મૅરિયટ, ફ્રેડરિક

February, 2002

મૅરિયટ, ફ્રેડરિક (જ. 10 જુલાઈ 1792, લંડન; અ. 9 ઑગસ્ટ 1848, લધમ, નૉર્ફોક, ઇંગ્લૅન્ડ) : અંગ્રેજ નવલકથાકાર અને નૌકાસૈન્યના અફસર. ટોબાયસ સ્મૉલેટ પછી દરિયાના અનુભવોને નવલકથામાં લઈ આવનાર પ્રથમ નવલકથાકાર. 14 વર્ષની વયે બ્રિટિશ નૌસેનામાં કૅડેટ તરીકે દાખલ થયા હતા. 1830માં કૅપ્ટન(ભૂમિદળના લેફ્ટેનન્ટ કર્નલની સમકક્ષ)ની રૅન્કમાંથી સ્વેચ્છાએ નિવૃત્ત થયા પહેલાં નૌસેના(નૅવી)માં તેમની કારકિર્દી પ્રશંસનીય હતી. નિવૃત્તિ બાદ એમણે સાહસકથાઓ લખવાનું શરૂ કર્યું. તેમાં વાચકના મનમાં સીધી સોંસરવી નીકળી જાય તેવી સચોટ અને પ્રવાહી વર્ણનશૈલીમાં અનેકવિધ ઘટનાઓ અને ભરતીનાં મોજાંની જેમ હાસ્યની છોળો એક પછી એક આવતી જતી હોય છે. એમની પ્રથમ નવલકથા ‘ધ નૅવલ ઑફિસર ઑર સીન્સ (Scenes) ઍન્ડ ઍડ્વેન્ચર્સ ઇન ધ લાઇફ ઑવ્ ફ્રૅન્ક માઇલ્ડમે’ (1829) વત્તે-ઓછે અંશે પોતાના અનુભવની એટલે કે આત્મકથનાત્મક દરિયાઈ સાહસકથા છે. વાચકોએ એને પ્રેમાદરથી વધાવી લીધી. ફ્રેડરિકે નૌકાસૈન્યમાંથી વહેલાં નિવૃત્તિ લીધી તેના એક કારણમાં આ ઘટના પણ છે. આ પછી એમની લેખિનીએ પંદર નવલકથાઓનું સર્જન કર્યું. આ ઉપરાંત એમણે નિબંધો અને લેખો પણ લખ્યા છે. ‘ધ કિંગ્ઝ ઓન્’, ‘પીટર સિમ્પલ’ (1834), ‘જેકબ ફેઇથફુલ’ (1834), ‘મિસ્ટર મિડશિપમૅન ઈઝી’ (1836) દરિયાલાલની સાહસકથાઓ છે. ‘જેફેટ ઇન સર્ચ ઑવ્ અ ફાધર’ (1836) કોઈ માતા કે પિતાએ ત્યજી દીધેલ અજ્ઞાત બાળકની કથા છે. ‘સેર્લેયો’ (1837), જેને મારવાનું અશક્ય થઈ પડ્યું તેવા શ્વાનની કથા છે. ‘ધ ફૅન્ટમ શિપ’ (1839) એ એ જ નામના મોટા વહાણની સાહસકથા છે. ‘પુઅર જૅક’ (1840) પણ દરિયાઈ સાહસની કથા છે. એમણે બાળકો માટેનું સાહિત્ય પણ સર્જ્યું છે. ઓગણીસમી સદીના બાળસાહિત્ય માટેના સુવર્ણયુગનું પ્રભાત બ્રિટિશ આંતરવિગ્રહની કથાને વણી લેતા એમના ‘ધ ચિલ્ડ્રન ઑવ્ ધ ન્યૂ ફૉરેસ્ટ’ (1847) દ્વારા ઊગ્યું. બાળકોને આ વાર્તાનું ઘેલું લાગ્યું હતું. ‘લાઇફ ઍન્ડ લેટર્સ’ (1872) એમની પુત્રી ફ્લૉરેન્સની કલમે લખાયેલું પિતા ફ્રેડરિકનું જીવનચરિત્ર છે. ‘કૅપ્ટન મૅરિયટ : અ રિડિસ્કવરી’ (1953) એ ઑલિવર વૉર્નરે તેમનાં જીવન અને લેખનનું કરેલું નવું મૂલ્યાંકન છે.

વિ. પ્ર. ત્રિવેદી