મેલવિલ ટાપુ (ઑસ્ટ્રેલિયા)

February, 2002

મેલવિલ ટાપુ (ઑસ્ટ્રેલિયા) : ઑસ્ટ્રેલિયાના નૉર્ધર્ન ટેરિટરી રાજ્યની ઉત્તર તરફ આવેલા તિમોર સમુદ્રમાં આવેલો ટાપુ. ભૌગોલિક સ્થાન 11° 30´ દ. અ. અને 131° 00´ પૂ. રે.. નૉર્ધર્ન ટેરિટરીના અર્નહૅમ લૅન્ડના કિનારા પરના ડાર્વિન બંદરેથી સીધેસીધા ઉત્તર તરફ આશરે 26 કિમી. અંતરે તે આવેલો છે. ઑસ્ટ્રેલિયાની અહીંની મુખ્ય ભૂમિથી તે ક્લેરેન્સની સામુદ્રધુની તથા ડુંડાસની સામુદ્રધુનીના કારણે અલગ પડે છે; જ્યારે તેની પશ્ચિમે લગભગ અડોઅડ અને સમાંતર ગોઠવાયેલા બાથર્સ્ટ ટાપુથી સાંકડી ઍપ્સ્લેની સામુદ્રધુનીના કારણે અલગ પડે છે. આશરે 6,000 ચોકિમી. વિસ્તાર ધરાવતા, ઊલટા ત્રિકોણ આકારના આ ટાપુની લંબાઈ 104 કિમી. અને પહોળાઈ 64 કિમી. જેટલી છે.

આ ટાપુ અહીંના આદિવાસીઓ માટેનું અનામત સ્થળ ગણાય છે. હજી આજે પણ અહીં તીવી (Tiwi) નામના આદિવાસીઓ રહે છે. તેનો કિનારો રેતાળ પટવાળો છે. ટાપુનો વચ્ચેનો ભાગ પ્રમાણમાં ઊંચો છે, જ્યારે કાંઠા પર મૅંગ્રોવ સહિતની કળણભૂમિ છે. વચ્ચેના ઓછી ઊંચાઈવાળા ભાગમાં જંગલો સહિતની ટેકરીઓ છે. 1987ના અંદાજ મુજબ આ ટાપુની વસ્તી આશરે 10 લાખ જેટલી છે. અહીંથી અમુક પ્રમાણમાં મોતી, લાકડાં અને ત્રેપાંગ (sea cucumber) મળે છે. આ ટાપુ પર જંગલી ભેંસોનાં ટોળાં જોવા મળે છે; પરંતુ હવે તેમને અન્યત્ર ખસેડવાથી તેમની સંખ્યા ઘટી ગઈ છે. અહીંના આદિવાસીઓ આ ટાપુને યરમાલનેર નામથી ઓળખે છે.

ગિરીશભાઈ પંડ્યા