મૅલરી, મૉલા (જ. 1892, ઑસ્લો નૉર્વે; અ. 22 નવેમ્બર 1959, અમેરિકા) : અમેરિકાનાં મહિલા ટેનિસ ખેલાડી. અમેરિકાની એકલ-ખેલાડીની (singles) ચૅમ્પિયનશિપનાં 8 વાર વિજેતા બનનાર તે એકમાત્ર મહિલા-ખેલાડી હતાં.
ખંત, ધૈર્ય તથા બેઝલાઇન પરના રમત-કૌશલ્ય માટે તે વિશેષ જાણીતાં હતાં; મુખ્યત્વે તે મજબૂતીપૂર્વક ‘ફોરહૅન્ડ’થી તથા રક્ષણાત્મક ફટકા ખેલીને પ્રતિસ્પર્ધીને થકવી નાંખતાં. 1914માં તે ન્યૂયૉર્ક શહેરમાં જઈ વસ્યાં, 1915માં તેમણે 3 વખતનાં વિજેતા વિગ્મૅનને હરાવી, તેમની કારકિર્દીના સર્વપ્રથમ રાષ્ટ્રીય વિજયપદકનાં વિજેતા બન્યાં. 1918 સુધી આ વિજયયાત્રા ચાલુ રહી. 1919માં ફ્રૅન્કલિન મૅલરી સાથે લગ્ન કર્યા બાદ, 1920થી 1922 સુધી તે આ રાષ્ટ્રીય વિજયપદકનાં વિજેતા બનતાં રહ્યાં અને તેમાં ઘણાં મહાન મહિલા-ખેલાડીઓને હંફાવીને હાર આપી. 1958માં તે ‘ઇન્ટરનેશનલ હૉલ ઑવ્ ફેમ’માં ચૂંટાયાં હતાં.
મહેશ ચોકસી