મેરો સિજ (1984) : સિંધી ગઝલસંગ્રહ. અમદાવાદના વતની, કવિ અર્જન હાસિદ(જ. 1930)ની ગણના સિંધીના આધુનિક કવિઓમાં ઉત્તમ કક્ષાના ગઝલકારોમાં થાય છે. એમણે સિંધી સાહિત્યની પ્રગતિવાદી પરંપરાના સમયથી કાવ્યો લખવાની શરૂઆત કરી હતી. ત્યારથી એમનું કાવ્યસર્જન અવિરામ ચાલુ રહ્યું છે. એમને ‘મેરો સિજ’ ગઝલસંગ્રહ માટે વર્ષ 1985નું કેન્દ્રીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક પ્રાપ્ત થયું હતું. આ સંગ્રહમાં 60 ‘નવી’ ગઝલો છે. તેઓ ગઝલની સામાન્ય પરંપરા તથા વ્યાખ્યાથી બિલકુલ વિરુદ્ધ વિચારધારાના કવિ છે. તેમાં પ્રેમિકા સાથેના વાર્તાલાપ, ઝુલ્ફોમાં ખોવાઈ જવાની ખેવના જેવી ઊર્મિઓ ગેરહાજર હોય છે. એમની ગઝલોમાં સમસ્યાઓથી ઘેરાયેલો આજનો માનવી કેન્દ્રબિંદુએ રહેલો છે. એ માનવીને બીજાનો પ્રેમ એટલે નથી મળ્યો કે પોતે પણ પોતાને પ્રેમ કરી શકતો નથી. અન્ય કવિઓની રચનાઓથી તદ્દન અલગ પડતી આવા ભાવવાળી ગઝલો આ સંગ્રહમાં છે. એમની બધી ગઝલોમાં માનવના વાસ્તવિક ઘરની, એના વાસ્તવિક સંબંધોની વાત છે. માનવીને પોતાના જ મિત્રોએ જે જખ્મો આપ્યા છે તેની એમાં વાત છે. કદાચ તેથી જ આ ગઝલોમાં કોઈ એક કવિના વૈયક્તિક અનુભવોની પ્રસ્તુતિ નહિ લાગતાં સાંપ્રતકાળના સમષ્ટિગત અનુભવોની પ્રસ્તુતિ લાગે છે. જીવનને જોવાની નવી ર્દષ્ટિ, નવાં પ્રતીકો અને નવા શબ્દોના પ્રયોગો આ ગઝલોમાં વિશેષ ધ્યાન ખેંચે છે. શબ્દો પણ પોતાની વાત કરતા હોય એવું લાગે છે. કવિની શબ્દપસંદગીની સૂઝ એમની અભિવ્યક્તિને વધુ કલાત્મક બનાવે છે. પરંપરાગત શબ્દોને ટાળી કવિ પોતાના ભાવને પ્રભાવક રીતે વ્યક્ત કરવા માટે સાદા-સરળ શબ્દોની મદદ લે છે. કવિ આજના માણસનો ચહેરો, એનો સ્વભાવ, એની ટેવ અને વ્યવહારોને પારખવામાં ઘણા સફળ રહ્યા છે.

અર્જન હાસિદના અન્ય કાવ્યસંગ્રહો ‘સુવાસનજી સુરહાણ’ (1966), ‘પથ્થર પથ્થર કંડા કંડા’ (1974), ‘મોગો’ (1992) અને ‘ઉંજ’ (1999) પણ પ્રસિદ્ધ થયા છે.

હુંદરાજ બલવાણી