મૅરેડૉના, ડિયેગો (જ. 1960, લાનૂસ, આર્જેન્ટિના) : આર્જેન્ટિનાના ખ્યાતનામ ફૂટબૉલ ખેલાડી. 1977માં તેઓ આર્જેન્ટિનાના સૌથી નાની વયના આંતરરાષ્ટ્રીય ખેલાડી બન્યા. તેમણે વીસી વટાવી ન હતી, છતાં તેમને 10 લાખ પાઉન્ડ આપીને ‘બૉકા જુનિયર્સ’ માટે રાખી લેવામાં આવ્યા હતા. 1982માં તેઓ વિશ્વના સૌથી મોંઘા ખેલાડી બની રહ્યા, કારણ કે તે 50 લાખ પાઉન્ડથી બાર્સિલોનામાં જોડાયા હતા. આ વિક્રમથીય આગળ વધીને ઇટાલીની ક્લબ ‘નૅપૉલી’માં તેઓ 69 લાખ લઈને જોડાયા અને એ રીતે નવો કીર્તિમાન સ્થાપ્યો.
તેમના સુકાનીપદ હેઠળ આર્જેન્ટિના 1986માં બીજી વાર વિશ્વકપનું વિજેતા બન્યું; પરંતુ માદક દ્રવ્યોના સેવનના આક્ષેપોના કારણે તેમની યશસ્વી કારકિર્દી ધૂંધળી બની ગઈ. ફૂટબૉલની રમતમાં ભાગ લેવા સામે તેમની પર 15 મહિનાનો પ્રતિબંધ મુકાયો; લોકમાગણીને વશ થઈ તેઓ રમતમાં પાછા ફર્યા અને 1994માં કોઈ ક્લબમાં જોડાયા વિના તેઓ વિશ્વકપની ટીમના સુકાની બન્યા. પરંતુ ફરી વાર તેમનું ઔષધ-પરીક્ષણ (drug test) નિશ્ચિત જણાવાથી, ટીમમાંથી તેમને ફારેગ કરવામાં આવ્યા. એ પછી 1995માં તેઓ ‘સાન્ટૉસ’ ક્લબમાં જોડાયા.
મહેશ ચોકસી