મુલિસ, કૅરી બી. (Mullis, Kary B.) (જ. 28 ડિસેમ્બર 1944, લિનૉર્ટ, ઉત્તર કૅરોલાઇના, યુ.એસ.) : અમેરિકન જૈવરસાયણવિદ અને 1993ના વર્ષના રસાયણશાસ્ત્ર વિષયના નોબેલ પુરસ્કારના સહવિજેતા. જ્યૉર્જિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅક્નૉલૉજીમાં રસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યા બાદ તેમણે કૅલિફૉર્નિયા ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ટૅકનૉલૉજી(Caltech)માં જૈવરસાયણશાસ્ત્રનો અભ્યાસ કર્યો. 1972માં તેમણે કૅલિફૉર્નિયા યુનિવર્સિટી, બર્કલીમાંથી પીએચ.ડી.ની પદવી પ્રાપ્ત કરી. 1973થી 1979 દરમિયાન તેમણે યુ.એસ.ની વિવિધ યુનિવર્સિટીઓમાં સંશોધનકાર્ય કર્યું. 1979માં તેઓ સિટસ (Cetus) કૉર્પોરેશન નામની બાયૉટૅકનૉલૉજી કંપનીમાં જોડાયા, જ્યારે 1986માં સાન ડિયેગોની ઝિટ્રૉનિક્સ નામની કંપનીના આણ્વિક જીવવિજ્ઞાન-વિભાગના ડિરેક્ટર બન્યા. 1993માં તેઓ લા જોલા (કૅલિફૉર્નિયા) ખાતે સ્વતંત્ર પરામર્શક (freelance consultant) તરીકે કાર્ય કરતા હતા.
1993માં મુલિસ અને માઇકલ સ્મિથને જનીનિક (આનુવંશિક, genetic) દ્રવ્યના અણુઓના અભ્યાસ માટે તેમણે વિકસાવેલી રાસાયણિક પદ્ધતિઓ દ્વારા જનીનિક ઇજનેરીનો વિકાસ ઝડપી બનાવવા બદલ તેમજ પાયારૂપ જૈવરાસાયણિક સંશોધનને ઉત્તેજન આપવામાં અને આયુર્વિજ્ઞાન તથા જૈવતકનીકીમાં અવનવા ઉપયોગો માટેનાં દ્વાર ખોલવામાં તેમણે આપેલા ફાળા બદલ રસાયણશાસ્ત્ર વિષય માટેનું નોબેલ પારિતોષિક સંયુક્તપણે એનાયત કરવામાં આવ્યું હતું.
મુલિસને પૉલિમરેઝ શૃંખલા-પ્રક્રિયા(polymer chain reaction, PCR)ની જે શોધ માટે નોબેલ પુરસ્કાર પ્રાપ્ત થયો તેનો વિચાર તેમના જણાવ્યા પ્રમાણે તેમને 1983માં કૅલિફૉર્નિયાની ગિરિમાળામાં ત્રણ કલાકની સફર દરમિયાન આવેલો. તે સમયે તેઓ સિટસ કૉર્પોરેશનમાં સેવાઓ આપી રહ્યા હતા. PCRની શોધ અગાઉ મોટા DNA (deoxyribonucleic acid) અણુમાંથી તેના વિશિષ્ટ તાંતણાનો ઉપયોગમાં લઈ શકાય તેવો જથ્થો મેળવવો એ ઘણી મહેનત માગી લેતી વિધિ હતી. તેમાંયે નમૂનો નાનો હોય ત્યારે તો ખાસ.
મુલિસની યોજના નિર્બંધક અંત:ન્યૂક્લિયેઝ(restriction endo-nucleases)નો ઉપયોગ કરતી જાણીતી ટૅકનિક વડે પ્રથમ DNA અણુનું વિખંડન કરવાની હતી. આ તકનીક DNAનું વિશિષ્ટ બેઝ-યુગ્મો (base-pairs) આગળ વિદારણ કરી અલ્પન્યૂક્લિયોટાઇડ(oligonucleotides)નું મિશ્રણ આપે છે. આ પદાર્થો કેટલાંક બેઝયુગ્મો ધરાવતા સાધારણ (moderate) આણ્વિક પરિમાપના હોય છે અને તે વિશિષ્ટ બેઝ-શ્રેણી રૂપે જનીનો ધરાવે છે. મુલિસનો ખ્યાલ આ અલ્પન્યૂક્લિયોટાઇડોને લઈ એક એવી રાસાયણિક પદ્ધતિ વાપરવાનો હતો કે જે દ્વારા તે સાદા પ્રક્રિયકોમાંથી પ્રતિકૃતિઓ ઉત્પન્ન કરે અને નીપજો પર પુનરાવર્તી રીતે પ્રક્રિયા થઈ સંશ્લેષણ થયા કરે. આ માટેની તેમની પદ્ધતિ ગૂઢ હતી પણ પ્રાયોગિક રીતે સાદી હતી એટલે કે એક જ ઘાણમાં આરંભિક (starting) અલ્પન્યૂક્લિયોટાઇડનું સતત પ્રવર્ધન થયા કરે. દરેક ચક્ર(cycle)માં 1–2 મિનિટમાં DNA ખંડો (fragments) બમણા થતા અને આ રીતે થોડા કલાકોમાં તો એક અણુ તેની 100 અબજ પ્રતિકૃતિઓ ઉત્પન્ન કરી શકતો. આ માટે ચાવીરૂપ પદાર્થ 1955માં કૉર્નબર્ગે શોધેલો DNA-પૉલિમરેઝ તરીકે ઓળખાતો ઉદ્દીપક હતો. એક વર્ષમાં તો મુલિસે તેની પદ્ધતિમાં વધુ સુધારા કર્યા અને તેને ‘પૉલિમરેઝ શૃંખલા પ્રક્રિયા (PCR)’ નામ આપ્યું. આ પછી તો એનો બહોળો ઉપયોગ થયો છે.
આવા ઉપયોગોમાં, PCRની ક્ષમતા ઉપર આધારિત, અલ્પમાત્રામાં મળેલા DNAનું પ્રવર્ધન કરી ઉપયોગમાં લઈ શકાય તેવા જથ્થામાં ફેરવવાની સંવેદી કસોટીઓનો સમાવેશ થાય છે. ગુનાશોધન (forensic) શાખામાં એક વાળ કે લોહી અથવા વીર્યના નમૂના પરથી વ્યક્તિની ઓળખ માટે, નામશેષ (extinct) પ્રાણીઓના જીવાવશેષો(fossils)ના [દા.ત., જૂના કેરબા(amber)માં ફસાયેલાં જીવડાંના અને ડાયનોસૉરનાં અસ્થિના] અભ્યાસમાં, તથા વિવિધ રોગ-સંક્રમણો(infections)ની કસોટી માટે આ પદ્ધતિ ખૂબ ઉપયોગી છે.
મુલિસના નોંધપાત્ર શોખમાં કૃત્રિમ બુદ્ધિ (artificial intelligence), પરિકલન (computing), ફોટોગ્રાફી અને બ્રહ્માંડવિજ્ઞાન(cosmology)નો સમાવેશ થાય છે.
તેઓ સ્વતંત્ર સલાહકાર છે. તેમણે સ્ટાર્જિન (Stargene) નામની કંપની સ્થાપી છે, જે દ્વારા લૉકેટ અને બ્રેસલેટમાં જાણીતા મનોરંજન-કલાકારોના DNAના પ્રવર્ધિત નમૂના બનાવીને બજારમાં મૂકવામાં આવે છે.
પ્રહલાદ બે. પટેલ