મેન્શિયસ (જ. આશરે ઈ. સ. પૂ. 390, ઝોઉ, શાન્ટુંગ પ્રાંત; અ. ઈ. સ. પૂ. 305, ઝોઉ) : ચીનનો મોટો ફિલસૂફ. એનાં જન્મ અને અવસાનની નિશ્ચિત તારીખ મળતી નથી. પરંતુ ઈ. સ. પૂ. 390થી 305 દરમિયાન એ જીવિત હોવાનો સંભવ છે. ચીનમાં કન્ફ્યૂશિયસવાદની વિચારસરણીને પ્રચલિત કરવામાં તેનું સૌથી મોટું પ્રદાન હતું એમ માનવામાં આવે છે.
મેન્શિયસનું મૂળ નામ ‘મેન્ગ કે’ હતું. મેન્શિયસના ઉપદેશોનો સંગ્રહ ‘મેન્ગઝી’ અથવા ‘મેન્ગત્ઝુ’ નામના પુસ્તકમાં કરવામાં આવ્યો છે. ‘મેન્ગઝી’નો અર્થ ‘વિદ્વાન મેન્ગ’ થાય છે. મેન્શિયસ એ ‘મેન્ગઝી’ શબ્દનું લૅટિન સ્વરૂપ છે.
મેન્શિયસનું મહત્વનું મંતવ્ય એ હતું કે માનવનો સ્વભાવ મૂળભૂત રીતે સારો છે. જેમ પાણી કુદરતી રીતે ઢાળ તરફ વહે છે તેમ માનવી હંમેશાં બીજાનું સારું કરવા ઝંખે છે. બાળકોને માતાપિતા માટે કુદરતી પ્રેમ હોય છે. માનવી હંમેશાં સાચાં-ખોટાં કાર્યો વચ્ચેનો ભેદ પારખી શકે છે અને નાના બાળકને ભયમાં જોઈને તેની કરુણા તથા દયા જાગ્રત થાય છે એ જ તેની ‘સ્વભાવગત ભલમનસાઈ’નો નમૂનો છે. એનું બીજું મહત્વનું મંતવ્ય એ હતું કે દરેક રાજાએ પ્રજાના હિતમાં જ રાજ્ય કરવું જોઈએ. જે રાજા પ્રજાના હિતની ઉપેક્ષા કરે અથવા પ્રજા ઉપર જુલમો કરે તેને રાજાના પદ પરથી દૂર કરવો જોઈએ અને દૂર ન કરી શકાય તો એની હત્યા કરવી જોઈએ.
મેન્શિયસના પૂર્વજીવન વિશે માહિતી મળતી નથી. માત્ર પૌરાણિક વાર્તાઓમાંથી પુરાવા વગરની થોડી વિગતો જાણવા મળે છે. એણે ચીનના ઘણા રાજ્યકર્તાઓના સલાહકાર તરીકે કામ કર્યું હતું. અંતે કંટાળીને એ પોતાના વતન ઝોઉમાં ગયો અને ત્યાં રહીને જ એણે પોતાનું બાકીનું જીવન પૂરું કર્યું. કન્ફ્યૂશિયસવાદનું ચુસ્ત અર્થઘટન કરનાર તરીકે મેન્શિયસ ચીનના ફિલસૂફોમાં મહત્ત્વનું સ્થાન ધરાવે છે.
મુગટલાલ પોપટલાલ બાવીસી