મેરેઝૉવસ્કી, દમિત્રી સર્ગેવિચ

February, 2002

મેરેઝૉવસ્કી, દમિત્રી સર્ગેવિચ (જ. 14 ઑગસ્ટ 1865, સેંટ પીટર્સબર્ગ, રશિયા; અ. 7 ડિસેમ્બર 1941) : રશિયાના નવલકથાકાર, કવિ તથા વિવેચક. તેઓ રશિયન પ્રતીકવાદના એક સ્થાપક લેખાય છે. તેમણે પીટર્સબર્ગની યુનિવર્સિટીમાં અભ્યાસ કર્યો અને પછી લેખનની કારકિર્દી અપનાવી. તેમની ઐતિહાસિક નવલકથાઓ તેમજ ટૉલ્સ્ટૉય, ઇબ્સન, ગૉગોલ, દૉસ્તોયેવ્સ્કી તથા દાન્તે જેવા કેટલાક મહાન યુરોપિયન લેખકોના અભ્યાસગ્રંથોથી તેઓ વીસમી સદીનાં પ્રારંભિક વર્ષોમાં જ આંતરરાષ્ટ્રીય નામના પામ્યા. તેમનાં પત્ની ઝિનાયદા પણ કવિ, નવલકથાકાર અને વિવેચક હતાં. રજતયુગ એટલે કે ‘સિલ્વર એજ’ (1895–1928) દરમિયાન પતિ-પત્ની બંને રશિયાનાં બૌદ્ધિક-વર્તુળો તથા કલાજગત પર છવાઈ ગયાં હતાં. 1917ની ક્રાંતિના તેઓ વિરોધી હતાં અને તેમના વિરોધી બૉલ્શેવિકો સત્તા પર આવતાં, આ દંપતી પૅરિસ ભાગી નીકળ્યાં.

દમિત્રી સર્ગેવિચ મેરેઝૉવસ્કી

‘જૂલિયન ધી એપૉસ્ટલ’, ‘લિયૉનાર્દો દ વિન્ચી’ તથા ‘પીટર ઍન્ડ ઍલેક્સિઝ’ની બનેલી તેમની નવલત્રયી ‘ક્રાઇસ્ટ ઍન્ડ ઍન્ટિક્રાઇસ્ટ’ (1896–1905) પ્રગટ થતાંવેંત લોકપ્રિય બની ગઈ અને અનેક ભાષાઓમાં તેના અનુવાદો થયા. ‘લિયૉનાર્દો દ વિન્ચી’ ફ્રૉઇડનું મનભાવન પુસ્તક હતું. ફ્રૉઇડે સ્વીકાર્યું હતું કે એ પુસ્તકના આધારે તેઓ એ ચિત્રકારની કામગ્રંથિને–વાસનાવૃત્તિને સારી રીતે સમજી શક્યા હતા. મહાન પીટરના સમયકાળમાં મંડાયેલી ‘પીટર ઍન્ડ ઍલેક્સિઝ’માં આ સર્જકની ઐતિહાસિક કલ્પનાશક્તિનો અદભુત પ્રભાવ જોવા મળે છે. ટૉમસ માને આ સર્જકને નીત્શે પછીના ‘વૈશ્વિક મનોવિજ્ઞાની’ તરીકે બિરદાવ્યા હતા.

મહેશ ચોકસી