મેલબૉર્ન : ઑસ્ટ્રેલિયાના વિક્ટોરિયા રાજ્યનું પાટનગર અને સિડની પછીના બીજા ક્રમે આવતું દેશનું મોટું શહેર. ભૌગોલિક સ્થાન : 37° 49´ દ. અ. અને 144° 58´ પૂ. રે.. તે પૉર્ટ ફિલિપ ઉપસાગરના ભાગરૂપ હૉબ્સનના અખાતને મથાળે તેને મળતી યારા નદીને કાંઠે વસેલું છે. યારા નદી શહેરની વચ્ચેથી પસાર થાય છે. વળી તે વિક્ટોરિયા રાજ્યનું મોટામાં મોટું બારું પણ છે. તેનો મધ્યસ્થ શહેરી વિભાગ 1,850 ચોકિમી. તથા બૃહદ્ મેલબૉર્ન 6,100 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે.

મેલબૉર્ન શહેર

મેલબૉર્નની આબોહવા બદલાતી રહે છે. અહીં સમશીતોષ્ણ પ્રકારની આબોહવા પ્રવર્તે છે. સરેરાશ વાર્ષિક તાપમાન 10°થી 16° સે. તથા સરેરાશ વાર્ષિક વરસાદનું પ્રમાણ 660 મિમી. જેટલું રહે છે. ઉનાળા અને શિયાળા દરમિયાન દૈનિક તાપમાનનો ગાળો અનુક્રમે 28° સે. અને 6° સે. જેટલો રહે છે. અતિ ગરમ હવામાન થઈ જાય ત્યારે છોડવા બળી જાય છે.

શહેર : મેલબૉર્નનો મધ્યસ્થ ધંધાકીય વિભાગ પ્રમાણમાં નાનો છે. આ વિભાગની ચારે દિશાઓમાં શેરીમાર્ગો આવેલા છે. મુખ્ય બજારો શેરીમાર્ગોથી વીંટળાયેલાં છે. શહેરનો ચૉક શેરીઓના નાકે આવેલો છે. સ્પેન્સર સ્ટ્રીટ સ્ટેશન દેશના તેમજ આંતરરાજ્યના રેલમાર્ગોનું અંતિમ મથક છે. સ્ટેશનથી પશ્ચિમે નદીના બંને કાંઠે બંદર માટેની સુવિધાઓ છે. અહીં આગારો માટેના શેડ, ગોદામો અને મોટી સંખ્યામાં કારખાનાં આવેલાં છે. બંદરી વિસ્તારની ઉત્તરે આવેલા માર્ગની બંને બાજુએ વિશાળ વિસ્તારમાં જથ્થાબંધ વેપારી માલનાં બજારો આવેલાં છે.

પરાં-વિસ્તારો મધ્યસ્થ વિભાગથી ઉત્તર તથા પશ્ચિમ તરફ 20 કિમી., પૂર્વ તરફ 40 કિમી. અને અગ્નિ તરફ 50 કિમી. સુધી વિસ્તરેલા છે. ટ્રામ અને રેલમાર્ગોની ધારે ધારે વિકસેલાં ઉત્તર મેલબૉર્ન, કાર્લટન, ફિટ્ઝરૉય, કૉલિંગવુડ, રિચમંડ, દક્ષિણ મેલબૉર્ન અને પ્રૅહરન જેવાં અંદરનાં પરાં ઘણાં જૂનાં તેમજ ગીચ વસ્તીવાળાં છે. અહીંના ઘણા જૂના આવાસોને હવે બહુમાળી ઇમારતોમાં ફેરવી નખાયા છે. આજુબાજુના જૂના ગ્રામીણ વિસ્તારોને બૃહદ્ મેલબૉર્નમાં ભેળવી દેવાયા છે.

ઇમારતો : ઓગણીસમી સદીની જૂની, ઘણી જાહેર ઇમારતો અહીં આજે પણ જોવા મળે છે. તેમાં ઓલ્ડ ટ્રેઝરી, સંસદ ભવન, શાહી ટંકશાળ, કસ્ટમ હાઉસ, અદાલતો, ટાઉનહૉલ તેમજ પ્રદર્શન માટેની ઇમારતોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત સેન્ટ પૉલનું ઍંગ્લિકન કેથીડ્રલ (1863) તથા સેન્ટ પૅટ્રિકનું રોમન કૅથલિક કેથીડ્રલ (1863 –1939 અપૂર્ણ) પણ છે. 1958 સુધી તો, કોઈ પણ ઇમારત 40 મીટરથી વધુ ઊંચાઈવાળી ન હતી, પરંતુ હવે તો વધુ ઊંચી ઇમારતો થઈ ગઈ છે. તે પૈકીની રિયાલ્ટો મેઝિન્સની ઇમારત (1986) 56 માળની છે.

શિક્ષણ અને કલા : મેલબૉર્નમાં રાજ્ય કક્ષાની તેમજ ખાનગી ક્ષેત્રની ઘણી પ્રાથમિક અને માધ્યમિક શાળાઓ તથા કૉલેજો આવેલી છે. અહીં મેલબૉર્ન યુનિવર્સિટી (1853), મોનાશ યુનિવર્સિટી (1961) અને લા ટ્રોબે યુનિવર્સિટી પણ છે. દૈનિક પત્રો અને હસ્તપ્રતોનો મહત્વનો ગણાતો ઑસ્ટ્રેલિયન સંગ્રહ ધરાવતી સ્ટેટ લાઇબ્રેરી ઑવ્ વિક્ટોરિયા એ અહીંનું મુખ્ય સંશોધન-પુસ્તકાલય છે. તેની નજીકમાં જ નૅશનલ મ્યુઝિયમ અને સાયન્સ મ્યુઝિયમ આવેલાં છે.

વસ્તીરહેણીકરણી : મેલબૉર્નની વસ્તી 43,47,955 (2013) જેટલી છે. સમગ્ર ઑસ્ટ્રેલિયા ખંડના 17 % અને વિક્ટોરિયા રાજ્યના 66 % લોકો અહીં વસે છે. વસ્તીના 25 %  લોકો ઑસ્ટ્રેલિયાની બહાર જન્મેલા છે. વસ્તીનો 33 % ભાગ 1945 પછીથી બહારથી, વિશેષે કરીને બ્રિટન અને આયર્લૅન્ડમાંથી, આવીને વસેલો છે. આ સિવાયના લોકો અન્ય યુરોપીય દેશો તથા અગ્નિ એશિયાના છે. આશરે 2,500 જેટલા અહીંના મૂળ વતનીઓ પણ અહીં છે. એશિયાઈ દેશોના ઘણા વિદ્યાર્થીઓ પણ મેલબૉર્ન યુનિવર્સિટીમાં અભ્યાસ કરે છે. ઑસ્ટ્રેલિયાના બધા જ વતનીઓની જેમ મેલબૉર્ન-નિવાસીઓ પણ સ્વતંત્ર કુટુંબોમાં તેમજ સ્વતંત્ર મકાનોમાં રહેવાનું વધુ પસંદ કરે છે. માત્ર 60,000 જેટલા લોકો જ મેલબૉર્ન શહેરના નાના સ્થાનિક સરકારી વિસ્તારમાં વસે છે.

લૉર્ડ મેલબૉર્નની સમાધિ

અર્થતંત્ર : મેલબૉર્ન વિક્ટોરિયા રાજ્યનું વેપાર-વાણિજ્યનું મુખ્ય વહીવટી કેન્દ્ર, મુખ્ય બંદર તેમજ ધોરી માર્ગો અને રેલમાર્ગોનું મુખ્ય મથક છે. સમગ્ર ઑસ્ટ્રેલિયાનું આશરે 30 % ઉત્પાદન અહીં થાય છે. રાજ્યમાં મળતા વિપુલ કથ્થાઈ કોલસામાંથી તથા ખનિજતેલ-કુદરતી વાયુમાંથી ઉત્પન્ન કરવામાં આવતી ઊર્જાનું મુખ્ય મથક પણ અહીં છે. મહાનગર વિસ્તારમાં 8,000થી અધિક કારખાનાં છે. બંદરી સુવિધાવાળા વિસ્તારમાં મોટરગાડીઓ, ઍરક્રાફ્ટ અને ખનિજતેલ-શુદ્ધીકરણનાં કારખાનાં આવેલાં છે. આ ઉપરાંત લોકવપરાશની અને ધંધાઉપયોગી ચીજોનાં નાનાં કારખાનાં પરાંઓમાં છે. અન્ય ઉદ્યોગોમાં ઇજનેરી જહાજબાંધકામ, વીજાણુ સાધનો તથા રસાયણો બનાવવાના ઉદ્યોગોનો સમાવેશ થાય છે. ઇમારતો અને તેના બાંધકામમાં, વેપાર-વાણિજ્ય અને નાણાકીય સંસ્થાઓમાં, પરિવહનક્ષેત્રમાં હજારો લોકો કામ કરે છે.

1891માં સ્થપાયેલું બૉર્ડ ઑવ્ વર્કસ અહીંના પાણી-પુરવઠાની, ગટરવ્યવસ્થાની તેમજ અન્ય નાગરિક સુવિધાઓની જવાબદારીઓ ઉપાડે છે. શહેરની બહારના વિભાગોની વ્યવસ્થા અન્ય સેવાઓને હસ્તક છે. યારા અને પ્લેન્ટી નદીઓમાંથી શહેરને પાણી અપાય છે. અહીં પાંચેક જેટલાં જળાશયો પણ તૈયાર કરાયાં છે. વૉરીબી ખાતે ઢોર (માંસ માટે) તથા ઘેટાંઓનો ઉછેર અને નિભાવ થાય છે. રાજ્યકક્ષાનું વિદ્યુતબૉર્ડ તાપવિદ્યુત– અને જળવિદ્યુત-મથકો દ્વારા શહેરને વીજળીની તથા વાયુ અને ઇંધન નિગમ શહેરને ગૅસની જરૂરિયાત પૂરી પાડે છે.

પરિવહનસંદેશાવ્યવહાર : અહીં વીજળીથી ચાલતા રેલમાર્ગો, ટ્રામમાર્ગો, ભૂતલીય રેલસેવા, અને 300 કિમી.ના બસમાર્ગોની સેવા ઉપલબ્ધ છે. તુલામરીન ખાતે આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પણ છે. ઑસ્ટ્રેલિયાના મોટામાં મોટા ગણાતા મેલબૉર્ન બંદરેથી ઘણા જથ્થામાં માલની આયાતનિકાસ થતી રહે છે. ટાસ્માનિયાનો ઘણોખરો માલ પણ અહીંથી જ ચડે-ઊતરે છે. આ બારું પૉર્ટ ઑવ્ મેલબૉર્ન ઑથોરિટીના અંકુશ હેઠળ છે.

આ શહેરમાંથી ઘણાં દૈનિક-અઠવાડિક પત્રો બહાર પડે છે. ઑસ્ટ્રેલિયન બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન મારફતે એક ટીવીમથક અને ચાર રેડિયોમથકો ચાલે છે. ‘રેડિયો ઑસ્ટ્રેલિયા’ એશિયા તેમજ પૅસિફિક ટાપુઓને દરિયાપારની સેવા આપે છે. રેડિયોમથકેથી 47 જેટલી ભાષાઓમાં વિશિષ્ટ પ્રસારણ-સેવા પણ અપાય છે. આ ઉપરાંત ધંધાદારી ટી.વી.-મથકો તેમજ રેડિયો મથકોની સેવા પણ અહીં ઉપલબ્ધ છે.

વહીવટ : વિક્ટોરિયા રાજ્યમાં  મેલબૉર્નની નગરપાલિકા જૂનામાં જૂની છે. 1842માં તેને નગર અને 1847માં શહેર તરીકેના દરજ્જા મળેલા. મહાનગર વિસ્તારમાં 43 શહેરી અને 13 પરાં મળીને 56 સ્થાનિક સરકારી વિભાગો છે. જૂનાં ગ્રામીણ કક્ષાનાં પરાં હવે શહેરી પરાંમાં ફેરવાયાં છે. ફિટ્ઝરૉય અહીંનો નાનામાં નાનો અને બર્વિક મોટામાં મોટો શહેરી વિભાગ છે નાગરિક સુવિધાઓ પૂરી પાડવા માટે પ્રત્યેક સ્થાનિક સરકારી વિભાગનો વહીવટ ચૂંટાયેલા કાઉન્સિલરો દ્વારા થાય છે. 1971માં અહીં પ્રદૂષણ, ઘોંઘાટ, કચરાનિકાલ વગેરે માટે પર્યાવરણીય રક્ષણ પૂરું પાડતું એક અધિકારી સત્તામંડળ પણ રચવામાં આવેલું છે.

ઇતિહાસ : 1801માં ફેબ્રુઆરીમાં લેફ્ટેનન્ટ જૉૅન મરે પૉર્ટ ફિલિપના દક્ષિણ ભાગમાં લેડી નેલ્સન નામના વહાણ મારફતે પહોંચેલા અને આ ભૂમિભાગને ખૂંદી વળેલા. તેમણે આ પ્રદેશ પર બ્રિટનનો દાવો મૂકેલો. ન્યૂ સાઉથ વેલ્સના પ્રથમ ગવર્નર આર્થર ફિલિપના માનમાં અહીંના ઉપસાગરને પૉર્ટ ફિલિપ ઉપસાગર નામ આપેલું. 1803માં ન્યૂ સાઉથ વેલ્સના સર્વેયર જનરલ, ચાર્લ્સ ગ્રાઇમ્સ આ ઉપસાગરના મથાળાના પ્રદેશમાં તથા યારા નદીમાં ફરેલા. તેમણે આ નદીને સ્વચ્છ જળની નદી તરીકે ઓળખાવેલી. એમના અહેવાલો મુજબ, ત્યારે આ પ્રદેશ વસવાલાયક ન હતો. તે પછી પણ વસવાટના પ્રયાસો નિષ્ફળ નીવડેલા. 1835ના જૂનમાં ટાસ્માનિયાના લૉન્સેસ્ટનમાંથી જૉન બૅટમૅન ઘેટાં માટેની ગોચરભૂમિની તપાસ અર્થે આવેલા. નદીમાર્ગે સફર કરીને તેના ઉત્તર કાંઠા પરના એક ભાગમાં ઊતર્યા, ફર્યા અને નોંધ કરી કે ‘આ સ્થળે ગામ વસશે.’ તેમણે અહીંના મૂળ સ્થાનિક આદિવાસીઓને ધાબળા, ચપ્પાં, તેમજ અન્ય ચીજવસ્તુઓ આપીને તેના બદલામાં આશરે 2,400 ચોકિમી. જેટલી ઘાસભૂમિ ખરીદી. તે પછીનાં થોડાંક અઠવાડિયાં બાદ જૉન પાસ્કો ફૉકનર અને તેમના માણસો નદીના ઉત્તર કાંઠે ઊતર્યા. તેમણે આદિવાસીઓના નામ પરથી નદીને ‘યારા યારા’ નામ પણ આપ્યું. આમ પશુઓ સાથે વસાહતીઓ અહીં આવતા ગયા. 1836માં આ વસાહતી વિસ્તાર ન્યૂ સાઉથ વેલ્સના પૉર્ટ ફિલિપ ડિસ્ટ્રિક્ટ  તરીકે ઓળખાવા લાગ્યો. એ જ વર્ષે કૅપ્ટન વિલિયમ લૉન્સડેલ અહીંના સુપરિન્ટેન્ડેન્ટ તથા મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમાયા. 1837માં ગવર્નર સર રિચાર્ડ બૉર્ક નવા સર્વેયર જનરલ રૉબર્ટ હોડલ સાથે આવ્યા. તેમણે ઇંગ્લૅન્ડના તત્કાલીન વડાપ્રધાન લૉર્ડ મેલબૉર્નના માનમાં આ સ્થળને મેલબૉર્ન નામ આપ્યું. 1837 સુધીમાં અહીં આશરે 500 જેટલી વસ્તી થઈ હતી. હોડલે આ સ્થળનો નકશો બનાવ્યો અને અહીંની ભૂમિને સર્વપ્રથમ વાર વેચાણ અર્થે મૂકી. આ જ ગાળામાં આ વિસ્તારના આજના વિલિયમ્સ ટાઉન નામના સ્થળનું પણ સર્વેક્ષણ કરવામાં આવ્યું, પરંતુ મેલબૉર્નને જ આ વિસ્તારના વહીવટી મથક તરીકે પસંદ કરવામાં આવ્યું. તે પછીનાં પાંચ વર્ષોમાં તો મરે નદીથી દક્ષિણ તરફની બધી જ ઘાસભૂમિ ગોચરનિષ્ણાતોએ કબજે કરી લીધી હતી. તેમનાં પશુઓમાંથી મળતી પેદાશો માટે એકમાત્ર મેલબૉર્ન જ વેપારી મથક હતું. તેમનું ઊન અહીંથી જ બહાર જતું હતું. ત્યાં સુધીમાં તો મેલબૉર્નની વસ્તી 4,000 અને જિલ્લાની વસ્તી 10,000 જેટલી થઈ હતી. 1842માં અહીં 6,000ની વસ્તી થવાથી મેલબૉર્નને નગરનો દરજ્જો મળ્યો અને કાઉન્સિલની ચૂંટણી કરવાની સત્તા પણ મળી. 1847માં તો મેલબૉર્ન શહેર બન્યું. 1848માં અહીં ઍન્ગ્લિકન તથા રોમન કૅથલિક પાદરીઓને લાવવામાં આવ્યા. 1851ના જુલાઈમાં પૉર્ટ ફિલિપ ડિસ્ટ્રિક્ટ ધારાધોરણો મુજબ વિક્ટોરિયાનું કૉલોની બન્યું. 1839થી અહીં ફરજ બજાવતા સુપરિન્ટેન્ડેન્ટ જોસેફ લા ટ્રૉબે મેલબૉર્નના સર્વપ્રથમ ગવર્નર બન્યા. 1851માં અહીં સોનું મળી આવ્યું, મેલબૉર્નનું અર્થતંત્ર સુધર્યું, વસ્તી ઝડપથી વધતી ગઈ અને 23,000 સુધી પહોંચી ગઈ. 1861માં તે 1,40,000 નો આંકડો વટાવી જતાં મેલબૉર્ન ઑસ્ટ્રેલિયાનું પ્રથમ ક્રમનું શહેર બની રહ્યું. ઘણી જાહેર ઇમારતો અને નવાં પરાં આકાર લેતાં ગયાં. આજુબાજુના પ્રદેશમાં ઘઉંનું ઉત્પાદન પણ વધ્યું. અનાજ અને ઊનની નિકાસ વધારવા બંદરી સુવિધાઓનો વિકાસ થયો. આ રીતે મેલબૉર્ન ઑસ્ટ્રેલિયાનું મહત્ત્વનું વેપાર-વાણિજ્ય તેમજ નાણાકીય મથક બની રહ્યું.

1880ના દાયકામાં, વધતાં જતાં પરાંઓને કરાણે જમીનોના ભાવ ઊંચકાયા. 1891માં વસ્તી 4,90,000 સુધી પહોંચી ગઈ હતી. આ દાયકામાં જમીનોના ભાવ બેસી જતાં ઘણા રોકાણકારો અને સટોડિયાઓને ભારે નુકસાન વેઠવું પડ્યું. સમય વીતતાં સંજોગો થાળે પડતા ગયા. 1901માં મેલબૉર્ન નવા રચાયેલા ઑસ્ટ્રેલિયા સંઘનું પાટનગર બન્યું. તેના અર્થતંત્રમાં ફેરફારો થયા. 1906માં સિડની તેની વસ્તીમાં મેલબૉર્નને વટાવી ગયું. પ્રથમ વિશ્વયુદ્ધ પછીના વિકાસને કારણે સમવાયતંત્રીય સંસદને 1927માં કૅનબરા ખાતે ખસેડવામાં આવી; સરકારી ખાતાં પણ ખસેડાયાં. 1930–40ના અરસામાં વિશ્વવ્યાપી મંદી આવી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન આયાત માટે નિયંત્રણો હોવાથી પૅસિફિક લશ્કરી છાવણીઓને માટે પુરવઠાની અને સાધનસરંજામની માંગને પહોંચી વળવા અહીં મોટા પાયા પર ઔદ્યોગિક વિકાસ થતો ગયો. 1947 સુધીમાં અહીંની વસ્તી 12,26,000 અને 1960 સુધીમાં તો તેનાથી પણ બમણી થઈ ગઈ.

ગિરીશભાઈ પંડ્યા