મોઝામ્બિક : આફ્રિકાના અગ્નિકોણમાં આવેલો દેશ. ભૌગોલિક સ્થાન : તે 18° 15´ દ. અ. અને 35° 00´ પૂ. રે.ની આજુબાજુનો આશરે 7,99,380 ચોકિમી. જેટલો વિસ્તાર આવરી લે છે.

મોઝામ્બિક

તેની ઉત્તરમાં ટાન્ઝાનિયા, માલાવી અને ઝામ્બિયા, પૂર્વમાં હિન્દી મહાસાગર, દક્ષિણમાં દક્ષિણ આફ્રિકા, નૈર્ઋત્યમાં સ્વાઝિલૅન્ડ તથા પશ્ચિમે દક્ષિણ આફ્રિકા અને ઝિમ્બાબ્વે દેશો આવેલા છે. તેનાં ઉત્તર-દક્ષિણ અને પૂર્વ-પશ્ચિમ મહત્તમ અંતર અનુક્રમે 1,770 કિમી. અને 1,094 કિમી. જેટલાં છે. 2,504 કિમી. લાંબો દરિયાકિનારો આ દેશને મળેલો છે. માપુટો તેનું પાટનગર, મોટામાં મોટું શહેર અને મુખ્ય બંદર છે. મોઝામ્બિક તેનાં ઘણાં સારાં બારાં માટે જાણીતું બનેલું છે. આ દેશની શ્રેષ્ઠ બંદરી સુવિધાઓને કારણે કેટલાક પડોશી દેશો પણ તેનો ઉપયોગ કરે છે. મોઝામ્બિક સોળમી સદીની શરૂઆતથી 1975 સુધી પૉર્ટુગલના શાસન હેઠળ હતું. 1975માં દસ વર્ષના સંઘર્ષ પછી તે સ્વતંત્ર બનેલું છે.

ભૂપૃષ્ઠ–આબોહવા : આશરે અર્ધા ભાગનું મોઝામ્બિક સમતળ મેદાનોથી છવાયેલું છે. આ મેદાનો કિનારાથી અંદરની ભૂમિ તરફ વિસ્તરેલાં છે. મેદાનો પૂરાં થયા પછીની ભૂમિ ધીમે ધીમે ઊંચાઈ પ્રાપ્ત કરતી જાય છે. ઊંચા પર્વતો અને ઉચ્ચ પ્રદેશો પશ્ચિમ સરહદે આવેલા છે. સમુદ્રસપાટી અહીંનું નીચામાં નીચું સ્થળ છે, જ્યારે 2,436 મીટરની ઊંચાઈ ધરાવતું માઉન્ટ બિંગા અહીંનું સર્વોચ્ચ સ્થળ છે. રેતીના ઢૂવા અને કળણભૂમિ કિનારાની ધારે ધારે જોવા મળે છે. ઘાસભૂમિના પ્રદેશો અને અયનવૃત્તીય જંગલો દેશના મોટાભાગને આવરી લે છે. દેશમાંથી પસાર થતી બધી જ નદીઓ પૂર્વ તરફ વહે છે અને હિન્દી મહાસાગરમાં ઠલવાય છે. ઝામ્બેસી અહીંની મુખ્ય નદી છે. આ નદીઓએ તેમનાં થાળાંમાં ફળદ્રૂપ જમીનો બનાવી છે. નાળિયેરી અને કાજુનાં વૃક્ષો લગભગ આખા દેશમાં જોવા મળે છે. મોઝામ્બિકના પ્રાણીજીવનમાં મુખ્યત્વે હાથી, સિંહ, ઝિબ્રા અને મગરનો સમાવેશ થાય છે.

મકરવૃત્ત દેશના દક્ષિણ ભાગમાંથી પસાર થાય છે. આબોહવા અયનવૃત્તીય છે. પરંતુ અહીંનાં તાપમાન અને વરસાદ સ્થાનભેદે બદલાતાં રહે છે. જુલાઈ અને જાન્યુઆરીનાં સરેરાશ તાપમાન અનુક્રમે 20° સે. અને 27° સે. જેટલાં રહે છે. વરસાદનું પ્રમાણ સ્થાનભેદે 410 મિમી.થી 1,220 મિમી. વચ્ચેનું રહે છે. મોટાભાગનો વરસાદ નવેમ્બરથી માર્ચ દરમિયાન પડી જાય છે.

અર્થતંત્ર : આ દેશ પૂરતા પ્રમાણમાં વિકસિત નથી. અહીંનું અર્થતંત્ર મુખ્યત્વે ખેતી પર નિર્ભર છે. કાજુ અહીંની મુખ્ય પેદાશ છે. અન્ય કૃષિપાકોમાં નાળિયેરી, કપાસ, શેરડી અને કસાવા(સ્ટાર્ચધારક મૂળ)નો સમાવેશ થાય છે. કેટલાક લોકો શ્રીંપ (જિંગી, એક જાતની છીપજાત) અને માછલીઓ પકડવાનો વ્યવસાય કરે છે. માલાવી, ઝિમ્બાબ્વે, સ્વાઝિલૅન્ડ અને દક્ષિણ આફ્રિકા જેવા પડોશી દેશો મોઝામ્બિકનાં બંદરો અને રેલમાર્ગોનો ઉપયોગ કરતા હોવાથી તેમાંથી મળી રહેતાં નાણાં મદદરૂપ બને છે. માપુટો અને બીરા અહીંનાં ખૂબ વ્યસ્ત રહેતાં બંદરો છે. દેશનો ઔદ્યોગિક વિકાસ ખૂબ જ ધીમો છે. માત્ર ખાદ્યપ્રક્રમણ અને ખનિજતેલ રિફાઇનરીના ઉદ્યોગો જ વિકસેલા છે. મધ્ય મોઝામ્બિકમાં કોલસાનું ખનનકાર્ય ચાલે છે. વાયવ્યમાં આવેલા કૅહોરા બસ્સા બંધમાંથી વીજ-ઊર્જા મેળવવામાં આવે છે, પરંતુ તેનો મોટો હિસ્સો દક્ષિણ આફ્રિકાને ફાળવવામાં આવે છે. અહીંના ઘણાખરા સડકમાર્ગો હજી કાચા છે. બંદરો અને રેલમાર્ગો પડોશી દેશો સાથે જોડાયેલાં છે. માપુટો ખાતે દેશનું મુખ્ય હવાઈ મથક આવેલું છે. દેશમાંથી ત્રણ દૈનિક-પત્રો બહાર પડે છે.

વસ્તી–લોકો : 2010 મુજબ મોઝામ્બિકની વસ્તી 2,24,16,881 હતી; દર ચોકિમી. દીઠ અહીં વસ્તીની ગીચતા 20 વ્યક્તિની છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે 73 % અને 27 % જેટલું છે. અહીંના લગભગ બધા જ નિવાસીઓ અશ્વેત આફ્રિકી છે. દેશની વસ્તીનો માત્ર 1 % ભાગ આરબો, યુરોપિયનો અને પાકિસ્તાનીઓથી બનેલો છે. દેશની સત્તાવાર ભાષા પૉર્ટુગીઝ છે, પરંતુ બહુ જ ઓછા લોકો માત્ર તેમની વેપારી પ્રવૃત્તિ પૂરતો જ તેનો ઉપયોગ કરે છે. દેશભરમાં બાન્ટુ ભાષાના જુદા જુદા પ્રકારો વધુ વપરાય છે.

મોઝામ્બિકના આશરે 55 % લોકો પરંપરાગત ચાલ્યા આવતા ધર્મો પાળે છે; પરંતુ આ પૈકીના જ કેટલાક તો માત્ર કુદરતની શક્તિમાં જ માને છે; કેટલાક પોતાના પૂર્વજોના આત્માને પૂજે છે. 30 % લોકો ખ્રિસ્તી (રોમન કૅથલિક) છે. બાકીના મુસ્લિમ છે. દેશના માત્ર 15 % લોકો લખી-વાંચી જાણે છે; તેથી અહીંની સરકાર શિક્ષણનો વ્યાપ વધારવા સતત પ્રયત્નશીલ રહે છે. 1962માં માપુટો ખાતે યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવેલી છે. દેશના ઘણાખરા લોકો ખેડૂતો છે, તેઓ પરંપરાગત રીતે ચાલી આવતી સાદી ખેતીપદ્ધતિ જ ચલાવે છે. કેટલાક ખેડૂતો જંગલોને કાપીને, બાળીને ત્યાં વાવેતર કરે છે; પરંતુ આ પદ્ધતિથી તે વિસ્તારના પર્યાવરણને નુકસાન થાય છે. જોકે દેશના કેટલાક પ્રદેશોમાં સુધરેલા ખેડૂતો હવે અર્વાચીન ખેતી-પદ્ધતિ અપનાવતા થયા છે.

વહીવટ : મોઝામ્બિકના સ્વાતંત્ર્ય-દળમાંથી રચાયેલો ફ્રેલિમો (Frelimo) અહીંનો એકમાત્ર રાજકીય પક્ષ છે. પક્ષના પ્રમુખ જ દેશના પ્રમુખ બને છે. દેશની મુખ્ય સરકારી સત્તા પક્ષની મધ્યસ્થ સમિતિને હસ્તક હોય છે. આ સમિતિ ફ્રેલિમો દ્વારા નિમાયેલા 15 સભ્યોની બનેલી હોય છે. પક્ષ લોકસભાના 210 સભ્યોને પણ નીમે છે. આ લોકસભા વર્ષમાં બે વાર મળે છે. તેની કાયમી સમિતિ લોકસભાનાં સત્રોની વચ્ચેના ગાળામાં કાયદાકીય બાબતોને હાથ પર લે છે.

ઇતિહાસ : આજે જ્યાં મોઝામ્બિક છે ત્યાં ઈ. સ. પૂ. 4000 વર્ષમાં પણ લોકો વસતા હતા. બાન્ટુ ભાષા બોલતા લોકો અહીં પહેલી સદી પહેલાં આવીને વસેલા. નવમી સદી સુધીમાં આરબો અહીં આવીને વસેલા છે. પૉર્ટુગીઝો મોઝામ્બિકમાં સર્વપ્રથમ 1497માં આવેલા, 1505માં તેમણે અહીં વેપારી થાણું નાખેલું. તે પછીથી આ દેશ ગુલામોનો વેપાર કરતો પ્રદેશ બની રહેલો. છેક વીસમી સદી સુધી આ દેશ અવિકસિત રહ્યો, પરંતુ પૉર્ટુગીઝોની પકડ વધતી ગઈ. આરબો અને કેટલાક યુરોપિયનો તથા અહીંના આફ્રિકીઓ દ્વારા પૉર્ટુગીઝ વર્ચસ્ સામે પડકાર થવા માંડ્યો. 1885માં આફ્રિકા જુદી જુદી યુરોપીય સત્તાઓ વચ્ચે વહેંચાઈ ગયું, તે વખતે મોઝામ્બિક પૉર્ટુગીઝ સંસ્થાન બની રહેલું. આ પ્રદેશ તે વખતે પૉર્ટુગીઝ ઈસ્ટ આફ્રિકા કહેવાતો. આ મોઝામ્બિકની આજની ભૌગોલિક સરહદોને મળતી આવતી સરહદો 1891માં નક્કી થયેલી છે. ઓગણીસમી અને વીસમી સદીના સંક્રાંતિકાળ દરમિયાન અહીં શહેરો વિકસતાં ગયાં અને રેલમાર્ગો બંધાતા ગયા, સાથે સાથે પૉર્ટુગીઝ વસ્તી પણ વધતી ગયેલી. 1950ના દાયકા દરમિયાન અશ્વેતો સત્તાથી વિમુખ રહેલા હોવાથી પૉર્ટુગીઝો સાથે તેમનું વૈમનસ્ય વધતું ગયું. પરિણામે 1961માં ફ્રેલિમોની સ્થાપના થઈ. 1964માં પૉર્ટુગીઝો સામે લશ્કરી હુમલા થવા માંડ્યા, તેમણે ઉત્તર મોઝામ્બિકના થોડાક ભાગનો કબજો પણ મેળવ્યો. ફ્રેલિમો અને પૉર્ટુગીઝોનાં દળો વચ્ચે દસ વર્ષ સુધી સંઘર્ષો થતા રહ્યા. છેવટે 1975ના જૂનની 25મી તારીખે મોઝામ્બિક સ્વતંત્ર થયું. ફ્રેલિમો પક્ષની નીતિઓ કાર્લ માર્કસ અને લૅનિનની વિચારસરણી પર આધારિત હતી. હવે સરકારી વહીવટ ફ્રેલિમો પક્ષને હસ્તક આવ્યો. આ સરકારે શિક્ષણ, સ્વાસ્થ્ય, કાયદાકીય બાબતો, ગૃહનિર્માણ, ખેતી અને ઔદ્યોગિક વિકાસ પર ધ્યાન દેવા માંડ્યું. આ ગાળામાં પૉર્ટુગીઝોએ મોઝામ્બિક છોડ્યું.

મોઝામ્બિકના પાટનગર માપુટોનો એક રાજમાર્ગ

1976માં દેશનાં હિતોનું રક્ષણ કરી શકાય એ હેતુથી પડોશી દેશ ઝિમ્બાબ્વે(તત્કાલીન રહોડેશિયા)માં શ્વેત લઘુમતી સરકારની સત્તા હોવાથી તેની સાથેની સરહદો બંધ કરી. આ કારણે દેશને ઘણો ભોગ આપવો પડ્યો. દક્ષિણ આફ્રિકામાં પણ શ્વેત લઘુમતી સરકારની સત્તા હતી, તેથી ત્યાં કામ કરવા જતા દેશના લોકોની સંખ્યા પણ ઘટાડી દીધી. મોઝામ્બિક અને રહોડેશિયાની સરહદો પર બંને દેશનાં દળો વચ્ચે લડાઈ ફાટી નીકળી. ઘણા રહોડેશિયાવાસી અશ્વેતો રહોડેશિયાની સરકાર સામે લડવા મોઝામ્બિક ગયેલા. 1980માં રહોડેશિયાની સરકાર પર અશ્વેતોએ કાબૂ મેળવી લીધો. આ રીતે રહોડેશિયા ઝિમ્બાબ્વે બન્યું અને આ બંને દેશો વચ્ચેના ઘર્ષણનો અંત આવ્યો. એ જ ગાળામાં મોઝામ્બિક અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ગેરીલા યુદ્ધો ખેલાયાં. 1984માં ગેરીલા યુદ્ધ બંધ કરવા આ બે દેશો વચ્ચે સંધિ-કરારો થયા. આ કારણે મોઝામ્બિકના ‘રેનામો’(National Resistance Movement)નાં ગેરીલા દળોએ દેશમાં જ તેમની લડાઈ વિસ્તારવા માંડી; પરિણામે દેશની આર્થિક પ્રવૃત્તિઓ તેમજ ખેતી વેરવિખેર બની રહી. 1980ના દાયકાની શરૂઆતમાં મોઝામ્બિકની સરકારે દેશમાં ઉદ્યોગોનો વિકાસ થાય તથા સામ્યવાદી વર્ચસ્ ઘટે એ હેતુથી ખાનગી સાહસોને ઉત્તેજન આપવા માંડ્યું, તેની ધારી અસર થઈ અને 1989માં સામ્યવાદી આર્થિક નીતિઓનો અંત આવ્યો; પરંતુ આ જ દાયકામાં આંતરિક સંઘર્ષો તો ચાલુ જ હતા. તે ઉપરાંત દુકાળનાં વર્ષો પણ આવ્યાં. દેશમાં ખાદ્યસામગ્રીની તંગી વરતાવા માંડી, ઘણા લોકો ભૂખમરાનો ભોગ બન્યા. દુકાળ પૂરો થતાં રાહત તો થઈ, પરંતુ સંઘર્ષોથી ઉદભવેલી ખોરાકી ચીજોની તંગી ઓછી ન થઈ. 1990માં સરકાર અને રેનામો વચ્ચે રોમમાં શાંતિમંત્રણાઓ યોજાઈ, વાટાઘાટો એક વર્ષ સુધી અવારનવાર થતી રહી, પણ તેનું કોઈ સુખદ પરિણામ આવ્યું નહિ. 2000ના પ્રારંભે ભારે પૂર આવતાં 700 માણસો મૃત્યુ પામ્યા અને હજારો લોકો બેઘર બન્યા.

ઈ. સ. 1994માં ચિસાનો પ્રમુખપદે ચૂંટાયો. 1995માં મોઝામ્બિક કૉમનવેલ્થ ઑવ્ નેશન્સ – રાષ્ટ્ર સમૂહનું 53મું રાજ્ય બન્યું. ઈ. સ. 2000માં લિમ્પોપો નદીમાં ભયંકર પૂર આવવાથી 10 લાખ લોકો ઘરવિહોણા થયા અને દેશને પુષ્કળ નુકસાન થયું. 2003માં દુકાળની અસર લાખો લોકો પર થઈ હતી. 2004માં ત્યાંના વડાંપ્રધાન એક મહિલા લુઈસા દિઓગો હતાં. 2005માં પણ આ દેશમાં અનાજની તીવ્ર તંગી પ્રવર્તતી હોવાથી યુનોએ અનાજની સહાય કરી. સ્ત્રીઓ પણ રાજકારણમાં ત્યાં સક્રિય ભાગ લેતી હોવાથી, 2006માં 30 ટકા જેટલી મહિલાઓ ધારાસભ્ય હતી. 2008ના સપ્ટેમ્બરમાં મોઝામ્બિકમાં ભયંકર આગથી કેટલાક માણસો મરણ પામ્યા અને હજારો લોકો નિરાશ્રિત થઈ ગયા. જાન્યુઆરી, 2009માં ભારે પૂરથી 50,000 લોકો ઘરવિહોણા થયા. ત્યાં કૉલેરા ફેલાવવાથી અનેક લોકો મરણ પામ્યા.

રાજકીય : 2જી નવેમ્બર, 1990માં પીપલ્સ ઍસેમ્બલીએ નવા બંધારણ માટે મતદાન કર્યું જે સર્વાનુમતિ પામ્યું અને 30 નવેમ્બર, 1990થી અમલમાં આવ્યું. નવા બંધારણ અનુસાર તેણે ‘પ્રજાસત્તાક મોઝામ્બિક’ નામ ધારણ કર્યું. આ બંધારણથી વિરોધપક્ષોને માન્યતા મળી. બંધારણમાં મૂળભૂત અધિકારો આમેજ કરવામાં આવ્યા. હડતાળનો, પ્રેસ સ્વાતંત્ર્યનો અને હેબિયસ કોપર્સનો અધિકારોમાં સમાવેશ કરવામાં આવ્યો. રાજ્યના વડા તરીકે પ્રમુખ રહેશે એમ નક્કી થયું જે પાંચ વર્ષ માટે પ્રજા દ્વારા સીધી રીતે ચૂંટાય છે. તેની સંસદ – નૅશનલ ઍસેમ્બ્લી 250 સભ્યોની બનેલી છે. 1994માં ત્યાં પ્રથમ મુક્ત ચૂંટણીઓ યોજાઈ.

1990માં ઘડાયેલું આ બંધારણ 1999માં સમીક્ષા માટે રજૂ થયું. સમીક્ષાનો મુસદ્દો પહેલાં પ્રજા સમક્ષ ચર્ચા માટે મુકાયો અને ત્યારબાદ સંસદ સમક્ષ મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો હતો.

તે યુનો અને અન્ય આંતરરાષ્ટ્રીય સંગઠનોનું સભ્ય છે. તેણે ભારે વિદેશી મદદ પર આધાર રાખવો પડે છે.

ગિરીશભાઈ પંડ્યા

રક્ષા મ. વ્યાસ

જયકુમાર ર. શુક્લ