મુલતાનની મુસ્લિમ ઇમારતો  : વિદેશી મુસ્લિમ સ્થાપત્યશૈલી અનુસાર સૈકાઓ સુધી બંધાયેલી ભવ્ય ઇમારતો. આ પ્રાંતમાં 8મી સદીમાં મોહમ્મદ બિન કાસિમ દ્વારા આધિપત્ય સ્થપાયા પછી અનેક સદીઓ સુધી મુસ્લિમ સ્થાપત્યો બંધાતાં રહ્યાં. ઊંચી પીઠ, મહેરાબદાર તોરણદ્વારો, વિશાળ ઊંચા ઘુંમટ, દીવાલોમાં મોટા ગોખલા, કળશયુક્ત બુરજો વગેરે મુલતાની ઇમારતોનાં લક્ષણ છે. આ ઇમારતો વિશાળ, મજબૂત, સાદી અને સરળ છે. હિંદુ મંદિરો અને ભવનોના ભગ્નાવશેષોનો ઉપયોગ થયો હોવા છતાં અહીંની ઇમારતોમાં હિંદુ શૈલીનો પ્રભાવ જણાતો નથી.

મુલતાનની પ્રાચીન ઇમારતોમાં બે મસ્જિદો ગણાવાય છે. તેમાંની એક મોહમ્મદ બિન કાસિમે આઠમી સદીમાં બંધાવેલી. બીજી મસ્જિદ આદિત્યના મંદિરને સ્થાને બનાવવામાં આવી હતી. આજે આ બંને મસ્જિદો નાશ પામી છે. અહીં પાછળથી બનેલી જુમ્મા મસ્જિદના ઉપરના ભાગની રચના મનોહર છે. ઈ. સ. 1152માં બનેલો શાહ યુસૂફ-ઉલ્-ગર્દિજીનો મકબરો, ઈ. સ. 1262માં બંધાયેલ બહાઉલ-હકનો મકબરો, ઈ. સ. 1274નો શમ્સુદ્દીનનો મકબરો અને 1320થી 1324 દરમિયાન દિલ્હીના સુલતાન ગ્યાસુદ્દીન તુઘલકે બંધાવેલો રુકન-એ-આલમનો મકબરો મુલતાની શૈલીની આકર્ષક ઇમારતો છે. રુકન-એ-આલમનો મકબરો દિલ્હીની ભારતીય-મુસ્લિમ સ્થાપત્યશૈલીએ બનેલો છે.

પ્રવીણચંદ્ર પરીખ