંબી, અરોમિલ, લીલી કે બદામી-લીલી હોય છે. દાણો સફેદ, પહોળો અને અંડાકાર હોય છે અને બે પ્રકારના નિપત્રો [તુષનિપત્ર (glume) અને શલ્કિકા (palea)] વડે ઘેરાયેલો હોય છે. દાણો પાકે ત્યારે કેટલીક વાર રંગીન બને છે અને સહેલાઈથી ખરી પડે છે.

આકૃતિ 1 : મોરૈયા(Panicum miliaceum)ની પુષ્પીય શાખા

ઉદભવ અને વિતરણ : આ જાતિના વન્ય (wild) સ્વરૂપ વિશે કોઈ માહિતી પ્રાપ્ય નથી. તેની સાથે ગાઢ રીતે સંબંધિત જાતિ P. spontaneum Lyssov ex Zukovski) છે. તે અફઘાનિસ્તાન, કઝાખિસ્તાન અને મૉંગોલિયામાં મોરૈયા સાથે અપતૃણ તરીકે ઊગે છે અને મોરૈયાની વ્યુત્પન્ન તરીકે ગણવામાં આવે છે. મોરૈયાના 5,000થી વધારે નમૂનાઓના અભ્યાસ ઉપરથી તેનાં ´effusum´ અને ´contractum´ એમ બે મુખ્ય જૂથો સૂચવવામાં આવ્યાં છે અને તે પ્રત્યેક વિપુલ સંખ્યામાં પારિસ્થિતિક પ્રરૂપો (ecotypes) ધરાવે છે.

મોરૈયાનું વાવેતર ઘઉંના વાવેતર જેટલું પ્રાચીન માનવામાં આવે છે. તેનો ઉદભવ મધ્ય કે પૂર્વ એશિયામાં થયો હોવાનો ઘણાખરા વૈજ્ઞાનિકોનો મત છે; કારણ કે મૉંગોલિયા, ચીન અને પૂર્વ એશિયા તરફ આગળ વધતાં બધાં લક્ષણોમાં વિભિન્નતાઓ જોવા મળે છે. ભારત ઉપરાંત મૉંગોલિયા, મંચુરિયા, જાપાન, દક્ષિણ અને મધ્ય રશિયા, મધ્ય યુરોપ, મધ્ય-પૂર્વીય દેશો અને યુ.એસ.માં વાવવામાં આવે છે. ભારતમાં તેનું વાવેતર મુખ્યત્વે આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને તમિલનાડુમાં થાય છે. બિહાર, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને પંજાબમાં પણ તે વવાય છે.

જાતો (varieties) : વનસ્પતિનો રંગ, રોમિલતા અને બીજના રંગને આધારે મોરૈયાની ઘણી જાતો આપવામાં આવી છે. તેમાં રંગને આધારે રશિયામાં ´લીલી´, ´રંગહીન´, ´જાંબલી´ અને ´આછી જાંબલી´ જાતો; રોમને આધારે ´અરોમિલ´ અને ´રોમિલ´; રોમિલ જાતમાં રોમિલતાની માત્રાને આધારે ત્રણ પ્રકારો અને બીજના રંગને આધારે સાત પ્રકારો આપવામાં આવ્યા છે. ચેન્નાઈમાં માત્ર બે પ્રકાર – ´ઘેરો જેતૂન (olive) ભૂખરો´ અને ´મંદ પીળો´ મળી આવે છે. ચેન્નાઈ અને મૈસૂરમાં કેટલીક વધારે ઉત્પાદન આપતી જાતો થાય છે. રશિયન જાતો ચીન અને ભારતની જાતો કરતાં વહેલી પાકતી હોવાથી વધારે લાભદાયી છે.

મોરૈયાની સુધારેલી જાત ´PV 1595´, કોઇમ્બતુર સ્થાનિક જાતની પસંદગી કરેલ જાતને વિકસાવી વિભેદ (strain) ´Co.2´ તરીકે જાહેરમાં મૂકવામાં આવી હતી. તેનું વરસાદી પાક હેઠળ તે સરેરાશ 1100 કિ./હે. દાણાનું ઉત્પાદન નોંધાયું છે અને તે ´Co. 1´ કરતાં 45.9 % ચઢિયાતું છે. આ જાત સ્થાયી અને પર્યાવરણ સામે પ્રતિક્રિયાશીલ છે. તે 70 દિવસમાં પાકે છે અને ચળકતા પીળા દાણા આપે છે.

કેટલીક જાતો જેવી કે  ´MS 4872´, ´PV 1685´ અને Kl વરસાદ આધારિત ઉચ્ચ ભૂમિનાં ક્ષેત્રોમાં વધારે ઉત્પાદન મેળવવા માટે યોગ્ય જાતો છે.

આબોહવા અને મૃદા (soil) : જુવાર, બાજરી, કોદરી વગેરે કરતાં તે વધારે થાય છે. ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં ગરમ ઉનાળો હોય ત્યાં કે વધારે ઊંચાઈએ ટૂંકી વર્ષાઋતુવાળા વિસ્તારોમાં અને જ્યાં મૃદા આછી અને ઓછી ફળદ્રૂપ હોય તેવી પરિસ્થિતિઓમાં પણ તે અનુકૂલન પામી જીવી શકે છે. મોરૈયાને અત્યંત ઓછું પાણી મળે તોપણ તે વૃદ્ધિ પામે છે અને મોટી રેતી સિવાયની તમામ પ્રકારની મૃદામાં થાય છે. તે ઉચ્ચ સમતલ પ્રદેશ (plateau) અને હિમાલયમાં 2,700 મી.ની ઊંચાઈએ પણ થાય છે. તેના ટૂંકા જીવનકાળ અને ઝડપી વૃદ્ધિને કારણે જ્યાં અન્ય પાકો સફળતાપૂર્વક થતા નથી તેવા વિસ્તારોમાં તે વાવવામાં આવે છે.

આંધ્રપ્રદેશ અને તામિલનાડુમાં ઑક્ટોબર–નવેમ્બરમાં, મુંબઈમાં જુલાઈમાં અને પંજાબમાં માર્ચ મહિનામાં તેનું વાવેતર કરવામાં આવે છે. પ્રતિ હેક્ટરે 8 કિગ્રા.થી 11 કિગ્રા. બીજ હરોળોમાં એકબીજાથી 22 સેમી.ના અંતરે ઉગાડવામાં આવે છે. આ પાક વરસાદ આધારિત હોવા છતાં ચેન્નાઈમાં તેને સિંચાઈ દ્વારા પાણી આપવામાં આવે છે.

રોગો અને જીવાત : Sphacelotheca destruens નામની અંગારિયો રોગ લાગુ પાડતી ફૂગના નિયંત્રણ માટે બીજ-સજ્જિત (seed-dressed) ફૂગનાશકો(fungicides)ની કાર્યસાધકતાનું એક ક્ષેત્રીય પ્રયોગમાં મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું; તે મુજબ કર્બોક્સિન 75 WP (વિટાવૅક્સ) અને બૅનોમાઇલ 50 WP (બૅન્લેટ) દ્વારા ખૂબ સારું નિયંત્રણ થયું હતું. આ પ્રયોગ નિયંત્રિતોની તુલનામાં અંગારિયાના પ્રભાવમાં અનુક્રમે 99 % અને 95 % ઘટાડો થયો હતો અને ઉત્પાદનમાં 130.6 % અને 118.6 % વધારો થયો હતો. ´MS 1316´ જાત અંગારિયાની અવરોધક જાત જણાઈ હતી.

મોરૈયાની શૂકિકાઓ પર થતી પ્રરોહમાખી Atherigona miliaceaeની ખૂબ ભારે અસર થતી જોવા મળી છે. ચેપગ્રસ્ત છોડની શૂકિકાઓ ચીમળાયેલી, શુષ્ક, બદામી, દોરી જેવી હોય છે અને તેના ઉપર બહુ થોડાક જ દાણા જોવા મળે છે અથવા દાણા બેસતા નથી. મોરૈયાની ´Acc No. 115´ અને ´Acc 148´ કૃષિજાતો પર આ જીવાતની કોઈ અસર જોવા મળતી નથી.

તેની લણણી 70થી 90 દિવસે કરવામાં આવે છે. તેના છોડોને ખેંચી લેવામાં આવે છે અને દાણા પુષ્કળ પ્રમાણમાં ખરી પડતા હોવાથી લણણી બાદ તરત જ છડવામાં આવે છે. શુષ્ક ભૂમિમાં તેનું ઉત્પાદન 450 કિગ્રા. થી 560 કિગ્રા. અને સિંચિત ભૂમિમાં 1,125 કિગ્રા.થી 1,700 કિગ્રા. પ્રતિ હૅક્ટર થાય છે. ગુંટુરની ફળદ્રૂપ કાળી મૃદામાં તેનું ઉત્પાદન 2,270 કિગ્રા./હૅક્ટર થાય છે. દાણા કરતાં ચારાનું ઉત્પાદન થોડુંક વધારે થાય છે. છડેલો દાણો પોષક ગણાય છે. તેને બાફીને રાંધીને ભાતની જેમ ખવાય છે. દહીં દૂધ સાથે ગરીબ લોકો તેની ખીચડી બનાવે છે. કેટલીક વાર તેને દળીને રાબ, રોટલી કે રોટલો બનાવવામાં આવે છે. તેને ભૂંજીને વાનગી બનાવાય છે. ઈથિયોપિયામાં પીણાં બનાવવા તેનું આથવણ કરવામાં આવે છે. યુ.એસ.માં સૂવરના ચારા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ચારામાં પ્રોટીન 11.4 %, પચનીય (digestible) પ્રોટીન 8.4 %, કુલ પચનીય પોષકો 76.9 % અને પોષક ગુણોત્તર 8.2 % હોય છે. તેનો મકાઈ કે જુવારના ચારાની અવેજીમાં પણ ઉપયોગ થાય છે. ઉત્તર ભારતમાં તેનો ઢોરના બિછાના તરીકે ઉપયોગ કરવામાં આવે છે. પંજાબમાં તે પાકે તે પહેલાં લીલા ચારા તરીકે કાપી લેવામાં આવે છે. ચેન્નાઈ અને મૈસૂરમાં તેના સૂકા ચારાનું મૂલ્ય ડાંગરના સૂકા ચારા જેટલું ગણાય છે.

છડેલા દાણાનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 11.9 %, પ્રોટીન 12.5 %, લિપિડ (ઈથરનિષ્કર્ષ) 1.1 %, કાર્બૉદિતો 68.9 %, રેસો 2.2 % અને ખનિજ દ્રવ્ય 3.4 %, કૅલ્શિયમ 10 મિગ્રા., ફૉસ્ફરસ 330 મિગ્રા. અને લોહ 5.7 મિગ્રા./100 ગ્રા. દાણામાં પ્રજીવકોનું પ્રમાણ આ મુજબ છે : થાયેમિન 0.78 મિગ્રા., રાઇબોફ્લેવિન 0.1 મિગ્રા., કોલીન 852 મિગ્રા. અને નાયેસિન 1.0 મિગ્રા./100 ગ્રા. કૅરોટિન અને એસ્કૉર્બિક ઍસિડનો અભાવ હોય છે.

દાણામાં 10 %થી 18 % જેટલું પ્રોટીન હોય છે; જેમાં પ્રોલેમિન, ગ્લુટેલિન અને અલ્પ જથ્થામાં આલ્બ્યુમિન અને ગ્લૉબ્યુલિન હોય છે. ન્યૂક્લિઇન અને r ગ્લૉબ્યુલિનનું પણ અલગીકરણ કરવામાં આવ્યું છે. કુલ પ્રોટીનમાં આવશ્યક ઍમીનોઍસિડો (ગ્રા./16 ગ્રા. નાઇટ્રૉજન)નું પ્રમાણ આ મુજબ છે. આર્જિનિન 2.89 ગ્રા., હિસ્ટિડીન 1.9 ગ્રા., આઇસોલ્યૂસિન 4.04 ગ્રા., લ્યૂસિન 10.93 ગ્રા., લાયસિન 2.06 ગ્રા., મિથિયોનિન 2.47 ગ્રા., ફીનિલ એલેનિન 4.86 ગ્રા. થ્રિયોનિન 3.63 ગ્રા., ટ્રિપ્ટોફેન 1.38 ગ્રા., અને વેલાઇન 5.12 ગ્રા., મોરૈયાના પ્રોટીનનું જૈવવૈજ્ઞાનિક મૂલ્ય 56 % જેટલું હોય છે. પ્રોટીનના 10 %. અંત:ગ્રહણે તેનો પચનીયતા આંક (digestibility coefficient) 91 % જેટલો હોય છે.

દાણામાં મુખ્ય કાર્બૉદિત તરીકે સ્ટાર્ચ હોય છે. શર્કરાઓ અને ડેક્સ્ટ્રીનનું પ્રમાણ ઓછું હોય છે. દાણાને પાણીમાં પલાળીને, દળીને કે આલ્કલી ચિકિત્સા દ્વારા સ્ટાર્ચ (52 %) મેળવવામાં આવે છે. આ સ્ટાર્ચ દેખાવમાં અને અન્ય ગુણધર્મોની ર્દષ્ટિએ મકાઈના સ્ટાર્ચની સાથે સામ્ય દર્શાવે છે. તે 31.2 % ઍમાયલૉઝ અને 68.8 % ઍમાયલોપૅક્ટિનનો બનેલો છે. વસ્ત્ર ઉદ્યોગોમાં તેનો છિદ્રપૂરક (sizing) દ્રવ્ય તરીકે ઉપયોગ કરવામાં આવે છે.

દાણામાંથી પીળું અલ્પ શુષ્કન (semidrying) તેલ (7 % જેટલું) પ્રાપ્ત થાય છે. તેલના ફૅટી ઍસિડના બંધારણમાં બાષ્પશીલ દ્રવ્ય 4.3 %, સંતૃપ્ત 11.5 %, ઓલીક 25.8 %, લિનોલીક 50.6 % અને લિનોલેનીક ઍસિડ 7.8 % જેટલો હોય છે. તેના અસાબુનીકારક (unsaponifiable) દ્રવ્યમાં ફાઇટોસ્ટેરોલ, પ્રોસોલ (C24 H36 O2) નામનો કીટો આલ્કોહૉલ અને ટર્પિન સાથે સંબંધિત સ્ફટિકી પદાર્થ મિલિયેસિન (C32 H54 O) હોય છે.

દાણામાંથી મળતી ભસ્મનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પોટૅશિયમ (K2O) 11.2 %, સોડિયમ (Na2O) 1.4 %, કૅલ્શિયમ (CaO) 0.77 %, મૅગ્નેશિયમ (MgO) 9.5 %, ફૉસ્ફરસ (P2O5) 22.0 %, સલ્ફર (SO3) 0.3 %, ક્લોરિન 0.3 % અને અન્ય (મોટેભાગે સિલિકા) 54.6 %. અલ્પ તત્વોમાં મૅંગેનીઝ, કૉપર અને ઝિંકનો સમાવેશ થાય છે. દાણામાં કૅલ્શિયમ, મૅગ્નેશિયમ, ઇનોસિટોલ ફૉસ્ફેટ પણ હોય છે.

લીલી વનસ્પતિ ઢોરો અને ઘોડાઓ માટે અત્યંત મહત્વના ચારા તરીકે ઉપયોગી છે. લીલા ચારામાં પાણી 75.3 %, પ્રોટીન 2.0 %, લિપિડ 0.6 %, નાઇટ્રોજનમુક્ત નિષ્કર્ષ 12.9 %, રેસો 7.4 % અને ખનિજ દ્રવ્ય 1.8 %, પચનીય પ્રોટીન 1.2 %, કુલ પચનીય પોષકો 15.6 % અને પોષક ગુણોત્તર 12.0 % હોય છે. સૂકા ચારામાં પાણી 9.7 %, પ્રોટીન 9.3 %, લિપિડ 2.2 %, નાઇટ્રૉજનમુક્ત નિષ્કર્ષ 47.6 %, રેસો 23.9 % અને ખનિજ દ્રવ્ય 7.3 %, પચનીય પ્રોટીન 5.6 %, કુલ પચનીય પોષકો 50.7 % અને પોષક ગુણોત્તર 8.1 % હોય છે.

બીજાંકુરમાં હોર્ડેનિન (β-p- હાઇડ્રૉક્સિફિનઇથાઇલ, ડાઇમિથાઇલ ઍમાઇન, C10H15ON) નામનું આલ્કેલૉઇડ હોય છે. વનસ્પતિ સૅપોનિન ધરાવે છે.

મોરૈયામાં ચોખા, જુવાર અને બાજરી જેવાં ધાન્યો કરતાં પ્રોટીન અને લિપિડ દ્રવ્ય વધારે પ્રમાણમાં અને સ્ટાર્ચ થોડાક ઓછા પ્રમાણમાં હોય છે. તે કૅલ્શિયમ, ફૉસ્ફરસ અને ખાસ કરીને આયર્ન અલ્પ પ્રમાણમાં ધરાવે છે. દાણા છડવાથી ટેનિનનું સાર ઘટી જાય છે. આખા દાણાનું અને છડેલા દાણાનું રેસાનું પ્રમાણ અન્ય જુવારાદિ (millets) કરતાં તુલનામાં વધારે પ્રમાણ હોય છે.

મોરૈયાના મૂળના સ્રાવમાંથી સ્ટ્રાઇગૉલ અલગ તારવવામાં આવ્યો છે; જે Striga asiatica (સફેદ આગિયો)નો બીજાંકુરણ ઉત્તેજક પદાર્થ છે. તે ઘાસ અને શિંબી વનસ્પતિઓના મૂળ પર થતી અર્ધપરોપજીવી જાતિ છે.

લોકઔષધિ (ethnomedicine) તરીકે ઉપયોગ : ઓરિસાના કોરાપુત જિલ્લાના આદિવાસીઓ મોરૈયાના મીંજ અને દેવકંચન (Bauhinia purpurea Linn.)ના પ્રકાંડની છાલ દળી તેની પૅસ્ટ બનાવી કાનના ઉપરના ભાગ પર સોજા સાથે સંકળાયેલ રોગ ´ગિરિબાત´ને મટાડવા લગાડે છે અને તેના પર પાટો બાંધે છે.

આયુર્વેદ અનુસાર મોરૈયો પુષ્ટિકારક, તૂરો, મધુર અને રુક્ષ છે અને વાયુ તથા પિત્તનો નાશ કરનાર છે. પ્રદર ઉપર મોરૈયાના ચોખાના ધોવરામણમાં ઉંદરની લીંડી વાટી પિવડાવાય છે.

બળદેવભાઈ પટેલ