મૉર્ગન, જેક્વિસ જીન મરી દ

February, 2002

મૉર્ગન, જેક્વિસ જીન મરી દ (જ. 3 જૂન, 1857; અ. 14 જૂન, 1924) : ફ્રેન્ચ પુરાતત્વવિદ. તેઓ ફ્રાન્સના પુરાતત્વવિભાગમાં 1892થી ડિરેક્ટર જનરલ તરીકે જોડાયેલા. તેમણે પુરાતત્વ વિભાગના વડા તરીકે ઇજિપ્તમાં નાઇલ નદીના પટમાં કર્નાક અને ઓઝમોસ ખાતે ઉત્ખનન કરીને પુરાવશેષોની શોધ કરી હતી. તેમણે પુશ્ત-ઇ-કુહ (Pusht-i-kuh) વિસ્તાર અને મેસોપોટેમિયામાં ફરીફરીને પુરાતત્વીય તપાસકાર્ય કર્યું હતું, જેમાં હમુરબ્બી(ઈ. સ. પૂ. અઢારમી સદીનો બૅબિલોનનો રાજા)નો પાષાણી સ્તંભલેખ શોધ્યો હતો.

દ. મૉર્ગને પ્રથમ 1894માં ઉત્ખનનકાર્યનો આરંભ કર્યો હતો. આ ઉત્ખનનથી નાઇલ નદીના પશ્ચિમ કિનારે ઝાવિયેત-ઇ-આર્યન (Zawiyet-i-Aryan) ગામથી 6 કિમી.ના અંતરે ગીઝાના પિરામિડ શોધ્યા. આ ઉત્ખનન દ્વારા તીર કે ભાલાના 10 હાથા શોધી કાઢ્યા. આ આયુધો રાજવી કુટુંબોના સભ્યો માટે કબરમાં મૂક્યાં હોય એમ સંભવી શકે છે. આ પિરામિડની પૂર્વ તરફની દિશાએથી મળેલ તીર કે કુહાડીના હાથાઓના અવશેષો રાજા એબીબ્રેહોર (13મા વંશના) અને રાજકુંવરી નેબોરેબ્હીબ્રિયાની કબરોમાંથી મળ્યા હતા.

1896થી 1898 સુધીમાં દ. મૉર્ગનને ઉત્ખનન દ્વારા ઘણા સુવર્ણ-અલંકારો ઉપલબ્ધ થયા હતા, જે કેરો(ઇજિપ્ત)ના સંગ્રહાલયમાં પ્રદર્શિત કરેલ છે. આ સુવર્ણ-આભૂષણોમાં હાર, બંગડીઓ, કાનનાં કુંડળો, મેખલા અને દર્પણનો સમાવેશ થાય છે. આ ઉપરાંત 12મા વંશની કબરોમાંથી ઇજિપ્તની સ્ત્રીઓની ઘરવખરી અને બાળકનાં રમકડાંના અવશેષો મળ્યા છે. એમાં ચૂનાના પથ્થરની શિલ્પાકૃતિ સૌથી સુંદર છે. આ શિલ્પમાં યુવાન માતા જમીન પર લાંબા પગે બેઠી છે અને તેના પગ પર તેનું અંધ બાળક રમી રહ્યું છે. આ શિલ્પનો નમૂનો અગાઉ મૉર્ગનના સંગ્રહમાં હતો.

વીસમી સદીના આરંભમાં દ. મૉર્ગન, જે. ઇ. ક્વિબલ, એફ. ડબ્લ્યૂ. ગ્રીન અને જૉન ગર્સ્ટંગની ટુકડીએ ઉત્ખનન દ્વારા સુશોભિત કબરોમાંથી વીંછી આકારનાં મહોરાંઓ ઉપલબ્ધ કર્યાં હતાં અને નાગદાના બીજા વંશની ચીતરેલી કબરો શોધી હતી.

કિરીટ ભાવસાર