મોઝલી, ઓસવાલ્ડ (અર્નેલ્ડ)

February, 2002

મોઝલી, ઓસવાલ્ડ (અર્નેલ્ડ) (જ. 16 નવેમ્બર 1896, લંડન; અ. 3 ડિસેમ્બર 1980, પૅરિસ નજીકનું ઓર્સે) : બ્રિટિશ રાજનીતિજ્ઞ. 1918થી 1931 સુધી સાંસદ તરીકે કામગીરી કર્યા બાદ તેમણે 1932માં બ્રિટિશ યુનિયન ઑવ્ ફાસિસ્ટની સ્થાપના કરી. આ સંસ્થા સેમેટિક જાતિઓ વિરુદ્ધ પ્રચાર કરતી અને લડાયક દેખાવો યોજી, નાઝી-વિચારનો પ્રચાર કરવા માટે જાણીતી બની. પ્રભાવક વક્તૃત્વશક્તિને કારણે આ સંસ્થાનો પ્રચાર કરવાનું કાર્ય તેમને માટે સરળ હતું.

બીજું વિશ્વયુદ્ધ (1939–45) ફાટી નીકળ્યું ત્યારે તેમને નજરકેદ રાખવામાં આવ્યા; પરંતુ 1943માં માંદગીને કારણે તેમને મુક્ત કરવામાં આવ્યા. 1946માં એ વાત જાહેર થઈ ગઈ કે બ્રિટનમાં ફાસીવાદનો ફેલાવો કરવા માટે ઇટાલીએ તેમને નાણાં પૂરાં પાડ્યાં હતાં. આથી બ્રિટનના ફાસીવાદી સંગઠનની પ્રવૃત્તિઓ વખોડી કાઢવામાં આવેલી. પરિણામે 1948માં આ સંગઠનની અનુગામી સંસ્થા તરીકે યુનિયન મૂવમેન્ટ નામનું સંગઠન રચ્યું અને આ સંગઠન દ્વારા ફાસીવાદી વિચારોનો ફેલાવો કરવાનું કાર્ય ચાલુ રાખ્યું.

‘માય લાઇફ’ (1968) તેમની આત્મકથા છે.

રક્ષા મ. વ્યાસ