મુલ્લા, અબ્દુન નબી શેખ : મુઘલ શહેનશાહ હુમાયૂં અને અકબરના શરૂઆતના સમયના આગેવાન ઇસ્લામી પંડિત (ઉલેમા). તે રૂઢિચુસ્ત વિચારો ધરાવતા હતા તથા ધર્મની બાબતમાં અસહિષ્ણુ હતા. કાયદાના સંરક્ષક તરીકે સામાજિક તથા ધાર્મિક બાબતોમાં તેમનો અભિપ્રાય આખરી માનવામાં આવતો હતો. અકબરે વિદ્યાભ્યાસ કર્યો નહોતો; તેથી તેના રાજ્યઅમલનાં શરૂઆતનાં વરસોમાં તેણે તેમનું માર્ગદર્શન મેળવવું પડતું હતું. અકબરે વહીવટમાં સુધારા કરવાની આશા રાખીને 1565માં તેમને સદ્રુસ્ સુદુર (મુખ્ય ન્યાયમૂર્તિ) નીમ્યા હતા; પરંતુ તેમણે સત્તાનો દુરુપયોગ કર્યો હોવાથી તે નિરાશ થયો. તેણે 1578માં તેમને બરતરફ કર્યા અને સદ્રુસ્ સુદુરની સત્તામાં ઘટાડો કર્યો.

જયકુમાર ર. શુક્લ