મૉર્ગન, જુલિયા

February, 2002

મૉર્ગન, જુલિયા (જ. 20 જાન્યુઆરી, 1872, સાનફ્રાન્સિસ્કો; કૅલિફૉર્નિયા, યુ.એસ., અ. 2 ફેબ્રુઆરી 1957) : અમેરિકાનાં મહિલા-સ્થપતિ. કૅલિફૉર્નિયામાં સ્થાપત્યનો વ્યવસાય (practice) કરવાનું લાઇસન્સ મેળવનાર તેઓ પ્રથમ મહિલા હતાં. તેઓ બર્નાર્ડ મેબેકનાં વિદ્યાર્થિની હતાં. વળી પૅરિસ ખાતેની ઇકૉલ-દ-બો આર્ટ્સમાં સ્થાપત્યના અભ્યાસ માટે પ્રવેશ મેળવનાર પણ તેઓ સર્વપ્રથમ મહિલા હતાં. 1904માં તેમણે પોતાનો સ્વતંત્ર વ્યવસાય શરૂ કર્યો ત્યારે સંપૂર્ણપણે પુરુષ આધિપત્ય હેઠળ રહેલા આ સ્થાપત્યના વ્યવસાયમાં સનસનાટી મચી ગઈ હતી. કૅલિફૉર્નિયામાં પ્રબલિત (reinforced) કૉંક્રીટ-નિર્માણની શૈલીની તેમણે જ પહેલ કરી અને મિલ્સ કૉલેજ કૅમ્પેનિલ (1904) નામની તેમની રાહબરી હેઠળની ઇમારત સાનફ્રાન્સિસ્કોના 1906ના ભૂકંપમાં ટકી રહી ત્યારે તેમની પ્રતિષ્ઠા વધી ગઈ. પ્રબલિત કૉંક્રીટની તેમની બીજી સુખ્યાત રચના તે ´ધી એન્ચૅન્ટેડ હિલ, કૅલિફૉર્નિયાના દરિયાકાંઠે – સૅન સિમૉન ખાતે પર્વતટોચે આવેલ વિલિયમ રૅન્ડોલ્ફ હર્સ્ટનો મહેલ. ત્યાં હવે રાજ્યનું મ્યુઝિયમ ગોઠવાયું છે.

મહેશ ચોકસી