મૅમોલિયન, રૂબેન (જ. 8 ઑક્ટોબર 1897, ટિફિલસ, જ્યૉર્જિયા; અ. 4 ડિસેમ્બર 1987, હૉલિવૂડ, ‘કૅલિફૉર્નિયા, યુ.એસ.) : ચલચિત્રો તથા રંગભૂમિના રશિયન દિગ્દર્શક. ધ્વનિયુગના આરંભકાળે તેમણે સિને-કલાના વિકાસમાં ગણનાપાત્ર ફાળો આપ્યો.
તેમણે સૌપ્રથમ કૅમેરાને ફરતો રાખવાની પદ્ધતિ અપનાવી ગતિમયતા પ્રયોજી. તેમજ સંગીત તથા ધ્વન્યાત્મક અસરોનું ખૂબ કૌશલ્યપૂર્ણ મિશ્રણ કરવાની સાથોસાથ કલ્પનાપ્રચુર ચિત્રાત્મક નિરૂપણ કર્યું. રંગભૂમિ તથા રૂપેરી પડદા પર બેહદ લોકપ્રિય ‘મ્યૂઝિકલ ફૅન્ટસી’ રજૂ કરવા બદલ તે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પામ્યા.
પૅરિસ તથા મૉસ્કોમાં કાયદાનો અભ્યાસ કર્યા પછી, 1918માં મૌલિક પ્રતિભા ધરાવતા રશિયન રંગભૂમિ-શિક્ષક સ્તનિસ્લાવ્સ્કીના ટિફિલસમાં તે રંગભૂમિની સફળ કારકિર્દી પછી ગયા. ત્યાં તેમણે ઑપેરા, નાનાં હળવાં સંગીત-નાટક તથા મ્યૂઝિકલ રચનાઓનું દિગ્દર્શન કર્યું. 1923માં તેમણે હૉલિવૂડમાં સ્થળાંતર કર્યું અને ન્યૂયૉર્કમાંના રૉચેસ્ટર ખાતેના ઈસ્ટમૅન થિયેટરમાં દિગ્દર્શક બન્યા. 1920ના દાયકાનાં ઉત્તરાર્ધનાં વર્ષોમાં ધ્વનિ-ચિત્રો(sound films)નું આગમન થતાં, તેમને હૉલિવૂડમાં પ્રવૃત્તિની મોકળાશ મળી. તેમનાં પ્રારંભિક નિર્માણોમાં પ્રકાશ અને છાયા પરત્વેની સંવેદનક્ષમતાની લાક્ષણિકતા ઉપરાંત ધ્વનિ તેમજ ગતિનો કૌશલ્યપૂર્ણ ઉપયોગ થયેલો જોવા મળે છે. ‘એપ્લૉઝ’માં તેમણે, અત્યાર સુધી સ્થિત-સ્થાયી રહેલા કૅમેરા નીચે પૈડાં મૂકવાની પહેલ કરી અને એ રીતે રૂપેરી પડદા પર કૅમેરાની ગતિમયતાનો કસબ દાખલ કર્યો. તેમનાં અનેક મહત્વનાં ચિત્રોમાં ‘ડૉ. જેકિલ ઍન્ડ મિ. હાઇડ’માંનાં રૂપ-પરિવર્તનનાં ર્દશ્યો ટૅકનિકલ મૌલિકતાના ક્ષેત્રે સીમાચિહ્ન લેખાય છે. ‘બેકી શાર્પ’ (1935) એ ટૅકનિકલરની નવતર પ્રક્રિયાનું પ્રથમ ચિત્ર હતું.
મોરિસ શેવલિયર જેવા કુશળ અભિનેતા તથા જેનેટ મેકડૉનલ્ડના સહ-અભિનયવાળા તેમના ‘લવ મી ટુનાઇટ’(1932)ના પગલે સંખ્યાબંધ કલ્પનાપ્રચુર અને મોજીલી ‘મ્યૂઝિકલ કૉમેડી’ લખાઈ.
મહેશ ચોકસી