મુંક, એડ્વર્ડ (Munch, Edward) (જ. 12 ડિસેમ્બર 1863, લૉટન, નૉર્વે; અ. 23 જાન્યુઆરી 1944, એકેલી, ન્યૂ ઑસ્લો) : નૉર્વેના ચિત્રકાર. ઑસ્લોમાં અભ્યાસ. પ્રારંભિક ચિત્રકામ પર તેમના મિત્ર ક્રિશ્ચિયન ક્રૉગની અસર પડી હતી. તેમાં સામાજિક વાસ્તવિકતાનું પ્રતિબિંબ હતું. પૅરિસ અને બર્લિનનાં સામયિકોમાં તેમની મુદ્રણક્ષમ કલા (graphics) વધુ જાણીતી થયેલી. જર્મન અભિવ્યક્તિવાદની શૈલીમાં તેમની સર્જનાત્મક કલા વિશેષ ખીલી. ઊંડી માનસિક હતાશાની સ્થિતિમાં તેઓ નૉર્વે પાછા ફર્યા (1909–10) અને ઑસ્લો યુનિવર્સિટીમાં થોડાં ચિત્રો કર્યાં. જૂનાં જીર્ણશીર્ણ ચિત્રોનાં રૂપરંગ મઠારી તેમને પૂર્વવત્ બનાવ્યાં. કલાકાર ગોગાંના પ્રેમ અને મૃત્યુના વિષયોની તેમની શૈલી પર ઘેરી અસર પડી હતી. તેમની બહેનનું ક્ષયરોગથી મૃત્યુ થયા પછી ‘ધ સિક ચાઇલ્ડ’ ચિત્ર તેનું સીધું પરિણામ છે. અભિવ્યક્તિવાદમાં વાસ્તવિક કરતાં વધુ જોરદાર રજૂઆત હોય છે. તેમાં મુખ પરના ભાવ તથા શરીરના ખેંચાણ-લંબાણનાં પરિમાણ નોંધપાત્ર ભાગ ભજવે છે. પૅરિસમાં તેમને આવી શૈલી વાન ગૉફ પાસેથી જાણવા મળી. વળી નવપ્રભાવવાદી સર્જનોમાંથી પણ તેમને પ્રેરણા મળી. ‘ધ સ્કીમ’ ચિત્રમાં રંગોનો લયબદ્ધ પ્રવાહ ઉપરાંત રમતિયાળ રેખાઓમાં પણ વાન ગૉફના મુખચિત્રમાં જેવી જોવા મળે છે તેવી માનસિક વ્યગ્રતાનો સ્પર્શ પણ જોવા મળે છે.

કનુ નાયક