મૅલમડ, બર્નાર્ડ (જ. 26 એપ્રિલ 1914, બ્રુકલિન, ન્યૂયૉર્ક; અ. 1986) : અમેરિકાના નવલકથાકાર તથા ટૂંકી વાર્તાના લેખક. યહૂદી માતાપિતા મૂળ રશિયામાંથી સ્થળાંતર કરી અમેરિકામાં સ્થાયી થયેલાં. તે યહૂદી પરંપરાના લેખક મનાય છે. તેમની નવલો તેમજ ટૂંકી વાર્તાઓમાં બ્રુકલિન, મૅનહટન તથા બ્રૉન્ક્સમાં વસતા અમેરિકન યહૂદીઓ જ સાદ્યંત કેન્દ્રસ્થાને રહેતા આવ્યા છે. આ સામાન્ય લોકવર્ગમાંથી તેઓ વૈશ્વિક અર્થસંદર્ભ તથા જીવવાની ઝંખનાનાં પ્રતીકો અથવા માનવીય ગુણો અને ધૈર્યનો વિજય દર્શાવતાં પાત્રો ઉપસાવી આપે છે.

તેમની પ્રથમ નવલ ‘ધ નૅચરલ’(1952)માં વર્તમાન સમયના બેઝબૉલ ખેલાડીની કાલ્પનિક કથાની શૈલી-લખાવટમાં તેમણે લોકલઢણોનો ઉપયોગ કર્યો છે. તેમની સૌથી વિશેષ પ્રશંસા પામેલી નવલ ‘ધી ઍસિસ્ટન્ટ’ વિષય તેમ શૈલી – એમ બંને ર્દષ્ટિએ લાક્ષણિક કૃતિ નીવડી છે. તેમાં એક વયોવૃદ્ધ અને રોગગ્રસ્ત યહૂદી વેપારીનો ઇટાલિયન આસિસ્ટન્ટ ધિક્કાર તથા ઉપહાસમાંથી જે રીતે સંપૂર્ણ સદભાવ કેળવતો થાય છે તેનો વિકાસક્રમ રસપ્રદ શૈલીમાં આલેખાયો છે. ‘એ ન્યૂ લાઇફ’ (1961) એક યહૂદી અધ્યાપકની બુદ્ધિચાતુર્ય અને કટાક્ષથી ભરપૂર કથા છે.

1942માં કોલંબિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. થયા પછી 1949 સુધી ન્યૂયૉર્કની હાઈસ્કૂલમાં સાંજના વર્ગોમાં શિક્ષણકાર્ય કર્યું. ત્યારપછી તેમણે કૉવૉર્લિસની ઑરેગન સ્ટેટ કૉલેજમાં હોદ્દો સ્વીકાર્યો. 1961થી તેમણે વમૉર્ન્ટ ખાતેની બેનિંગ્ટન કૉલેજમાં સાહિત્ય વિષયમાં અધ્યાપન કર્યું. 1913ના રશિયાના જીવનને આલેખતી નવલકથા ‘ધ ફિક્સર’ (1966) બદલ તેમને પુલિત્ઝર પ્રાઇઝ તથા બીજી વારનો નૅશનલ બુક ઍવૉર્ડ મળ્યો. અમેરિકા બહાર વસતા યહૂદીઓની જીવનકથા અને સાંપ્રતેતર વિષયવસ્તુ આલેખતી અત્યાર સુધીમાં આ તેમની પહેલી નવલ છે. 1913માં એક રશિયન–યહૂદી સ્ત્રીના માથે ખૂન કર્યાનો પ્રથમદર્શી આરોપ થતાં તે નિર્દોષ હોવાથી મનથી ભાંગી પડે છે. આ વાર્તામાં વેરવિખેર થયેલા યહૂદીઓની આંતરવેદનાને વાચા મળી છે. ‘ધ ટેનન્ટ્સ’(1971)માં તેમનું પ્રચલિત પરિચિત વાતાવરણ જોવા મળે છે. આ કથામાં ન્યૂયૉર્કના એક ત્યજાયેલા ટેનામેન્ટમાં રહેતા યહૂદી-અમેરિકન લેખક તેમજ અશ્વેત ક્રાંતિકારી પોતપોતાનાં જીવનમૂલ્યોની ચર્ચા કરતા આલેખાયા છે. તેમની સૌથી છેલ્લી નવલ ‘ડબ્લિન્સ લાઇવ્ઝ’ (1979) જટિલ, જોશીલી અને આત્મકથાત્મક રચના છે અને તે તેમની સુરુચિપૂર્ણ ઉત્કૃષ્ટ કૃતિ છે. ‘ગૉડ્ઝ ગ્રેસ’(1982)માં એક કૃત્રિમ કાલ્પનિક બોધકથા દ્વારા અણુયુદ્ધ પછી બચી જનાર એકલાઅટૂલા માણસની વાત છે. માનવજાતના સમૂળગા નાશ પછી પણ વાનરોની વચમાં તે નવી સંસ્કૃતિના પાયા નાખે છે.

તેમની ટૂંકી વાર્તાઓના સંગ્રહોમાં ‘ધ મૅજિક બૅરલ’ (1958); ‘ઇડિયટ ફર્સ્ટ’ (1963), ‘પિક્ચર્સ ઑવ્ ફાઇદલમૅન’ (1969) અને ‘રેમ્બ્રન્ટ્સ હૅટ’ (1973) નોંધપાત્ર છે. આમાંની પ્રથમ કૃતિને નૅશનલ બુક ઍવૉર્ડ એનાયત થયેલો, તેમની ટૂંકી વાર્તાઓમાં યહૂદીઓ માટેની ખાસ સંવેદના પ્રગટ થાય છે. ‘ધ સ્ટોરિઝ ઑવ્ બર્નાર્ડ મૅલમુડ’ (1983) તેમની ટૂંકી વાર્તાઓનો સમગ્ર સંગ્રહ છે.

લોકભોગ્ય તથા સાહિત્યિક સામયિકોમાં છપાયેલી તેમની ટૂંકી વાર્તાઓના સંગ્રહ પૈકી પ્રથમ વાર્તાસંગ્રહ ‘ધ મૅજિક બૅરલ’(1958)ને નૅશનલ બુક ઍવૉર્ડ મળ્યો હતો.

મહેશ ચોકસી