મુલિયન-સંરચના (mullion structure) : (1) સ્તરભંગ-સપાટીમાં ખડકોની સરકવાની દિશાને સમાંતર લાંબા, પહોળા સળ બનાવતી રચના. (2) સળિયા જેવી સંરચના. (3) વિકૃત ખડકોમાં જોવા મળતી સમાંતર સ્તંભોની શ્રેણી, જેમનો વ્યાસ અનેક સેમી. હોય, લંબાઈ કેટલાક મીટરની હોય તથા દરેક સ્તંભ ગેડવાળા વિકૃત ખડકોથી બનેલો હોય. ર્દઢ સ્તરોમાં દાબની અસર હેઠળ વિકસતી સંરચનાઓ મુલિયન-સંરચનાઓ તરીકે ઓળખાય છે, જેમાં ખડકના સ્તંભાકાર વિભાગો વાંસળી જેવા લાંબા આકારવાળા હોય છે. તેમનો વ્યાસ 5 કે 6 સેમી.થી 50 કે વધુ સેમી. હોઈ શકે છે. આવી રચનાઓ નીચે મુજબ તૈયાર થાય છે : (1) ઘનિષ્ઠ ગેડની શ્રેણીના વિકાસ દ્વારા ગેડ-વિભાગો એક એક થઈ છૂટા એકમોમાં જુદા પડી જવાથી આ પ્રકારની સંરચના બને છે અને તે ગેડ-મુલિયન તરીકે ઓળખાય છે. (2) સ્તરરચના અને ખડકસંભેદના આડછેદને પરિણામે તૈયાર થતી સંરચના સંભેદ-મુલિયન કહેવાય છે. (3) ગેડ અને સંભેદ-મુલિયનના સંયોગથી બનતી રચના અનિયમિત મુલિયન-સંરચના કહેવાય છે.

આ ઉપરાંત મુલિયન-સંરચના કોણીય ગેડ-અક્ષના નમનકોણને સમાંતર પણ બની શકે છે. આ પ્રકારની સાથે સામ્ય ધરાવતી સંરચના સળિયાવત્ સંરચના તરીકે ઓળખાવાય છે, તે ઓછાવત્તા ગોળાકાર આડછેદવાળા ક્વાર્ટ્ઝના સળિયા જેવી લાંબી શ્રેણીઓથી બનેલી હોય છે. મૂળ ખડકમાં અંતર્ભેદન પામેલ ક્વાર્ટ્ઝ શિરાઓ દાબનાં બળોની ભીંસમાં આવતા સળિયાના આકારોમાં ફેરવાય છે.

મુલિયન અને સંશલાકન

ક્વાર્ટ્ઝ-શિરાઓ ખડક-સંભેદ કે પત્રબંધીને સમાંતર પણ ગોઠવાય છે. આવા ખડકોનું ગેડીકરણ થતાં ખનિજ-શિરાઓ તૂટી જાય છે અને ગેડના સ્તરભુજમાં, ગેડશીર્ષના છેડાના ભાગોમાં એકત્રિત થઈ, વધુ વિરૂપતા પામીને સળિયા સ્વરૂપે ગોઠવાય છે. મુલિયન-સંરચના આમ જુદા જુદા સંજોગો હેઠળ બની શકે છે.

ગિરીશભાઈ પંડ્યા