મેરેડિથ, જ્યૉર્જ (જ. 12 ફેબ્રુઆરી 1828, પૉટર્સ્મથ, હૅમ્પશાયર, ઇંગ્લૅન્ડ; અ. 18 મે 1909, બૉક્સહિલ, સરે) : આંગ્લ કવિ અને નવલકથાકાર. પૉટર્સ્મથ, સાઉથ સી અને ત્યારબાદ નેઉવીડ, જર્મનીમાં અભ્યાસ. પિતાની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી, માત્ર 17 વર્ષની વયે લંડનના સૉલિસિટરને ત્યાં વકીલાતની તાલીમ લીધી. પરંતુ, જ્યૉર્જને કાનૂની ઝંઝટ કરતાં લેખનમાં વધુ રસ હતો.
ઉત્કૃષ્ટ ગ્રંથોના આ સર્જકનાં લખાણો જર્મન તથા ફ્રેન્ચ સાહિત્યમાં ઉપલબ્ધ છે. તેઓ પિકૉક, સ્વિનબર્ન અને રૉઝેટીના નજીકના મિત્ર હતા અને તેઓ જાણતા હતા કે સાહિત્યસર્જનના આધારે માત્ર અનિશ્ચિત પ્રકારનું જીવન જ જીવી શકાય.
જ્યૉર્જના સર્વપ્રથમ કાવ્યસંગ્રહ ‘પોએમ્સ’(1851)ની લૉર્ડ ટૅનિસન અને સી. કિંગ્ઝલીએ મુક્ત કંઠે પ્રશંસા કરી હતી. ‘ધ શેવિંગ ઑવ્ શગપત’ (1856) વિવેચકોના સારા આવકાર છતાં વેચાણતર્દષ્ટિએ નિષ્ફળ રહ્યો હતો. ‘ફરીના’ (1857) નામક જર્મન પ્રહસન તેમજ લેખકની પ્રથમ નવલકથા ‘ધી ઑરડીલ ઑવ્ રિચર્ડ ફૅવરલ’ (1859) પણ વેચાણમાં ઊણાં ઊતર્યાં; પરંતુ ‘ધ ટાઇમ્સ’ અને ‘અથેન્યમ’ બંનેમાં તેની સ્પષ્ટ, મુક્ત પ્રશંસા થઈ અને કાર્લાઇલે પણ આ નવલકથાને ભારોભાર વખાણી, ત્યારથી કાર્લાઇલ મેરેડિથના નજીકના મિત્ર બની ગયા.
‘ફૉર્ટનાઇટલી રિવ્યૂ’ સહિત ઘણાં સામયિકોમાં મેરેડિથે, પછી લેખ આપવાની શરૂઆત કરી. તેમણે તેમની આત્મકથાત્મક નવલકથા ‘ઇવાન હૅરિંગ્ટન’ (1861) અને કવિ તરીકે તેમને અંગ્રેજી સાહિત્યમાં કાયમી સ્થાન અપાવનાર તેમનો દ્વિતીય કાવ્યસંગ્રહ ‘મૉડર્ન લવ’ (1862) પ્રકાશિત કર્યાં. 1861થી જ તેમણે ‘ઇપ્સવિચ ક્રૉનિકલ’માં પ્રસિદ્ધ થતા સમાચારનું 8 વર્ષ સુધી સંપાદન કર્યું.
1864થી લગભગ 20 વર્ષ સુધી મેરેડિથે નિયમિત સમયાંતરે ‘સાન્દ્રા બૅલોની’ (1864), ‘રૅડા ફ્લેમિંગ’ (1865), ‘વિત્તોરિયા’ (1867), ‘ધ ઍડવેન્ચર્સ ઑવ્ હૅરી રિચમન્ડ’ (1871), ‘બૉચેમ્પ્સ કરિયર’ (1876), ‘ધી ઈગોઇસ્ટ’ (1879) અને ‘ધ ટ્રૅજિક કૉમેડિયન્સ’ (1880) જેવી નવલકથાઓ પ્રસિદ્ધ કરી. 1883માં ‘પોએમ્સ ઍન્ડ લિરિક્સ ઑવ્ ધ જૉય ઑવ્ અર્થ’ નામનો કવિનો ત્રીજો કાવ્યસંગ્રહ પ્રસિદ્ધ થયો. 1855માં તેમની નવલકથા ‘ડાયૅના ઑવ્ ધ ક્રૉસવેઝ’ પ્રકાશિત થઈ. તેની એક જ વર્ષમાં 3 આવૃત્તિઓ કરવી પડી. ત્યારબાદ મેરેડિથે 3 વધુ નવલકથાઓ ‘વન ઑવ્ અવર કૉન્કરર્સ’ (1891), ‘લૉર્ડ ઑરમન્ટ ઍન્ડ હિઝ ઍમિન્ટા’ (1894) અને ‘ધી અમેઝિંગ મૅરેજ’ (1895) પ્રકાશિત કરી. ‘ધ કૅસ ઑવ્ જનરલ ઑપ્લે ઍન્ડ લેડી કૅમ્પર’ જેવી ખૂબ પ્રસિદ્ધિ પામેલ નવલિકા સહિતનો નવલિકાસંગ્રહ 1898માં અને 1909માં ‘લાસ્ટ પોએમ્સ’ નામનો તેમનો અંતિમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ‘સેલ્ટ ઍન્ડ સૅક્સન’ નામની અપૂર્ણ નવલિકા તથા ‘ધ સેન્ટિમેન્ટાલિસ્ટ્સ’ નામનું હાસ્યરસપ્રધાન નાટક મરણોત્તર પ્રકાશન છે.
મેરેડિથે તેમના અવસાન અગાઉ લગભગ 40 વર્ષ સુધી સતત સાહિત્યસર્જન કર્યું. ‘સોસાયટી ઑવ્ ઑથર્સ’ના પ્રમુખ તરીકે પણ તેમણે સેવા આપી અને અત્યંત આદરણીય સાહિત્યકાર તરીકે માન પ્રાપ્ત કર્યું. તેમની પોતાની માન્યતા મુજબ તેઓ પ્રથમ કવિ હતા, નવલકથાકાર નહિ, પરંતુ તેમના વાચકોનું મંતવ્ય આથી જુદું હતું !
અનંત ર. શુક્લ