મેમ્ફિસ (ઇજિપ્ત)

February, 2002

મેમ્ફિસ (ઇજિપ્ત) : પ્રાચીન ઇજિપ્તનું મુખ્ય શહેર અને સર્વપ્રથમ પાટનગર. તે કૅરોની દક્ષિણે 25 કિમી.ને અંતરે નાઇલ નદીના પશ્ચિમ કાંઠે વસેલું હતું.

દંતકથા મુજબ ઇજિપ્તના સર્વપ્રથમ રાજા મીનીસે ઉત્તર અને દક્ષિણ ઇજિપ્તની સીમા પર આ શહેર વસાવેલું અને ઈ. સ. પૂ. 3100ના અરસામાં તેને પાટનગર બનાવેલું. પ્રાચીન સામ્રાજ્યોના ઈ. સ. પૂ. 2686થી 2181ના કાળ દરમિયાન તત્કાલીન રાજાઓએ આ મેમ્ફિસ નજીક ગીઝા અને સકરા ખાતે પિરામિડો અને કબ્રસ્તાનોનાં નિર્માણ કરેલાં. ઈ. સ. પૂ.ના 3000થી વધુ વર્ષ માટે તે રાજધાનીનું સ્થળ રહેવા ઉપરાંત ઇજિપ્તનું મહત્વનું ધાર્મિક તથા રાજકીય મથક પણ બની રહેલું. આ સમયાવધિ દરમિયાન અહીં આશરે 27 જેટલા રાજવંશોએ શાસન કર્યું હોવાનું કહેવાય છે. ઈ. સ. પૂ. 716થી 656ના અરસામાં 25મા રાજવંશ તરીકે અહીં રોમનોની આણ હતી. ઈ. સ. પૂ. 644થી 525 દરમિયાનના રાજા એપ્રિસના મહેલના તથા નજીકમાં પાદરીઓ દ્વારા ઉપયોગમાં લેવાયેલાં પથ્થરનાં ટેબલોના તેમજ કબ્રસ્તાનના કેટલાક અવશેષો સકરા ખાતે જોવા મળે છે. ઈ. સ. પૂ. 525થી 404માં અહીં ઈરાની સામ્રાજ્યની આણ પ્રવર્તતી હતી ત્યારે હસ્તકલા-કારીગરીની ચીજવસ્તુઓનો વિકાસ થયેલો, કેટલાક ઉદ્યોગ શરૂ થયેલા અને તે ઈ. સ. પૂ.ની બીજી સદી સુધી ચાલુ રહેલા.

પ્રાચીન ઇજિપ્તમાં મેમ્ફિસનું સ્થાન.
(—ઇજિપ્તના અંકુશ હેઠળનો પ્રદેશ ઈ.પૂ. 1450)

ઈ. સ. પૂ.નાં આ 3000 વર્ષો દરમિયાનની અહીં વિકસેલી સંસ્કૃતિના અવશેષોની વિશેષ માહિતી તો ઉપલબ્ધ થતી નથી; પરંતુ મિત્રાહાઇન નામના અત્યારના ગામની બહાર મેમ્ફિસના મૂળ દેવતાના માનમાં ઈ. પૂ. 3000 વર્ષના અરસામાં બાંધેલા તાહ(Ptah)ના વિશાળ મંદિરના બચેલા જૂજ અવશેષો નજરે પડે છે.

રાજાનું મસ્તક ધરાવતો સિંહ : કાઇરો નજીક નાઇલની ખીણમાં આવેલા ‘સ્ફિન્ક્સ’ અને ગીઝાના પિરામિડો પ્રાચીન દુનિયાની સાત અજાયબીઓ પૈકીના ગણાય છે. તે ફૅરો(રાજાઓ)ની કબરો તરીકે બાંધવામાં આવેલા. રણની ધાર પર પિરામિડોનાં છ જૂથ નજરે પડે છે.

પિરામિડો અને કબ્રસ્તાનોના અવશેષો આ સામ્રાજ્યોની સંસ્કૃતિના અસ્તિત્વની સાક્ષી પૂરે છે. અહીં એક સંગ્રહસ્થાન પણ બનાવવામાં આવેલું છે, જેમાં 18મા રાજવંશથી માંડીને પછીના કાળની જે જે મળી શકી તે ચીજવસ્તુઓને જાળવી રાખવામાં આવેલી છે; તે પૈકી ફેરો રામસેસ બીજા(1304–1237 ઈ. સ. પૂ.)નું 13 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતું એક બાવલું પણ છે. કૅરો નજીક નાઇલ નદીની ખીણમાં ગીઝાના પિરામિડો તેમજ રાજવીના મસ્તક અને સિંહના ધડની વિશાળ આકૃતિ ધરાવતું શિલ્પ – જેની દુનિયાની સાત અજાયબીઓમાં ગણના થાય છે તે – અહીં જોવા મળે છે. પેટ્રી ડબ્લ્યૂ. એમ. એફે અહીંની વિગતોનો સમાવેશ કરતા ગ્રંથો (1909 –15) લખેલા છે.

ગિરીશભાઈ પંડ્યા