મુલતાન :પાકિસ્તાનના પશ્ચિમ પંજાબના નૈર્ઋત્ય ભાગમાં આવેલા જિલ્લાનું શહેર. તે ધર્મગુરુઓના શહેર તરીકે પણ ઓળખાય છે.
ભૌગોલિક સ્થાન : 30 11´ ઉ. અ. અને 71 28´ પૂ. રે. તે ચિનાબ (ચંદ્રભાગા) નદીને કાંઠે સ્થિત છે. આ શહેરનો વિસ્તાર 560 ચો. કિમી. જ્યારે તેની મહત્તમ ઊંચાઈ 153 મીટર છે. પાકિસ્તાનનાં મોટાં શહેરોમાં તેનો ક્રમ સાતમો આવે છે.
આબોહવા : અહીંની આબોહવા ગરમ રણ પ્રકારની છે. ઉનાળાની આબોહવા અતિશય ગરમ અને શિયાળો પ્રમાણમાં સાધારણ ઠંડો અનુભવાય છે. અહીં સૌથી ઊંચું તાપમાન 52 સે. અને નીચું તાપમાન –1 સે. જેટલું નોંધાયું છે. જે રેકૉર્ડ સમાન છે. પશ્ચિમી વાતાવરણીય તોફાન (Western Disturbances) મોટે ભાગે ડિસેમ્બર અને ફેબ્રુઆરી માસમાં અનુભવાય છે. પરિણામે આ સમયમાં સામાન્ય વરસાદ અને કરા(Hail)નો પણ અનુભવ થાય છે. ઉનાળાની ઋતુમાં રેતી સાથે વંટોળ ફૂંકાય છે. છેલ્લા દસકામાં અહીં જંગલોનું વિચ્છેદન થતું રહ્યું હોવાથી વારંવાર રેતી સાથેના વંટોળ વધુ સક્રિય રહ્યા છે. મે અને જૂન માસમાં ગરમ પવનોને કારણે તાપમાન 50 સે. જેટલું ઊંચું ચાલ્યું જાય છે. નૈર્ઋત્યના પવનો જૂન અને સપ્ટેમ્બર માસમાં અનુભવાતા હોવાથી આ સમયગાળામાં વરસાદ થતો હોય છે.
અર્થતંત્ર : પંજાબ(પાકિસ્તાન)નો વિસ્તાર નદીઓનાં મેદાનોથી બનેલો હોવાથી ખેતી આ વિસ્તારની મુખ્ય પ્રવૃત્તિ છે. આથી ખેતીકીય પેદાશોનું મુખ્ય કેન્દ્ર છે. આ સિવાય અહીં જાજમ, રેશમ, સુતરાઉ કાપડના એકમો સ્થપાયેલા છે. ચર્મ અને ચિનાઈમાટીનાં વાસણો બનાવવાના ઉદ્યોગ પણ વિકસ્યા છે.
પરિવહન : આ શહેર ફૈસલબાદ, સુકર ઇસ્લામાબાદ લાહોર, પેશાવર અને કરાંચી જેવાં મોટાં શહેરો સાથે મોટર માર્ગે સંકળાયેલ છે. ‘ચાઈના પાકિસ્તાન કોરિડોર’ મુલતાન પાસેથી પસાર થાય છે. 2017ના વર્ષથી મેટ્રો બસ- સેવાનો પ્રારંભ થયો છે. મુલતાન કૅન્ટોનમેન્ટ રેલવેસ્ટેશન જે પાકિસ્તાનનાં અન્ય શહેરો સાથે સંકળાયેલ છે. ખાસ કરીને કરાંચી, પેશાવર, લાહોર, ક્વેરા વગેરે.
મુલતાન આંતરરાષ્ટ્રીય હવાઈમથક જે આંતરદેશીય અને આંતરરાષ્ટ્રીય સેવાઓનું મથક છે. મુલતાન શહેરથી આશરે 10 કિમી. દૂર છે. બહેરિન, ઓમાન, કતાર, સાઉદી અરેબિયા અને યુનાઇટેડ આરબઅમીરાત દેશો સાથે તે ઘનિષ્ટ રીતે સંકળાયેલ છે.
વસતી અને વસાહત : આ શહેરની વસ્તી 18,27,001 (2017) જેટલી છે. વસ્તીગીચતા 490 (ચો.કિમી.) છે. અહીં સારાઈકી, પંજાબી, ઉર્દૂ અને પાસ્તો ભાષા બોલાય છે. ઇસ્લામ મુખ્ય ધર્મ છે. આ સિવાય ખ્રિસ્તી, હિન્દુ અને શીખ ધર્મીઓ પણ વસે છે.
આ શહેરમાં શિક્ષણનું પ્રમાણ વધુ છે. બહાઉદ્દીન ઝકરિયા યુનિવર્સિટી (મુલતાન યુનિવર્સિટી), મહંમદ નવાઝ શરીફ યુનિવર્સિટી ઑફ ઍગ્રિકલ્ચર વધુ જાણીતી છે. આ સિવાય એન્જિનિયરિંગ, ટૅકનૉલૉજી, ડેન્ટલ, મેડિકલ કૉલેજો પણ આવેલી છે.
ઈતિહાસ: દસમી સદીમાં અલ્-મસૂદીએ આ પ્રદેશને સમૃદ્ધ અને આબાદ જણાવ્યો હતો, જ્યારે હાલમાં એનો મોટો ભાગ પહેલાં જેવો આબાદ રહ્યો નથી.
જિલ્લાનું વડું મથક મુલતાન તે પ્રાચીન કાલનું ‘મૂલસ્થાન’ છે. એને ‘માલવ-સ્થાન’ કે ‘મૌલિસ્તાન’ પણ કહેતા. એ પ્રાય: મલ્લ દેશનું પાટનગર હતું. મુલતાનનું પ્રાચીન નામ ‘કાશ્યપપુર’ કે ‘મૂલસામ્બપુર’ હોવાનું પણ મનાય છે. અગાઉ રાવી નદી આ નગરની બાજુમાં વહેતી હતી. હાલ ચીનાબ નદી એની નજીકથી વહે છે. મુલતાન શહેર ઊંચા ટીંબા પર વસેલું છે.
મુલતાન ઘણું પૌરાણિક માહાત્મ્ય ધરાવે છે. વિષ્ણુ ભગવાનનો નૃસિંહાવતાર અહીં થયો હોવાનું મનાય છે. જૂના કિલ્લામાં નૃસિંહદેવનું મંદિર પણ આવેલું છે. મુલતાનને આથી ‘પ્રહલાદપુર’ પણ કહ્યું છે.
વળી શ્રીકૃષ્ણના પુત્ર સામ્બને કોઢ થયેલો, ત્યારે તેણે સૂર્યદેવની આરાધના કરેલી ને કોઢ મટતાં ત્યાં સૂર્યદેવનું મંદિર પણ બંધાવેલું; એટલું જ નહિ, શકદ્વીપ જઈ સૂર્યદેવની પૂજા કરવા ત્યાંથી તે મગ લોકોને અહીં તેડી લાવેલો એવી પુરાણકથા ‘ભવિષ્યપુરાણ’માં છે. મુલતાનની દક્ષિણે ચાર માઈલ પર સૂરજકુંડ આવેલ છે અને તેની પાસે સૂર્યમંદિર પણ છે. ચીની મહાશ્રમણ હ્યુ-એન-શ્વાંગે સાતમી સદીમાં મુલતાનની મુલાકાત લીધેલી, ત્યારે તેણે ત્યાં સૂર્યની સુવર્ણમય પ્રતિમા જોયાનું પોતાના પ્રવાસગ્રંથમાં નોંધ્યું છે. અહીંથી પાંચમી સદીના પ્રાચીન સિક્કા પણ મળ્યા છે. ત્યારે અહીં સિંધના રાજા ચચનું શાસન પ્રવર્તતું હતું.
ઈ. સ. 711માં અરબ સરદાર મુહમ્મદ બિન કાસિમે સિંધ જીત્યું ત્યારે તેણે મુલતાનને પણ ખલીફાના સામ્રાજ્યમાં ભેળવી દીધું. ત્યારપછી ઈ. સ. 1027માં મુલતાન પર મહમૂદ ગઝનીએ આક્રમણ કરી જીતી લઈને પોતાના રાજ્યમાં ભેળવી દીધું. ઈ. સ. 1175માં શાહબુદ્દીન ગોરીએ તે ગઝનવીઓ પાસેથી જીતી લીધું. ઘણાં વર્ષો સુધી મુલતાન દિલ્હી સામ્રાજ્યનો ભાગ રહ્યું. ત્યારપછી અહમદશાહ અબદાલીએ તેને જીતીને અફઘાનિસ્તાનમાં સામેલ કર્યું, પરંતુ 1818માં મહારાજા રણજિતસિંહે તેને કબજે કર્યું. 1848–49માં મુલતાનના શીખ સૂબેદાર મૂલરાજે અંગ્રેજો વિરુદ્ધ વિદ્રોહ કર્યો, જે અંતે બીજા શીખ વિગ્રહમાં પરિણમ્યો. તેમાં અંગ્રેજોનો વિજય થયો અને મુલતાન બ્રિટિશ સામ્રાજ્યનો ભાગ બન્યું. 1947માં દેશનું વિભાજન થયું ત્યારે તેને પાકિસ્તાનના પશ્ચિમ પંજાબમાં મૂકવામાં આવ્યું.
મુલતાન રેલવે, રસ્તા અને હવાઈ માર્ગોથી પાકિસ્તાનનાં મુખ્ય મથકો સાથે જોડાયેલું છે. પાકિસ્તાનના મુખ્ય હવાઈ મથકોમાંનું તે એક છે. તે જાજમ, રેશમ, સુતરાઉ કાપડ, બૂટ, ચિનાઈ માટીનાં વાસણો માટે જાણીતું છે. ત્યાં ઘોડાના વેચાણ માટે પ્રતિવર્ષ મેળો યોજાય છે. તે પંજાબનું મુખ્ય વેપારી મથક છે. અહીંની જાણીતી મુલતાનની માટી રંગ બનાવવા કે સફાઈ કરવા માટે વપરાય છે. સિંધના ખૈરપુરમાં મુલતાની માટી ઘણી મળે છે.
નીતિન કોઠારી
હરિપ્રસાદ ગં. શાસ્ત્રી
મહેબૂબ દેસાઈ