મેરિફિલ્ડ (રૉબર્ટ) બ્રુસ

February, 2002

મેરિફિલ્ડ (રૉબર્ટ) બ્રુસ (જ. 15 જુલાઈ 1921, ફૉર્ટ વર્થ, ટેક્સાસ, યુ.એસ.; અ. 14 મે 2006, યુ.એસ.) : જીવરસાયણશાસ્ત્રી અને કેળવણીકાર. યુનિવર્સિટી ઑવ્ કૅલિફૉર્નિયા ઍટ લૉસ એન્જેલસ(UCLA)માંથી 1943માં સ્નાતક થઈ 1943–44માં રસાયણશાસ્ત્રી તરીકે તથા 1948–49માં શિક્ષણ અને સંશોધન-સહાયક તરીકે કાર્ય કર્યું. 1949માં UCLAમાંથી જીવરસાયણમાં પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. આ જ વર્ષે તેઓ રૉકફેલર ઇન્સ્ટિટ્યૂટ ફૉર મેડિકલ રિસર્ચ(હવે રૉકફેલર યુનિવર્સિટી)ના સ્ટાફમાં જોડાયા અને ત્યાં જ સ્થાયી થયા.

(રૉબર્ટ) બ્રુસ મેરિફિલ્ડ

1950 અને 1960ના દાયકાઓ દરમિયાન તેમણે વિકસાવેલી ઘન આધાત્રી (solid matrix) પર ઍમિનો-ઍસિડ શૃંખલાઓ જોડવાની રીત પૉલિપેપ્ટાઇડ સંશ્લેષણમાં ચાવીરૂપ બની છે. એક પાત્રમાં પૉલિસ્ટાયરીનનો સૂક્ષ્મ મણકો મૂકી ટીપે ટીપે ઍમિનો-ઍસિડ ઉમેરતાં તે મણકાની ફરતે યોગ્ય ક્રમમાં જોડાઈ જાય છે. એક ઍમિનો-ઍસિડને અદ્રાવ્ય ઘન સાથે જોડ્યા બાદ પસંદ કરેલા બીજા ઍમિનો-ઍસિડને ક્રમબદ્ધ રીતે તેના છેડા સાથે જોડી શકાય છે. બધાં સોપાનોને અંતે આ રીતે પૂર્ણ કરેલી શૃંખલા ઘન પદાર્થથી સહેલાઈથી છૂટી પાડી શકાય છે. પ્રત્યેક રસાયણ ઉમેર્યા પછી વધતી જતી શૃંખલાને શુદ્ધિકારક (purifying) દ્રાવણ વડે ધોવામાં આવે છે, જેથી પ્રક્રિયકો અને ઉપપેદાશો દૂર થઈ પેપ્ટાઇડ બાકી રહે છે અને આગળ ઉપર શુદ્ધીકરણની જરૂર પડતી નથી. આ વિધિ હવે તો સ્વયંચાલિત બનાવવામાં આવી છે. 1969માં મેરિફિલ્ડે તેના ‘પ્રોટીન બનાવનાર યંત્ર’ વડે 124 ઍમિનો-ઍસિડ ધરાવતો રિબૉન્યૂક્લીએઝ નામનો ઉત્સેચક બનાવ્યો હતો. ઉપકરણ હવે તો RNA જેવાં સંકીર્ણ પેપ્ટાઇડનું સંશ્લેષણ કરી શકે છે.

મેરિફિલ્ડને ઘન આધાત્રી ઉપર રાસાયણિક સંશ્લેષણની રીત વિકસાવવા બદલ 1984માં નોબેલ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો હતો.

જ. પો. ત્રિવેદી