મૉર્ગન, થૉમસ હન્ટ

February, 2002

મૉર્ગન, થૉમસ હન્ટ (જ. 25 સપ્ટેમ્બર 1866, કેન્ટુકી, યુ.એસ.; અ. 4 ડિસેમ્બર 1945) : મેન્ડેલે-પ્રતિપાદિત આનુવંશિકતા-(heredity)ના સિદ્ધાંતોનું વિસ્તારપૂર્વક વિવેચન કરવા ઉપરાંત, આધુનિક જનીનવિજ્ઞાન(genetics)નો પાયો નાંખનાર પ્રખર વિજ્ઞાની. તેમણે ડ્રૉસૉફાઇલા મેલાનોગાસ્ટર નામે ઓળખાતી ફળમાખી(fruit fly)ના રંગસૂત્ર પર આવેલાં જનીનોનું અવલોકન અનેક પેઢીઓ સુધી કર્યું. જનીનો સજીવોનાં લક્ષણોના સંચારણમાં પાયાના એકમો છે તેની સાબિતી આપી.

થૉમસ હન્ટ મૉર્ગન, કેન્ટુકીના સ્ટેટ કૉલેજમાંથી સ્નાતક બન્યા અને જૉન્સ હૉપકિન યુનિવર્સિટીમાં Ph.D.ની ઉપાધિ મેળવી. ઈ. સ. 1890માં તેઓ શિક્ષક અને સંશોધક તરીકે બ્રાયન મૉર કૉલેજમાં જોડાયા. ત્યાં જર્મન ભ્રૂણવિજ્ઞાની (embryologist) સાથે કામ કરવાનો મોકો મળ્યો. ઈ. સ. 1904માં તેઓ કોલંબિયા વિશ્વવિદ્યાલયના પ્રાયોગિક પ્રાણીશાસ્ત્રના પ્રોફેસર તરીકે નિમાયા. તે જ વર્ષે તેઓ એક જીવવિજ્ઞાની લિલિયન સૅમ્પસન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. આ યુગલે ત્યાં 24 વર્ષ સુધી જનીનવિજ્ઞાનના ક્ષેત્રે નોંધપાત્ર સંશોધન કર્યું. લિલિયને પોતે લિંગસંકલિત (sex linked) આનુવંશિકતાના ક્ષેત્રમાં મૌલિક સંશોધન કરનાર તરીકે ખ્યાતિ મેળવી છે. ઈ. સ. 1928માં મૉર્ગને કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજીમાં જીવવિજ્ઞાન વિભાગની સ્થાપના કરવાનું આમંત્રણ સ્વીકાર્યું.

થૉમસ હન્ટ મૉર્ગન

મૉર્ગને કરેલાં સંશોધનોના આધારે જનીનો રંગસૂત્ર પર હારમાં ગોઠવાયેલાં છે અને તેમનું પ્રતિચિત્રણ (mapping) થઈ શકે છે તેની સાબિતી આપી. ફળમાખી પરના પ્રયોગોએ મૅન્ડેલના નિયમોને યથાર્થ બતાવ્યા. જોકે તેમાં તેમણે જોયું કે સફેદ આંખ અને નાની પાંખોવાળી માખીઓ ફક્ત નરમાખીઓ હતી; જેથી તેમણે દર્શાવ્યું કે નર માખીમાં xy અને માદા માખીમાં xx રંગસૂત્રો હોય છે. એક લિંગમાં સીમિત રહેલી વિકૃતિઓને આધારે તેમણે દર્શાવ્યું કે તેઓ એક જ રંગસૂત્ર પરના જનીનો છે. સન 1911માં તેમણે કરેલા વધુ અભ્યાસોને અંતે એમણે ´સાયન્સ´ નામના સામયિકમાં એક પ્રત્યાયનિકા(short communication)ના મથાળા હેઠળ રંગસૂત્રીય વારસાની વિભાવના રજૂ કરી હતી. પ્રતિચિત્રણને લીધે કોઈ પણ લક્ષણને લગતા જનીન કે જનીનોનાં અચૂક સ્થાન દર્શાવી શકાય તેની પ્રતીતિ થઈ.

મૉર્ગનનું સન્માન અનેક પારિતોષિકો અને પુરસ્કાર વડે કરાયું છે. 1924માં મૉર્ગનને ´ડાર્વિન ચંદ્રક´ એનાયત કરવામાં આવ્યો. ડ્રૉસૉફાઇલા ક્ષેત્રે કરેલાં સંશોધનોને લીધે મૉર્ગનને (1933) નોબેલ પુરસ્કાર વડે સન્માનિત કરવામાં આવ્યા. લંડનની રૉયલ સોસાયટીએ મૉર્ગનની પરદેશીય માનાર્હ સભ્ય તરીકેની વરણી કરવા ઉપરાંત તેમને કૉપ્લે ચંદ્રક આપ્યો હતો.

તેમનાં મુખ્ય પુસ્તકોમાં ´ધ મેકૅનિઝેમ ઑવ્ મેંડેલિયન હેરેડિટી´ (1905), ´ધ થીઅરી ઑવ્ જીન´, ´એ ક્રિટિક ઑવ્ ધ થીઅરી ઑવ્ એવલ્યુશન´ (1925) અને ´એમ્બ્રિયૉલૉજી ઍન્ડ જેનેટિક´ (1934) મુખ્ય છે.

શિલીન નં. શુક્લ

મ. શિ. દૂબળે