મૅમેટ, ડેવિડ (ઍલન) (જ. 30 નવેમ્બર 1947, શિકાગો, ઇલિનૉઈ) : નાટક અને ફિલ્મ-પટકથાના લેખક અને ફિલ્મદિગ્દર્શક. તેમણે વમૉર્ન્ટની ગૉડાર્ડ કૉલેજ ખાતે અભ્યાસ કર્યો અને ન્યૂયૉર્ક સિટીમાં અભિનેતા તરીકે કારકિર્દીનો પ્રારંભ કર્યો. તેમનાં ‘અમેરિકન બફૅલો’ (1976) તથા ‘સ્પીડ ધ પ્લાઉ’ (1987) નાટકોમાં શહેરી સમાજને મૂંઝવતી મનોવૈજ્ઞાનિક તથા નૈતિક સમસ્યાઓની માર્મિક અને સચોટ છણાવટ કરી છે. તેમની અન્ય કૃતિઓમાં ઉલ્લેખનીય તે ‘ધ વુડ્ઝ’ (1977) અને ‘ધી ઓલ્ડ નેબરહૂડ’ (1990) નાટકો; ‘ધ પોસ્ટમૅન ઑલવેઝ રિંગ્ઝ ટ્વાઇસ’ (1981) અને ‘ધી અનટચેબલ્સ’ (1986) એ ફિલ્મ-પટકથાઓ છે. ‘હાઉસ ઑવ્ ગેમ્સ’ (1986) અને ‘હોમીસાઇડ’ (1991) એ ફિલ્મોનું તેમણે દિગ્દર્શન કર્યું છે. વળી ‘ધ વિલેજ’ (1994) નામની તેમની એક નવલકથા પણ છે.
તેમને 1984માં ‘ગ્લૅનગરી ગ્લૅન રૉસ’ બદલ નાટકનું પુલિત્ઝર પારિતોષિક અપાયું હતું.
મહેશ ચોકસી