મેલર, નૉર્મન (જ. 31 જાન્યુઆરી 1923, લાગ બ્રાન્ચ, ન્યૂ જર્સી) : અમેરિકન નવલકથાકાર, પત્રકાર, નિબંધકાર, ચરિત્રલેખક, કવિ અને ચલચિત્રદિગ્દર્શક તથા અભિનેતા. ઉછેર બ્રુકલિનમાં. શિક્ષણ હાર્વર્ડ અને સૉબૉર્ન, પૅરિસમાં.

નૉર્મન મેલર

1943માં હાર્વર્ડમાંથી ઍરોનૉટિકલ એન્જિનિયરિંગમાં સ્નાતક. તે અરસામાં 20 વર્ષની વયે મનોરોગીની ઇસ્પિતાલના દર્દીઓના જીવન વિશે ‘એ ટ્રાન્ઝિટ ટુ નાર્સિસસ’ નવલકથા લખી રાખી હતી, જે છેક 1978માં પ્રસિદ્ધ કરેલી. પૅસિફિકમાં લશ્કરી સેવા (1944–46). પરિણામે દ્વિતીય વિશ્વયુદ્ધ પરની શ્રેષ્ઠ નવલકથાઓમાંની એક ‘ધ નેકેડ ઍન્ડ ધ ડેડ’ (1948) લખી. જાપાને કબજે કરેલ એનૉપોપી ટાપુ ઉપર જનરલ કમિંગ્ઝ લશ્કરના પૂરા ડિવિઝન સાથે આક્રમણ કરે છે અને કેદ પકડાયેલા સંખ્યાબંધ જાપાની સૈનિકોને બેરહમ મોતને ઘાટ ઉતારે છે. લેફ્ટનન્ટ હર્ન સાથીઓ સમક્ષ પોતાનો વિરોધ વ્યક્ત કરે છે. જોકે તેમની જ ટુકડીનો સાર્જન્ટ ક્રૉફ્ટ જનરલ કમિંગ્ઝની ‘સત્તા કહે તે જ નીતિ’માં માને છે. યુદ્ધની વાસ્તવિકતાનો તાર્દશ ચિતાર લેખકે આ યુદ્ધકથામાં આપ્યો છે. ‘બાર્બેરી શોર’ (1951) અમેરિકાનાં જમણેરી અને ડાબેરી વિચારસરણીવાળાં રાજકીય જૂથો વચ્ચેના સંઘર્ષની કથા છે. ‘ધ ડિયર પાર્ક’(1955, નાટ્યાંતર 1967)માં અમેરિકાના પ્રતીક સમા હૉલિવૂડ ઉપર વેધક કટાક્ષ છે. ‘ધ વ્હાઇટ નિગ્રો’ (1957) સુદીર્ઘ નિબંધ છે. ‘ઍડ્વર્ટાઇઝમેન્ટ્સ ફૉર માઇસેલ્ફ’ (1959) ટૂંકી વાર્તાઓ, નિબંધો તથા આત્મકથનાત્મક લખાણોનો સંગ્રહ છે. ‘ડેથ ફૉર ધ લેડિઝ ઍન્ડ અધર ડિઝાસ્ટર્સ’ (1962) કાવ્યસંગ્રહ છે. ‘ધ પ્રેસિડેન્શિયલ પેપર્સ ઑવ્ નૉર્મન મેલર’(1963)માં કૅનેડી વિશે તેમનું આગવું મંતવ્ય પ્રગટ થયું છે. ‘ઍન અમેરિકન ડ્રીમ’ (1965), ‘કૅનિબાલ્સ ઍન્ડ ક્રિશ્ચિયન્સ’ (1966), ‘વ્હાય આર વી ઇન વિયેટનામ ?’ (1967) અને ‘શૉર્ટ ફિક્શન’ (1967) તેમની નોંધપાત્ર કૃતિઓ છે. ‘આર્મિઝ ઑવ્ ધ નાઇટ’(1968)ને નૅશનલ બુક ઍવૉર્ડ અને પુલિત્ઝર પ્રાઇઝ એનાયત થયાં છે. ‘ધી આઇડલ ઍન્ડ ધી ઑક્ટોપસ’ (1968) તત્કાલીન રાજકીય સ્થિતિનું બયાન કરતી નવલકથા છે. ‘માયામી ઍન્ડ ધ સીજ ઑવ્ શિકાગો’(1969)માં તે સમયના રિપબ્લિકન અને ડેમૉક્રેટિક પક્ષના પ્રમુખોની પસંદગી અંગેનાં અધિવેશનોની વાત કરી છે. અહીં મેલર નવ્ય પત્રકારત્વના શરૂઆતના સર્જક-લેખક તરીકે પોતાનું સ્થાન સિદ્ધ કરે છે. ‘ઑવ્ એ ફાયર ઑન ધ મૂન’(1970)માં પ્રથમ વખત ચંદ્ર પર મોકલેલ સમાનવ યાન એપૉલો IIની વાત છે. ‘ધ પ્રિઝનર ઑવ્ સેક્સ’ (1971) અને ‘મૅરિલિન : એ બાયૉગ્રાફી’(1973)માં લેખકે સ્ત્રીમુક્તિ અંગે પોતાના મૌલિક વિચારો વ્યક્ત કર્યા છે. ‘સમ ઑનરેબલ મેન’(1975)માં રાષ્ટ્રીય રાજકીય પક્ષોનાં અધિવેશનો અંગેનો સર્જનાત્મક અહેવાલ છે. ‘ધ ફાઇટ’ (1975) આંતરરાષ્ટ્રીય મુક્કાબાજી હરીફાઈ વિશે છે. ‘જિનિયસ ઍન્ડ લસ્ટ’(1976)માં હેનરી મિલરનાં લખાણોનો સંગ્રહ કરીને મેલરે પોતાનું અવલોકન આપ્યું છે. ‘ધી એક્ઝિક્યૂશનર્સ સાગ’(1979)માં ખૂની ગૅરી ગિલમૉરને અપાયેલ ફાંસી વખતના સંજોગોની હૃદયંગમ ગાથા છે. ‘ઑવ્ વિમેન ઍન્ડ ધેર એલિગન્સ’(1980)માં મૅરિલિન મનરોનું કાલ્પનિક જીવનચરિત્ર છે. ‘પીસિઝ ઍન્ડ પૉન્ટિફિકેશન્સ’(1982)માં ટૂંકાં લખાણો અને લેખકે વ્યક્તિઓની લીધેલી મુલાકાતોનું બયાન છે. ‘એન્શન્ટ ઈવનિંગ્ઝ’ (1983) 3,000 વર્ષો પૂર્વેના ઇજિપ્ત વિશેની સુદીર્ઘ નવલકથા છે. ‘ટફ ગાઇઝ ડોન્ટ ડાન્સ’ (1984, ચલચિત્ર 1987) રોમાંચક રહસ્યકથા છે. ‘હાર્લૉટ ઘોસ્ટ’ (1991) મધ્યસ્થ ગુપ્તચર કચેરી અંગેની સુદીર્ઘ નવલકથા છે. સાહિત્યસર્જન ઉપરાંત ‘બિયૉન્ડ ધ લૉ’ (1968) અને ‘મૅડ સ્ટોન’ (1970) ચલચિત્રોના તેઓ દિગ્દર્શક હતા.

મેલર અમેરિકાના ચર્ચાસ્પદ લેખક રહ્યા છે. તેમનાં લખાણોમાં અમેરિકન સમાજ સામેનો આક્રોશ વ્યક્ત થયો છે. વિયેટનામ યુદ્ધ વખતે અમેરિકાએ ભજવેલા ભાગની વિરુદ્ધમાં પેન્ટાગૉન પર લઈ જવાયેલી 1967ની શાંતિકૂચમાં તેઓ સામેલ થયા હતા અને તે માટે તેમને જેલવાસ પણ વેઠવો પડેલો. 1969માં ન્યૂયૉર્ક શહેરના મેયર તરીકે સ્વતંત્ર ઉમેદવાર તરીકે ચૂંટણી લડેલા, પણ જીતી શક્યા ન હતા. તેમની અભિલાષા અમેરિકાની મહાન નવલકથા લખવાની છે.

વિ. પ્ર. ત્રિવેદી