મૅર્ટિન, જૉન (જ. 1789 બ્રિટન; અ. 1854 બ્રિટન) : રંગદર્શી ચિત્રશૈલીના બ્રિટિશ ચિત્રકાર. તેઓ વિનાશ, સર્વનાશ અને પ્રલયનાં નિસર્ગચિત્રો સર્જવા માટે જાણીતા બનેલા. બ્રિટનના તત્કાલીન સામાજિક અને રાજકીય વાતાવરણમાં સન્માનપાત્ર સ્થાન ધરાવતી ‘ધ રૉયલ એકૅડેમી ઑવ્ આર્ટ્સ’ તરફથી મૅર્ટિનને હડધૂત કરાયા હતા. સામે પક્ષે મૅર્ટિને પણ એ એકૅડેમીનો હિંસક વિરોધ કરેલો. પરસ્પરનો આ તિરસ્કાર વધતો જ ગયો. આ એકૅડેમીએ ‘બીભત્સ’ લેખેલાં મૅર્ટિનનાં ચિત્રોની લોકપ્રિયતા બ્રિટિશ જનસામાન્યમાં વધતી જ ગઈ. બાઇબલની કથાઓ પરથી બનાવેલાં તરંગલીલા જેવાં તેમનાં ચિત્રો ‘જૉશુઆ કમૅન્ડિંગ ધ સન ટુ સ્ટૅન્ડ સ્ટીલ’ (1816) અને ‘બૅલ્શાઝાર્સ ફીસ્ટ’ (1821) જ્યારે ‘ધ બ્રિટિશ ઇન્સ્ટિટ્યૂશન’માં યોજેલા તેમનાં વૈયક્તિક ચિત્ર મુકાયાં ત્યારે એટલાં તો લોકપ્રિય થઈ પડ્યાં કે પ્રદર્શન 3 સપ્તાહ લંબાવવું પડ્યું અને કુલ 5000 ઉપરાંત દર્શકો જોવા ઊમટ્યા. ‘લાસ્ટ જજમેન્ટ’ અને ‘ધ ગ્રેટ ડે ઑવ્ હિઝ રૉથ’ તેમની સર્વોચ્ચ ચિત્રકૃતિઓ ગણાય છે. બાઇબલમાંના ભાવિકથનના શબ્દશ: ચિત્રાલેખ મુજબ ‘ધ ગ્રેટ ડે ઑવ્ હિઝ રૉથ’માં ઊંચા પર્વતોને ખીણમાં ગબડી પડતા અને માનવોને ચગદાઈ જતા આલેખાયા છે. એ ચિત્રને નીચેથી ઊંધું (up-side down) કરીને જોતાં દરિયામાં ડૂબી મરતા માનવો નજરે પડે છે.

અમિતાભ મડિયા