મૅરિનેતી, ફિલિપો એમિલિયો

February, 2002

મૅરિનેતી, ફિલિપો એમિલિયો (જ. 22 ડિસેમ્બર 1876, ઍલેગ્ઝાન્ડ્રિયા, ઇજિપ્ત; અ. 2 ડિસેમ્બર 1944, ઈટાલી) : ઇટાલિયન કવિ, સંપાદક તથા આધુનિક કલાની ભવિષ્યવાદ (futurism) ચળવળના પ્રણેતા. 1905માં શરૂ કરેલા સાહિત્યિક સામયિક ‘પોએસિયા’(Poesia)ને મૅરિનેતીએ ભવિષ્યવાદની ચળવળના પ્રસારનું માધ્યમ બનાવેલું. જગતની પ્રાચીન અને મધ્યકાલીન સંસ્કૃતિઓ, તેમનાં ધર્મ, પુરાકથાઓ, સાહિત્ય અને કલાઓનો ધ્વંસ કરી આધુનિક ટૅકનૉલૉજીથી સજ્જ યંત્રસંસ્કૃતિનો મહિમા મૅરિનેતીએ ભવિષ્યવાદની ચળવળ દ્વારા કર્યો. તેણે ભવિષ્યવાદનો પહેલો ઢંઢેરો ‘ફર્સ્ટ મૅનિફૅસ્તિ દે લ ફ્યૂચરિસ્મો’ નામે ફ્રૅન્ચ ભાષામાં ‘લ ફિગારો’ સામયિકમાં પ્રસિદ્ધ કર્યો અને 5 વર્ષ પછી તેનો પોતાના સામયિક ‘પોએસિયા’માં ઇટાલિયન ભાષામાં અનુવાદ પ્રસિદ્ધ કર્યો.

આ ઢંઢેરામાં મૅરિનેતીએ સમાજનાં સ્થાપિત મૂલ્યો સામે આકરા પ્રહારો કરી તેમનો ધ્વંસ કરવાની હિમાયત કરી હતી. વિશ્વની કૃષિનિર્ભર બધી જ સંસ્કૃતિઓ, તેમનાં ધર્મો, સાહિત્ય, પૌરાણિક કથાઓ, ઉત્સવો અને કલાની સમગ્ર પરંપરાઓનો નાશ કરવાનો તેમાં સ્પષ્ટ આદેશ હતો. પુસ્તકાલયોને પ્રાચીન સાહિત્યનાં અને સંગ્રહાલયોને પ્રાચીન કલાનાં કબ્રસ્તાનો ગણી તેમનો નાશ કરવા તેમણે જણાવ્યું હતું; પરંતુ ઔદ્યોગિક ઉત્પાદનનાં ફળ સમાન વીજળીના ગોળા, ટેલિફોન, ટ્રામ, રેલવે, મોટરકાર, વિમાનો, જથ્થાબંધ ઉત્પાદન કરતાં કારખાનાં અને ગગનચુંબી ઇમારતોની તેમાં ભરપેટ પ્રશસ્તિ કરવામાં આવી હતી. આધુનિક કલા તે બધાંની વચ્ચે જીવતા મજૂરો, કારીગરો, વિદ્વાનો, વિદ્યાર્થીઓ, અધ્યાપકો, કારકુનો અને વેપારીઓ માટે હોવી જોઈએ અને તેથી તે કલા પ્રણાલીગત નહિ, પણ ધસમસતી મોટરકાર જેવી વેગવંત અને ઝળહળતા વીજળીદીવા જેવી તેજસ્વી હોવી જોઈએ એવું તેમનું પ્રતિપાદન હતું. 1910માં મૅરિનેતીએ ‘મૅનિફેસ્ટો ઑવ્ ફ્યૂચરિસ્ટ પેઇન્ટર્સ’ પ્રકાશિત કર્યો. તેમાં મૅરિનેતીએ પ્રબોધેલા આદર્શોને મૂર્તિમંત કરવા માટે અમ્બર્તો બૉચિયોની, કાર્લો કારા, લુઇજી રુસોલો અને જિનો સેવેરેની જેવા ચિત્રકારોએ પ્રયત્નો કર્યા. બૉચિયોનીએ આ આદર્શોને શિલ્પમાં મૂર્તિમંત કરવાના પણ પ્રયત્ન કર્યા; અને કાષ્ઠ, પથ્થર, તાંબા, કાંસા જેવાં પરંપરાગત માધ્યમો ફગાવીને લોખંડ, કાચ, સિમેન્ટ અને પૂંઠા જેવા આધુનિક ઔદ્યોગિક પદાર્થોમાંથી શિલ્પ સર્જ્યાં. બૉચિયોનીએ 1912માં ‘ટૅકનિકલ મૅનિફેસ્ટો ઑવ્ ફ્યૂચરિસ્ટ સ્કલ્પ્ચર’ નામે ઢંઢેરો બહાર પાડ્યો.

મૅરિનેતીએ ચિત્ર અને શિલ્પમાં નગ્ન સ્ત્રીના આલેખનનો અને સાહિત્યમાં લગ્નબાહ્ય સંબંધોના આલેખનનો નિષેધ કર્યો. સંગીતનાં બધાં જ પરંપરાગત વાદ્યોનો વિનાશ કરી આધુનિક ઔદ્યોગિક ઉત્પાદનથી નવા પ્રકારનાં વાદ્યો અને નવા સંગીતના સર્જનની હિમાયત કરી. તેનાથી પ્રેરાઈને બાલિલા પ્રાતેલાએ ‘ધી આર્ટ ઑવ્ નૉઇઝિઝ’ નામે સંગીતને લગતો ઢંઢેરો 1913માં બહાર પાડ્યો અને નવા પ્રકારનાં વાદ્યો વિકસાવ્યાં. સંગીત-સંરચનાકાર બૂસોનીએ ભવિષ્યવાદી નવીન સંગીત-રચનાઓ તૈયાર કરી. મૅરિનેતીની પ્રેરણાથી ફોટોગ્રાફર અને સિનેમેટોગ્રાફર ઍન્તન જુલિયો બ્રાગેલિયાએ ફોટોગ્રાફીને લગતો ઢંઢેરો ‘ફોટોડિયોનામિકા ફ્યૂચરિસ્ટા’ 1912માં તથા 1916માં સિનેમાને લગતો ‘મૅનિફેસ્ટો ઑવ્ ફ્યૂચરિસ્ટ સિનેમા’ બહાર પાડ્યો અને પૂરી લંબાઈની પ્રથમ ભવિષ્યવાદી ફિલ્મ ‘પેર્ફિદો ઇન્કાન્તો’નું સર્જન કર્યું. ભવિષ્યવાદના આદર્શોને સિદ્ધ કરતા સાહિત્યનું સર્જન કરવામાં આવ્યું તેમજ નાટ્યપ્રયોગો પણ કરવામાં આવ્યા.

યહૂદી શિક્ષણ પામેલા મૅરિનેતીએ દાતુન્ત્સિયોની માફક મુસોલીનીએ ઇટાલીની નેતાગીરી સ્વીકારી તે પહેલાં ફાસીવાદની આગાહી કરી હતી અને ફાસીવાદના ઉત્સાહી ચાહક બની ગયા હતા. પોતે ક્રૂર સ્વભાવના સહેજે નહોતા, પણ તે અવિચારી ઉત્તેજનાથી પ્રેરાયા હતા. પક્ષનો ત્યાગ કરીને પોતાની સ્વતંત્ર વિચાર-શક્તિનો પરચો તો તેમણે જરૂર આપ્યો, પણ મનથી તેઓ ફાસિસ્ટ વિચારધારાને વળગેલા રહ્યા. વાસ્તવમાં, ભવિષ્યશાસ્ત્રીય કાર્યક્રમ હતાશાની લાગણીનો ઊભરો ઠાલવવાનું ક્ષણિક હથિયાર નથી, પરંતુ જુલમને પોષતાં આધુનિકતાનાં અંગો અંગે સચોટ રીતે નિર્દેશ કરી ભવિષ્યમાં તેનાથી ઉદભવતાં પરિવર્તનો અંગે સભાનતા જગાવવાનો છે. મૅરિનેતી પોતે વિશિષ્ટ વ્યક્તિત્વ ધરાવતા પ્રભાવશાળી ચિંતક હતા; પરંતુ તેમની ભવિષ્યશાસ્ત્રીય વિચારધારામાં કેટલાક નકારાત્મક વિચારો ઘણાંને પસંદ ન આવે તેવા છે. આમાં યુદ્ધ પ્રત્યેનો અહોભાવ, પુરુષોની ક્ષણિક વિષય-લાલસા આગળ સ્ત્રીની વિવશતા, યંત્રયુગમાં પ્રકૃતિ ઉપર થતા અત્યાચારો, શાંત વિશ્રામ-નિવાસોનું નિકંદન, સાહિત્ય તથા કલાનાં પ્રચલિત-પરંપરાગત સ્વરૂપોની નિરર્થકતા તથા અપ્રસ્તુતતા વગેરે બાબતો અંગેની આગાહી વિવાદાસ્પદ રહી છે.

તેમનાં પ્રકાશનોમાં ‘લ ફ્યૂચરિઝમ’ (1911) તથા ‘સિન્થેટિક ફ્યૂચરિસ્ટ થિયેટર્સ’ (1916) મુખ્ય છે.

1914માં વિશ્વયુદ્ધ શરૂ થતાં ભવિષ્યવાદી કલાકારો નવા વિશ્વનું સર્જન કરવા માટે લશ્કરમાં જોડાયા અને આ ચળવળનો અંત આવ્યો.

પંકજ જ. સોની

અમિતાભ મડિયા