મુહૂર્તશાસ્ત્ર : ભારતીય જ્યોતિષશાસ્ત્રની એક શાખા. જ્યોતિષ-શાસ્ત્રના સંહિતાગ્રંથોમાં મુહૂર્તના શાસ્ત્રને એક અંગ તરીકે ગણવામાં આવ્યું છે. છેક વૈદિક યુગથી મુહૂર્તશાસ્ત્ર પ્રચલિત છે. વેદમાં કહેલા યજ્ઞો ક્યારે એટલે કયા દિવસે અને દિવસના કયા સમયે શરૂ કરવા એ વિશે જે વિચાર કરવામાં આવ્યો તેમાંથી જ્યોતિષશાસ્ત્રની ઉત્પત્તિ થઈ છે અને તેથી જ જ્યોતિષશાસ્ત્રને વેદનું અંગ – ચક્ષુ કહેવામાં આવ્યું છે. આમ વેદાંગના મૂળ એવા જ્યોતિષશાસ્ત્રનો આરંભ જ મુહૂર્તને લીધે થયો છે. આકાશમાં સૂર્ય વગેરે ગ્રહો, નક્ષત્રો, રાશિઓ (= નક્ષત્રોનો સમૂહ) વગેરે અમુક સમયે ક્યાં રહેલા છે તે પરથી તે સમય શુભ છે કે અશુભ એમ નક્કી થાય છે; એનું કારણ એ છે કે આ બધા આકાશી પદાર્થોની આકાશની જેમ જ પૃથ્વી પર અને પૃથ્વીના મનુષ્યો પર સારી કે ખરાબ અસરો થાય છે. સારી અસર બતાવતી તેમની આકાશી સ્થિતિને શુભ મુહૂર્ત કહે છે અને ખરાબ અસર બતાવતી તેમની આકાશી સ્થિતિને અશુભ કે ખરાબ મુહૂર્ત કહે છે. મનુષ્યના જન્મ સમયે ગ્રહો અને નક્ષત્રો (= ચોક્કસ આકારમાં ગોઠવાયેલા તારાઓ) આકાશમાં જે સ્થળે રહેલા હોય તેમની અસર મનુષ્યના સમગ્ર જીવન પર પડે છે. ફક્ત જન્મસમય જ નહિ, તેના ગર્ભાધાનથી માંડીને મૃત્યુ સુધી ગ્રહો અને નક્ષત્રોની આકાશમાંની સ્થિતિની અસર તેના પર સતત થયા કરે છે. આથી સારી કે ખરાબ અસર કરતી ક્ષણને શુભ કે અશુભ મુહૂર્ત કહે છે. ‘મુહૂર્ત’ શબ્દ લગભગ 20 મિનિટ જેટલી સમયાવધિની ગણતરીનો અર્થસંકેત કરે છે, કારણ કે ઓછામાં ઓછી વીસ મિનિટ સુધી તો આ શુભ કે અશુભ મુહૂર્તની અસર ચાલે છે. આ મુહૂર્ત જન્મ અને લગ્ન વગેરે સોળ સંસ્કારો સુધી તો પહોંચ્યું. તેથી આગળ વધી કોઈ પણ નવું કાર્ય કરવા પણ લોકો મુહૂર્ત જોવા લાગ્યા. નવું ઘર શરૂ કરવાનું હોય કે નવી પેઢી શરૂ કરવાની હોય, એક ગામથી બીજે ગામ પ્રવાસ કરવાનો હોય કે નવી વસ્તુ ખરીદવાની હોય, બધે જ શુભ મુહૂર્ત જોવાની પ્રવૃત્તિ ભારતમાં શરૂ થઈ. આમ યજ્ઞ જેવા ધાર્મિક પ્રસંગથી શરૂ થયેલી આકાશીય પદાર્થોની સારી અસર બતાવતા સમયને જોવાની પ્રવૃત્તિ લગ્ન જેવા સામાજિક અને રાજા ગાદીએ બેસે તેવા રાજકીય – એમ તમામ પ્રકારના પ્રસંગો સુધી વિસ્તરી. આ રીતે છેક વેદકાળથી ઉદભવ પામેલા મુહૂર્તશાસ્ત્રના ઈ. સ.ની નવમી સદી સુધીમાં તો સ્વતંત્ર ચર્ચા કરતા ગ્રંથો રચાવા લાગ્યા.
જોકે वेदांगज्योतिष — એ પ્રથમ ગ્રંથથી જ આડકતરી રીતે યજ્ઞના મુહૂર્તની ચર્ચા શરૂ થઈ છે, છતાં ‘વારાહીસંહિતા’માં મુહૂર્તશાસ્ત્રના સિદ્ધાન્તોનો અલગ નિર્દેશ કરવામાં આવ્યો છે. આ સિદ્ધાન્તોનું નિરૂપણ કરતી વખતે સારસ્વત નામના મુનિનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ‘હવે મનુષ્યોની વાત કરું છું’ એમ કહીને પછી આ સિદ્ધાન્તો આપવામાં આવ્યા છે. નવમી સદી પછી તો તિથિ, વાર, નક્ષત્ર, યોગ અને કરણ એ ‘પંચાંગ’નાં પાંચેય અંગોને શુભ અથવા અશુભનું નામ આપવામાં આવ્યું. અમુક તિથિઓ શુભ અને અમુક અશુભ ગણવામાં આવી. અમુક વાર શુભ અને અમુક અશુભ, અમુક નક્ષત્રો શુભ અને અમુક અશુભ ગણવામાં આવ્યાં. એ જ સ્થિતિ યોગ અને કરણની પણ થઈ. તેની સૂક્ષ્મ વિચારણા એટલી હદે આગળ વધી કે અમુક પ્રસંગમાં એક નક્ષત્ર શુભ હોય તો બીજા પ્રસંગમાં એ જ નક્ષત્ર અશુભ ગણવામાં આવ્યું. દા.ત., પુષ્ય નક્ષત્ર પ્રાય: શુભ નક્ષત્ર છે અને બધા પ્રસંગોમાં તે પુષ્ટિ આપનારું છે, પરંતુ લગ્નપ્રસંગમાં પુષ્ય નક્ષત્ર અશુભ મનાયું છે. માસ પણ અમુક શુભ અને અમુક અશુભ મનાયા છે. આથી મુહૂર્તશાસ્ત્રમાં એક ત્યાજ્યપ્રકરણ ઉમેરવામાં આવ્યું. અમુક નક્ષત્ર કે તિથિ કે વાર વગેરે અમુક પ્રસંગે ત્યાજ્ય છે એમ આ પ્રકરણમાં રજૂઆત કરવામાં આવી છે. તિથિ, વાર, નક્ષત્ર વગેરેના ચોક્કસ મેળાપના શુભાશુભપણાનો વિચાર કરવામાં આવ્યો છે. દા.ત., ગુરુવારે પુષ્ય નક્ષત્ર આવે તો ‘ગુરુપુષ્યામૃત યોગ’ થાય છે અને તે શુભ છે. ગુરુવારને દિવસે પાંચમ, દશમ કે પૂનમમાંથી ગમે તે એક તિથિ આવે તો તેને સિદ્ધિયોગ કહે છે અને તે શુભ છે. એવી જ રીતે, વરકન્યાના જન્મસમયે મંગળ નામનો ગ્રહ ચોક્કસ સ્થળે લગ્ને ચોથે, સાતમે, આઠમે અને બારમે હોય તો તે અશુભ ગણાય છે અને કન્યા વિધવા બને તેવું ફળ આપે છે. વળી કેટલીક તિથિઓ તમામ મનુષ્યો માટે શુભ કે અશુભ માની લેવામાં આવી છે; દા.ત., આષાઢી બીજ અને અખાત્રીજ બધા માટે શુભ છે. કાળીચૌદશ બધા માટે અશુભ છે. પ્રત્યેક મનુષ્ય પોતાનું કાર્ય સરળ થાય તેમ ઇચ્છે છે; તેથી મુહૂર્તશાસ્ત્રના પાયામાં માનવીની આ સફળતાની કામના રહેલી છે. આથી આધુનિક સમયમાં પણ મુહૂર્તશાસ્ત્રની પકડ જબરી છે. આથી બીજું કશું નહિ માનનારા લોકો પણ પોતાના ચલચિત્રનો આરંભ શુભ મુહૂર્ત જોઈને કરાવે છે. સામાન્ય માણસો વાહનની ખરીદી પણ સારું મુહૂર્ત જોઈને કરે છે.
મુહૂર્તશાસ્ત્રના સ્વતંત્ર ગ્રંથ તરીકે ‘મુહૂર્તવિચાર’ સૌથી પ્રાચીન છે. તેમાં મનુષ્યના જન્મસમયના ગ્રહો અને ગોચર એટલે મુહૂર્ત જોવાના સમયના ગ્રહોના આધારે મુહૂર્ત નક્કી કરવાની શરૂઆત કરવામાં આવી છે. એ પછી ‘રત્નમાલા’ નામના ગ્રંથમાં શ્રીપતિ નામના લેખકે ઈ. સ. 1040માં મુહૂર્ત અંગેના બધા જ નિયમોનો વિચાર કર્યો છે. ઈ. સ. 1175માં ગુજરાતના અણહિલપુર પાટણમાં નરપતિ નામના લેખકે રાજાઓને યુદ્ધમાં જવા માટેનાં મુહૂર્તો બતાવતો ‘શકુનશાસ્ત્ર’ નામનો ગ્રંથ લખ્યો છે. ઈ. સ. 1243માં કેશવ નામના લેખકે ‘વિવાહવૃંદાવન’ નામના ગ્રંથમાં લગ્ન વિશેનાં મુહૂર્તો બતાવ્યાં છે. એ પછી ઈ. સ. 1498માં બીજા એક કેશવ નામના લેખકે સૌપ્રથમ નૌકા બાંધવાનાં, નૌકામાં પ્રવાસ શરૂ કરવાનાં, સમુદ્રયાત્રાનાં મુહૂર્તોની ચર્ચા કરતો ‘મુહૂર્તતત્વ’ નામનો ધ્યાનાકર્ષક અને અદ્વિતીય ગ્રંથ લખ્યો છે. ઈ. સ. 1522માં ગુજરાતના ખંભાતમાં ગૌડ જ્ઞાતિના બ્રાહ્મણ પીતાંબર નામના લેખકે ‘વિવાહપટલ’ નામના ગ્રંથમાં લગ્નનાં મુહૂર્તોની ચર્ચા કરી છે. આ ગ્રંથના આધારે આજે પણ ગુજરાતમાં લગ્નનાં મુહૂર્તો આપવામાં આવે છે. ઈ. સ. 1571માં નારાયણ નામના લેખકે મુહૂર્તોની ચર્ચા કરતો ‘મુહૂર્તમાર્તણ્ડ’ નામનો ગ્રંથ લખ્યો છે, જે ખૂબ પ્રચલિત છે. ઈ. સ. 1600માં રામ અને અનંત નામના લેખકોએ ‘મુહૂર્તચિંતામણિ’ નામનો મુહૂર્તશાસ્ત્રનો ગ્રંથ લખ્યો છે. ઈ. સ. 1661માં કચ્છના ભૂજમાં મહાદેવ નામના લેખકે મુહૂર્તની ચર્ચા કરતો ‘મુહૂર્તદીપક’ નામનો ગ્રંથ લખ્યો છે. છેલ્લે ઈ. સ. 1744થી 1810 સુધી જીવેલા ગંગાધર શાસ્ત્રી નામના મરાઠી સંપાદકે મુહૂર્તશાસ્ત્રના 38 જેટલા ગ્રંથોનો આધાર લઈ ‘મુહૂર્તસિન્ધુ’ નામના ગ્રંથનું મરાઠી ભાષામાં સંપાદન કર્યું છે. આ બધા મુહૂર્તશાસ્ત્રના ગ્રંથોને આધારે આજે પણ ગુજરાતી, મરાઠી વગેરે ભારતીય ભાષાઓનાં પંચાંગોમાં જુદાં જુદાં મુહૂર્તો આપવામાં આવે છે.
બટુક દલીચા