મેરે ડોગરી ગીત (1974) : ડોગરી કવિ કૃષ્ણ સ્મેલપુરી(જ. 1900)નો કાવ્યસંગ્રહ. સાહિત્યજગતમાં તે ઉર્દૂ કવિ તરીકે પ્રવેશ્યા, પણ 1950ના દાયકા દરમિયાન તેમને પ્રતીતિ થઈ ચૂકી કે પોતાની માતૃભાષા ડોગરી પોતાની કાવ્યાત્મક અભિવ્યક્તિ માટે સમુચિત અને સબળ માધ્યમ છે.

સંગ્રહના શીર્ષક પરથી સૂચવાય છે તે મુજબ તેમાં ગીતો સંગ્રહસ્થ થયાં છે; એ ગીતોમાં કેટલાંક ભજનો તથા ચારેક ગઝલોનો પણ સમાવેશ થયો છે. કેટલાંક ગીતોમાં સ્વરરચના માટે ઠૂમરી, બસંતબહાર, ખયાલ, માલકોંસ જેવા રાગનિર્દેશો પણ કરેલા છે.

ડોગરી ભાષામાં મોટેભાગે પ્રણયના વિષય પર ગીતો લખવાની પહેલ કરવાનો યશ કૃષ્ણ સ્મેલપુરીને ફાળે જાય છે. આ ઊર્મિકાવ્યો રચવામાં તેમણે ડોગરી લોકગીતોનાં સ્વરૂપ તથા વિષયોમાંથી ભારે પ્રેરણા લીધી છે. પોતાની આ ગીતરચનાઓને લોકપ્રિય ઢાળોમાં બેસાડવાની કોશિશ પણ તેમણે કરી છે; આથી તેમનાં ગીતો વિશેષ મધુર અને લોકભોગ્ય બન્યાં છે.

લોકઢાળોનો આવો વ્યાપક અને અતિશય ઉપયોગ કરવાની કવિની શૈલી પરત્વે ડોગરી વિવેચકોમાં ભલે બે મત પ્રવર્તતા રહ્યા, પરંતુ તેમનાં ગીતોની રમણીયતા ને મધુરતા વિશે સૌ એકમત છે. તેમની સુમધુર રચનાઓના પરિણામે ગાયકસમૂહને તથા આકાશવાણી શ્રોતાવૃંદને પોતાની જ ભાષામાં સુંદર અને સુગમ ગીતો ગાવા-સાંભળવાનો લહાવો મળતો રહ્યો છે. તેમનાં કેટલાંક ગીતો તો બેહદ લોકપ્રિય નીવડ્યાં છે.

આ સંગ્રહને કેન્દ્રીય સાહિત્ય અકાદમીનો 1975ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો.

મહેશ ચોકસી