મેમોરૅન્ડમ ઑવ્ ઍસોસિયેશન

February, 2002

મેમોરૅન્ડમ ઑવ્ ઍસોસિયેશન : 1956ના કંપનીધારા હેઠળ કંપનીની સ્થાપના-સમયે કંપનીઓના રજિસ્ટ્રારની ઑફિસમાં નોંધાવવું પડતું આવેદનપત્ર. કંપનીની સ્થાપનાવિધિમાં તેનું આવેદનપત્ર ખૂબ જ મહત્વનો મૂળ દસ્તાવેજ ગણાય છે. તે કંપનીની સનદ અથવા બંધારણ છે. કંપની સાથે સંબંધ ધરાવતા બાહ્ય પક્ષકારો જેવા કે સરકાર, લેણદાર, બક તેમજ જાહેર જનતા માટે આ અગત્યનો દસ્તાવેજ છે. આ દસ્તાવેજમાં જે ઉદ્દેશથી કંપનીની રચના થઈ હોય તે ઉદ્દેશ સિવાયના ઉદ્દેશો સિદ્ધ કરવા માટેની પ્રવૃત્તિ કંપની કરી શકતી નથી. જો કંપની આ પ્રકારની પ્રવૃત્તિ કરે તો તે કાર્યો સત્તા બહારનાં અને રદબાતલ (ultra vires) ઠરે છે. આ પ્રકારની પ્રવૃત્તિઓ કરનાર અધિકારીઓ અંગત રીતે જવાબદાર બને છે. આ દસ્તાવેજની પ્રત્યેક જોગવાઈ, પૂરતી વિચારણા બાદ નક્કી કરવામાં આવે છે. એક વખત તેની કલમો નક્કી થઈ જાય પછી તેમાં સહેલાઈથી ફેરફાર થઈ શકતો નથી; માટે આવેદનપત્ર એક અફર દસ્તાવેજ છે એમ પણ કહી શકાય. અલબત્ત, કેટલીક કડક અને લાંબો સમય માંગતી ધારાકીય જોગવાઈઓનું પાલન કરીને તેમાં ફેરફાર થઈ શકે છે. આ દસ્તાવેજ કાયમનો છે અને અનેક માણસોને વારંવાર તેની જરૂર પડે છે, તેથી સરકારી ચોપડે નોંધાયા બાદ તે છપાવી લેવામાં આવે છે. આવેદનપત્ર પર ખાનગી કંપનીના કિસ્સામાં બે અને જાહેર કંપનીના કિસ્સામાં સાત સ્થાપક સભ્યોની સહી જરૂરી હોય છે. વિવિધ પ્રકારની કંપનીઓ માટે આવેદનપત્રનું સ્વરૂપ કેવું હોવું જોઈએ તે કંપનીધારાના પરિશિષ્ટ 1માં દર્શાવવામાં આવ્યું છે. ભારતીય કંપનીધારા અનુસાર કંપનીના આવેદનપત્રમાં નીચેની બાબતની જોગવાઈઓ કરવી જરૂરી હોય છે : (1) કંપનીનું નામ, (2) કંપનીની રજિસ્ટર્ડ ઑફિસ, (3) કંપનીના ઉદ્દેશો, (4) કંપનીની શૅરમૂડી અને (5) કંપનીના સભ્યોની જવાબદારી.

(1) કંપનીનું નામ : જે નામે કંપની ધંધો શરૂ કરવા માંગતી હોય તે આવેદનપત્રમાં જણાવવાનું રહે છે. કંપનીનો પરિચય, પ્રતિષ્ઠા અને લોકપ્રિયતા તેના નામ સાથે સંકળાયેલ હોય છે. કોઈ પણ નવી કંપનીએ નામ નક્કી કરતી વખતે કંપનીધારાની નીચે મુજબની જોગવાઈનું પાલન કરવાનું હોય છે :

અન્ય અસ્તિત્વ ધરાવતી કંપનીનું કે તેને મળતું નામ આ નવી શરૂ થવા માગતી કંપની રાખી શકતી નથી. રાષ્ટ્ર કે રાજ્યના વડા એટલે કે રાષ્ટ્રપતિ કે રાજ્યપાલ સાથે સંબંધિત નામ રાખવામાં આવતું નથી. સરકારના નામને મળતું કે સરકારની નીતિ વિરુદ્ધનું નામ પણ કંપની રાખી શકતી નથી. મર્યાદિત જવાબદારીવાળી કંપનીના માટે નામને છેડે લિમિટેડ શબ્દ લગાડવો જરૂરી હોય છે. કંપનીધારાના 1960ના સુધારા અનુસાર કોઈ પણ કંપની લોકકલ્યાણના હેતુસર–કલા, વિજ્ઞાન, ધર્મ વગેરે હેતુસર–અસ્તિત્વમાં આવી હોય તો–કંપની નામના છેડે ‘લિમિટેડ’ કે ‘પ્રાઇવેટ લિમિટેડ’ શબ્દ લગાડવામાંથી સરકાર પાસેથી મુક્તિ મેળવી શકે છે; પરંતુ કંપની લોકકલ્યાણનાં કાર્ય ન કરે, પરંતુ પ્રવૃત્તિ થકી પ્રાપ્ત થતો નફો શૅરહોલ્ડરને વહેંચશે નહિ તેવી ખાતરી કેન્દ્ર સરકારને કરાવે તો તે ‘લિમિટેડ’ શબ્દ લગાડવામાંથી મુક્તિ મેળવી શકે છે. વિદેશી કંપની આપણા દેશમાં ધંધો કરે છે ત્યારે આ કંપની માટે વિદેશી હૂંડિયામણ ધારો (Foreign Exchange Management Act–FEMA) પણ લાગુ પડે છે. આ ધારા અનુસાર વિદેશી કંપની માટે નામના છેડે અને ‘લિમિટેડ’ શબ્દની આગળ અને જો કંપની ખાનગી હોય તો ‘પ્રાઇવેટ લિમિટેડ’ શબ્દની આગળ ‘ઇન્ડિયા’ શબ્દ મૂકવાનો રહે છે. દા. ત., સરલે (ઇન્ડિયા) લિમિટેડ’. આ નામ નક્કી થયા પછી કંપની જ્યાં પ્રવૃત્તિ કરતી હોય ત્યાં, તેની રજિસ્ટર્ડ ઑફિસે સ્પષ્ટ અને મોટા અક્ષરે એ નામ કોતરાવવું જરૂરી છે. જે વિસ્તારમાં કંપની કાર્ય કરતી હોય તે વિસ્તારના લોકો સમજી શકે તે રીતે આ નામ લખાવું જરૂરી છે. કંપનીની રજિસ્ટર્ડ મહોરમાં પણ આ નામ કોતરાયેલું હોવું જરૂરી છે. કંપનીનાં બધાં જ પત્ર, પરિપત્ર, ભરતિયાં વગેરેમાં નામ અને રજિસ્ટર્ડ ઑફિસનું સરનામું જણાવવું જ્યારે દસ્તાવેજમાં નામ અને મહોરનો ઉલ્લેખ જરૂરી હોય છે.

(2) કંપનીની રજિસ્ટર્ડ ઑફિસ : કંપનીની રાષ્ટ્રીયતા, અદાલતનું અધિકારક્ષેત્ર અને વિવિધ પક્ષકારોને કંપની સાથે પત્રવ્યવહાર કરવા માટેની જોગવાઈ મેમોરૅન્ડમ ઑવ્ ઍસોસિયેશનમાં જણાવવામાં આવે છે, કાયદા મુજબ રાખવાં પડતાં જરૂરી પત્રકો, દસ્તાવેજો રજિસ્ટર્ડ ઑફિસે રાખવામાં આવે છે.

(3) કંપનીના ઉદ્દેશો : આ જોગવાઈ દ્વારા કંપનીનું કાર્યક્ષેત્ર નક્કી થાય છે. જણાવેલ મુખ્ય ઉદ્દેશો અને આનુષંગિક ઉદ્દેશો સિવાયના ઉદ્દેશ માટે કંપની કાર્ય કરી શકતી નથી અને જો તે કરે તો તે કંપનીને બંધનકર્તા રહેતાં નથી. આ ઉદ્દેશ સિવાયની પ્રવૃત્તિ કંપનીની સત્તા બહારની ગણાય છે. દેશના વિવિધ કાયદાની અને રાષ્ટ્રીય હિતની વિરુદ્ધમાં કંપનીના હેતુઓ રાખી શકાય નહિ. દા.ત., દાણચોરીની પ્રવૃત્તિ ગેરકાયદેસર છે. આમ કંપનીના ઉદ્દેશો અંગેની જોગવાઈ સભ્યોને તેમજ લેણદારોને ઉપયોગી છે.

(4) કંપનીની શૅરમૂડી : જો કંપની શૅરમૂડીથી સ્થપાઈ હોય તો કંપનીએ આવેદનપત્રની આ જોગવાઈમાં તે અંગેનો ઉલ્લેખ કરવાનો હોય છે; જેમાં તે સત્તાવાર થાપણ તરીકે કેટલી રકમ રાખવા માંગે છે તે જણાવવાનું હોય છે. કંપનીના શૅરના મુખ્ય પ્રકાર બે છે : (1) સામાન્ય શૅર, (2) પસંદગીના શૅર. આ બંને શૅરની કુલ સંખ્યા અને તેની છાપેલી કિંમત આવેદનપત્રમાં દર્શાવવામાં આવે છે. પસંદગીના શૅરની બાબતમાં આપવા ધારેલ ડિવિડન્ડનો દર અને તેના પ્રકારનો પણ ઉલ્લેખ કરવામાં આવે છે. કંપની અધિકૃત શૅરમૂડી કરતાં વધારે શૅરમૂડી એકત્રિત કરી શકે નહિ.

(5) કંપનીના સભ્યોની જવાબદારી : કંપનીના શૅરહોલ્ડરની જવાબદારી અમર્યાદિત, મર્યાદિત કે બાંયધરી દ્વારા મર્યાદિત હોય છે તે બાબત જણાવવાની હોય છે. ભારતમાં મર્યાદિત જવાબદારીવાળી કંપની જ જોવા મળે છે. અમર્યાદિત જવાબદારીવાળી અને બાંયધરી દ્વારા મર્યાદિત કંપનીઓ ભારતમાં ખાસ જોવા મળતી નથી. અપૂર્ણ ભરપાઈ થયેલા શૅર પર જેટલી રકમ ભરપાઈ થયેલ હોય તેટલી જ રકમ પૂરતી શૅરહૉલ્ડરની જવાબદારી નથી, પણ શૅરની છાપેલી (દાર્શનિક) કિંમત જેટલી તેની જવાબદારી રહે છે. દાર્શનિક કિંમત પૂરેપૂરી ભરપાઈ થઈ ગઈ હોય તો શૅરહોલ્ડરની વધારાની કોઈ જવાબદારી રહેતી નથી.

કંપનીના સ્થાપકોએ કંપનીની સ્થાપનામાં તેમને રસ છે તેવી અને ઓછામાં ઓછો એક કે એકથી વધારે શૅર પ્રત્યેક સ્થાપક લેશે તેવી ખાતરી આપવાની હોય છે. તથા આવેદનપત્રમાં પ્રવર્તકોએ કરેલી સહીની સચ્ચાઈની ખાતરી, પ્રવર્તકો સિવાયની અન્ય વ્યક્તિની સાક્ષી તરીકે સહી કરાવીને આપવાની હોય છે. આમ મેમોરૅન્ડમ ઑવ્ ઍસોસિયેશન એ કંપનીનો પાયાનો દસ્તાવેજ બની રહે છે.

અશ્વિની કાપડિયા