મૉર્ગનર, વિલ્હેમ

February, 2002

મૉર્ગનર, વિલ્હેમ (જ. 27 જાન્યુઆરી, 1891, સોએસ્ટ; અ. 16 ઑગસ્ટ, 1917, લેન્જમાર્ક, જર્મની) : જર્મન અભિવ્યક્તિવાદી ચિત્રકાર. 1908થી 1909 સુધી ચિત્રકાર જ્યૉર્જ ટેપર્ટ પાસે તાલીમ લીધી. ટેપર્ટની ચિત્રશૈલીની રેખાઓની લયબદ્ધતા મૉર્ગનરે એટલે સુધી આત્મસાત્ કરી કે તેમનાં ચિત્રોમાં તે છેક સુધી જળવાઈ રહી. આરંભકાળનાં ચિત્રોમાં ખેતીકામમાં વ્યસ્ત ખેડૂતો એ મુખ્ય વિષય છે. ત્યારબાદ વ્યક્તિચિત્રો અને ઉત્તર જર્મનીના નિસર્ગનું પણ કૅન્વાસ પર તેમણે ચિત્રણ કર્યું છે. તેમનાં ચિત્રોમાં આકારોમાં ઉત્તરોત્તર સાદગી પ્રગટતી ગઈ અને પીંછીના લસરકા વિસ્તૃત અને લાંબા થતા ગયા. ડેલોનેના ઑર્ફિઝમની પણ તેમના પર અસર પડી, તેથી તેમણે માત્ર પ્રથમ(લાલ, પીળો, વાદળી) અને દ્વિતીય શ્રેણી(લીલો, જાંબલી, કેસરી)ના રંગોનો જ ઉપયોગ કર્યો જણાય છે. આમ થવાથી ચિત્રોની છાપ ભડકીલી અને તેજસ્વી બની ઊઠે છે. પરિપ્રેક્ષ્ય અને ઊંડાણ તેમનાં ચિત્રોમાં જોવા મળતાં નથી.

1911માં મૉર્ગનરે બ્રુકે જૂથના કલાકારો સાથે બર્લિનમાં ´ધ ન્યૂ સિસેશન´ પ્રદર્શનમાં પોતાનાં ચિત્રો પ્રદર્શિત કર્યાં. મૉર્ગનર હૃદયથી ખ્રિસ્તી જ હતા, પણ 1912 પછી જ તેમનાં ચિત્રોમાં ખ્રિસ્તી ધર્મવિષયક વિષયોનું પ્રાધાન્ય વધ્યું. તેમાં પણ તેમણે ´ધ ન્યૂ ટેસ્ટામેન્ટ´નાં ચિત્રો વિશેષ પ્રમાણમાં આલેખ્યાં. 1912માં તૈયાર કરેલ એન્ટ્રી ´ઇન ટુ જેરૂસલેમ´ તેમનું પ્રતિનિધિરૂપ ચિત્ર ગણી શકાય.

1913 પછી તેમનાં ચિત્રોમાં વધુ સાદા આકારો પ્રયોજાવાથી તેમની શૈલી અમૂર્ત બનતી ગઈ. 1914 પછી પ્રથમ વિશ્વયુદ્ધ શરૂ થતાં, તેમનું ચિત્રસર્જન સાવ મંદ પડ્યું; ફ્લેન્ડર્સ નજીક યુદ્ધમોરચે સૈનિક તરીકે લડતાં લડતાં તેઓ મૃત્યુ પામ્યા.

અમિતાભ મડિયા