મૅમથ : એ નામની હાથીના કુળની લુપ્ત પ્રજાતિ(Mammuthus)નાં પ્રાણી. મૅમથની ગણના સસ્તન વર્ગની પ્રોબોસિડિયા શ્રેણીના એલિફન્ટિડી કુળમાં થાય છે. આ પ્રાણીનો બરફમાં દટાઈને ઠરી ગયેલો પ્રથમ નમૂનો 1400ના અરસામાં મળ્યો. તે પહેલાં ઉત્તર સાઇબીરિયા અને મૉંગોલિયાના લોકો તેમના વિશાળ દંતૂશળથી પરિચિત હતા. તેમની કલ્પના પ્રમાણે તે ઉંદરની જાતના પ્રાચીન વિરાટ પ્રાણીના અતિવૃદ્ધિ પામેલા દાંત હતા. તેમને માટે દંતૂશળ આર્થિક મહત્વનાં હોવાથી તેઓ દંતૂશળના સ્રોત વિશે કોઈને કશી જાણ કરતા નહોતા. યુરોપીય પ્રવાસીઓના વૃત્તાંતો ઉપરથી રશિયાના ઝાર તથા બીજા રાજાઓને રસ જાગતાં તેમણે તે અંગેનાં સંશોધનો માટે ટુકડીઓ મોકલવા માંડી. હિમાચ્છાદિત ભૂમિ પર ફરતાં મૅમથ કોઈ વાર તિરાડોમાં સરી પડતાં અને હિમ વડે ઢંકાઈ જતાં. હિમના કારણે તેમનાં શબ લાંબો સમય સારી સ્થિતિમાં જળવાતાં. આવા 40થી વધારે અવશેષો મળ્યા છે. પાંચમાં તો માંસપેશીઓ પણ સારી રીતે જળવાયેલી જણાઈ છે. આના કારણે આ પ્રાણીની ઉત્ક્રાંતિ, રચના તથા ટેવો વિશે વિગતવાર માહિતી સુલભ બની શકી છે. આજે પણ આવા નમૂના મળી આવે છે.

મૅમથ

મૅમથ જેવા પ્રાણીની ઉત્ક્રાંતિ 40 લાખ વર્ષ પૂર્વે આફ્રિકામાં શરૂ થઈ. 25 લાખ વર્ષ પૂર્વે તે હિમાચ્છાદિત પ્રદેશોમાં વાસ કરવા આવશ્યક અનુકૂલન પામી ચૂક્યાં હતાં અને પશ્ચિમે અલાસ્કાથી ઉત્તર એશિયામાં સાઇબીરિયા સુધી વિહરતાં થયાં હતાં. તેઓ શરીરે લાંબાં હતાં. તેમને શરીરે રતાશપડતા વાળ હતા. ઉપલી ત્વચા તળે મેદનું આઠ સેમી. જેટલું જાડું સ્તર હતું. આથી ભારે ઠંડીમાં પણ તેમને રક્ષણ મળતું હતું. ખોપરી ઊંચા, સાંકડા કપાળ અને ઘુમ્મટવાળી હતી. વર્તમાન હાથીની સરખામણીમાં કાન બહુ નાના હતા. શીતળ વાતાવરણમાં નાના કાન શરીરની ઉષ્મા જાળવવામાં સહાયક થતા હતા. પીઠ ઉપર મેદનો ઢેકો હતો. ઉપલા જડબામાંથી બે વિશાળ દંતૂશળ નીચે સુધી વિસ્તરી, ઉપર વળાંક લઈ, સૂંઢના મધ્ય ભાગે પહોંચતા હતા. દક્ષિણ ફ્રાન્સ તથા અન્યત્ર પુરાતન ક્રો-મૅગ્નન માનવીની ગુફાઓમાં મળતાં મૅમથનાં ચિત્રો તથા અન્વેષણમાં મળેલા અવશેષો ઉપરથી આવું ચિત્ર ઊપસે છે.

મૅમથ પ્રજાતિમાં વિવિધ જાતિઓ હતી. મોટાભાગની જાતિઓ વર્તમાન હાથી જેવડી હતી. સાઇબીરિયાની ઊની જાતિ (woolly mammoth) સ્કંધે 2.7 મી. ઊંચી અને ઉત્તર અમેરિકી સમ્રાટ જાતિ (imperial mammoth) 4.1 મી. ઊંચી હતી. જીવવાના બદલાયેલા સંજોગોમાં આ પ્રાણી ટકી શક્યાં નહિ. આજથી આશરે 10,000 વર્ષ પૂર્વે તેઓ લુપ્ત થયાં.

બંસીધર શુક્લ