મુર્શિદાબાદ (જિલ્લો) : પશ્ચિમ બંગાળ રાજ્યનો મધ્ય પૂર્વમાં આવેલો જિલ્લો. ભૌગોલિક સ્થાન : તે 23° 43´થી 24° 50´ ઉ. અ. અને 87° 49´થી 88° 46´ પૂ. રે. વચ્ચેનો 5,324 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. ઉત્તર તરફ તે ગંગા નદી દ્વારા માલ્દા જિલ્લાથી અલગ પડે છે. પૂર્વમાં બાંગ્લાદેશનો રાજશાહી જિલ્લો આવેલો છે. દક્ષિણે નાદિયા અને બર્ધમાન જિલ્લા આવેલા છે. પશ્ચિમ તરફ બીરભૂમ જિલ્લો આવેલો છે. મુર્શિદાબાદ તથા બીરભૂમ–બર્ધમાન જિલ્લાઓ વચ્ચે કોઈ પ્રાકૃતિક અવરોધ નથી, પરંતુ ગંગા નદી (અહીં તે પદ્મા નદીના નામથી ઓળખાય છે) તેની ઉત્તર અને પૂર્વ સરહદ રચે છે, તેથી માલ્દા અને રાજશાહી જિલ્લા અલગ પડી જાય છે. જલાંગી નદી તેને નાદિયાથી અલગ પાડે છે. જિલ્લાનું નામ મુર્શિદાબાદ, બંગાળના એક વખતના દીવાન મુર્શિદ કુલીખાને 1704માં ઢાકાથી મુર્શિદાબાદ ખાતે તત્કાલીન પ્રાંતનું મહેસૂલી મુખ્ય મથક ફેરવેલું, તેના પરથી પડેલું છે. મુર્શિદાબાદ શહેર મુસ્લિમ શાસન દરમિયાન બંગાળનું છેલ્લું પાટનગર રહેલું; પરંતુ પછીથી તે ભારતમાંના શરૂઆતના બ્રિટિશ સામ્રાજ્યનું જન્મસ્થળ બની રહેલું. બહેરામપુર આ જિલ્લાનું મથક છે, તે જિલ્લાની મધ્યમાં આવેલું છે. જિલ્લો ત્રિકોણ આકાર ધરાવે છે. તેનો શિખાગ્ર ભાગ વાયવ્ય તરફ આવેલો છે.
ભૂપૃષ્ઠ–જળપરિવાહ : આ જિલ્લો નીચલી ગંગા ખીણના મધ્ય ભાગમાં આવેલો છે. ભાગીરથીનો અહીંનો બધો જ ભાગ ઠીક ઠીક ઊંચાઈવાળો છે. રાજમહાલ ટેકરીઓની હારમાળાનો ઢોળાવ અહીં ક્રમશ: ઘટતો જાય છે. આ ઢોળાવોની પૂર્વીય સરહદ પર ભેખડો અને ઊભા, પહોળા ટેકરાઓ જોવા મળે છે. કેટલાક ટેકરાઓ પર સાલ અને મહ્તલાનાં વૃક્ષોનું આચ્છાદન પણ છે. અહીં ભૂપૃષ્ઠ અસમતળ છે અને નદીઓથી છેદાયેલું છે. નદીઓ ટેકરીઓમાંથી નીકળે છે અને ક્યારેક પૂર પણ લાવે છે. જિલ્લાની કુલ ભૂમિનો માત્ર 8 ચોકિમી. (0.15 %) જેટલો જ વિસ્તાર જંગલ-આચ્છાદિત છે. આ પૈકી 5.6 ચોકિમી.માં રક્ષિત જંગલો, 1.4 ચોકિમી.માં બિનવર્ગીકૃત જંગલો તથા 1 ચોકિમી.માં અનામત જંગલો આવેલાં છે. અહીં પુષ્કળ પ્રમાણમાં જરદાળુ તથા બાવળનાં વૃક્ષો જોવા મળે છે, લાકડાં તેમજ ઇંધન એ તેની મુખ્ય આર્થિક પેદાશો છે.
અહીં ભાગીરથી નદી ઉત્તરથી દક્ષિણ તરફ વહે છે અને જિલ્લાના બે લગભગ સરખા ભાગ પાડે છે. નદીનો પશ્ચિમ-તરફી બધો જ ભાગ રાઢ (Rarh) અને પૂર્વ તરફનો બધો જ ભાગ બાગરી (Bagri) કહેવાય છે. બાગરી વિભાગ નીચો, કાંપવાળો, ફળદ્રૂપ અને ભેજયુક્ત આબોહવાવાળો છે. પશ્ચિમી વિભાગનું ભૂપૃષ્ઠ પ્રમાણમાં ઊંચાઈવાળું છે, અસમતળ છે. જમીનો કઠણ માટીવાળી છે અને આબોહવા સૂકી છે. ગંગા, અને તેની શાખાનદીઓ ભાગીરથી, જલાંગી અને ભૈરવ વિશેષ ઉલ્લેખનીય છે. આ ઉપરાંત તેમની ઉપશાખાઓ બ્રાહ્મણી, મયૂરાક્ષી, કૂઈઆ, દ્વારકા પ્રમાણમાં નાની છે.
ખેતી–પશુપાલન : જિલ્લાનું અર્થતંત્ર ખેતી પર નિર્ભર છે. ઘઉં, કઠોળ, તેલીબિયાં, શણ, શેરડી, બટાટા, ડાંગર અહીંના મુખ્ય કૃષિપાકો છે. નદીઓનાં પાણી તેમજ નળકૂપ(ટ્યૂબવેલ)થી સિંચાઈ અપાય છે. ગાયો, ભેંસો અને ઘેટાંબકરાં અહીંનું મુખ્ય પશુધન છે.
ઉદ્યોગ–વેપાર : જિલ્લામાં આર્થિક રીતે ઉપયોગી એવાં કોઈ ખનિજો નથી. અહીંથી મળતા ટ્રૅપ-ખડકોના ટુકડા અને ગ્રિટ રેલવે-બૅલાસ્ટ અને માર્ગ બાંધકામમાં વપરાય છે. કાંપકાદવ અને માટી, ઈંટો અને નળિયાં બનાવવાના ઉપયોગમાં લેવાય છે. રેશમનો ઉદ્યોગ અહીંનો એકમાત્ર મહત્વનો ઉદ્યોગ ગણાય છે. મુર્શિદાબાદ (અને બીરભૂમ) જિલ્લો આખા બંગાળને રેશમના કોશેટા પૂરા પાડે છે. આ માટેની અસંખ્ય સહકારી મંડળીઓ અને ટ્રસ્ટો અહીં કાર્ય કરે છે. આ ઉપરાંત હાથીદાંત પરની કોતરણીનો ગૃહઉદ્યોગ પણ અહીં ખાગરા તથા જિયાગંજ ખાતે વિકસ્યો છે. રેશમી કાપડ અને વસ્ત્રો તેમજ હાથીદાંતમાંથી તૈયાર કરેલી લગભગ બધી જ ચીજવસ્તુઓની વિદેશોમાં નિકાસ થાય છે. પિત્તળ તેમજ મિશ્રધાતુઓનાં વાસણોનું, માટીનાં પાત્રોનું કામ તથા લુહારી-સુથારીકામ પણ ચાલે છે. અહીંથી કઠોળ, ડુંગળી, તેલીબિયાં અને શાકભાજીની જિલ્લા બહાર રાજ્યમાં નિકાસ થાય છે. હાથસાળની પેદાશો, ઊની વસ્ત્રો, પિત્તળનાં વાસણો, લોખંડની પેટીઓ અને બીડીઓનો વેપાર પણ ચાલે છે.
પરિવહન–પ્રવાસન : આ જિલ્લામાંથી કૉલકાતા–સિલિગુડીને જોડતો રાષ્ટ્રીય ધોરી માર્ગ નં. 34 પસાર થાય છે; આ ઉપરાંત રાજ્યના બે ધોરી માર્ગો તથા અન્ય ત્રણ માર્ગો પણ છે. તે બધા રાષ્ટ્રીય ધોરી માર્ગ સાથે જોડાયેલા છે. આ જિલ્લામાં ધાર્મિક મહત્ત્વનાં હિન્દુ મંદિરો, જૈન મંદિરો, ખ્રિસ્તી દેવળો અને મસ્જિદો આવેલાં છે. આ ઉપરાંત અહીં 18મી અને 19મી સદીનાં પુરાતત્વીય ર્દષ્ટિએ મહત્વ ધરાવતાં સ્થળો પણ છે. ડચ અને ફ્રેન્ચ કબ્રસ્તાનો અહીં ખંડિયેર હાલતમાં જોવા મળે છે. અલીવર્દીખાન અને સરફરાઝખાન વચ્ચે થયેલી 1740ની લડાઈનું સ્થળ તથા મીર કાસિમ અને અંગ્રેજો વચ્ચે થયેલી લડાઈનું સ્થળ પણ આ જિલ્લામાં આવેલાં છે. વારતહેવારે અહીં મેળા ભરાય છે તેમજ જુદા જુદા ઉત્સવો ઊજવાય છે.
વસ્તી : 2011 મુજબ આ જિલ્લાની વસ્તી 71,02,430 જેટલી છે. તે પૈકી પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા લગભગ સરખી છે. ગ્રામીણ અને શહેરી વસ્તીનું પ્રમાણ અનુક્રમે આશરે 90 % અને 10 % જેટલું છે. અહીં હિન્દુ-મુસ્લિમોની વસ્તી વિશેષ છે; જ્યારે ખ્રિસ્તી, જૈનો, શીખ અને બૌદ્ધધર્મીઓની વસ્તી ઓછી છે. જિલ્લામાં બંગાળી, હિન્દી અને ઉર્દૂ ભાષાઓ બોલાય છે. શિક્ષિતોનું પ્રમાણ 33 % જેટલું છે. મુર્શિદાબાદ ખાતે 14 જેટલી કૉલેજો છે. મુખ્ય નગરો ઉપરાંત 45 % ગામડાંઓમાં તબીબી સેવા ઉપલબ્ધ છે. વહીવટી સરળતા માટે જિલ્લાને 11 પોલીસ-મથકો અને 15 સમાજવિકાસ-ઘટકોમાં વહેંચેલો છે. જિલ્લામાં 18 નગરો અને 2,220 (299 વસ્તીવિહીન) ગામડાં આવેલાં છે.
ઇતિહાસ : મુર્શિદાબાદનો ઇતિહાસ પ્રાચીન અને સમૃદ્ધ છે. અહીં સાતમી સદીમાં કર્ણ-સુવર્ણ નામનું નગર હતું. ત્યાં બંગાળનો પ્રથમ સાર્વભૌમ રાજા શશાંક રાજ્ય કરતો હતો. ત્યારે કર્ણ-સુવર્ણ આ આખાય પ્રદેશનું મુખ્ય મથક હતું. રાજા શશાંક કર્ણ-સુવર્ણને પાટનગર રાખીને ગૌડ પ્રદેશનું શાસન કરતો હતો. મહાન ચીની પ્રવાસી હ્યુએનસાંગે ઈ. સ. 638માં બંગાળની મુલાકાત લીધી હતી. તે સમયે શશાંક મરણ પામ્યો હતો. કર્ણ-સુવર્ણ વિદ્યાનું કેન્દ્ર હતું અને ત્યાં અનેક બૌદ્ધ મઠ આવેલા હતા. શશાંકના મૃત્યુ બાદ કામરૂપ(આસામ)ના રાજા ભાસ્કરવર્માની સત્તા હેઠળ તે પ્રદેશ ગયો. આઠમીથી અગિયારમી સદી દરમિયાન પાલ વંશના ગોપાલ, ધર્મપાલ, દેવપાલ વગેરે અહીં રાજ્ય કરી ગયા. મુઘલ શાહજાદા મહમ્મદ અઝીમુદ્દીન 1697માં બંગાળનો ગવર્નર (સૂબો) બન્યો અને ડિસેમ્બર 1700માં મુર્શિદ કુલીખાન તેનો દીવાન બન્યો. પાછળથી તે સૂબેદાર બન્યો. તેણે બંગાળમાં સ્વતંત્ર વંશ સ્થાપ્યો અને નવાબ બન્યો. તેના નામ પરથી મુર્શિદાબાદ શહેર વસાવવામાં આવ્યું. ઈ. સ. 1773 સુધી તે બંગાળનું પાટનગર રહ્યું. 1740માં અલીવર્દીખાન બંગાળનો સ્વતંત્ર સુલતાન બન્યો. તેના પછી સુલતાન બનેલા સિરાજ-ઉદ્-દૌલાને 1757માં પ્લાસીની લડાઈમાં હરાવી અંગ્રેજો સત્તાધીશ બન્યા. લૉર્ડ ક્લાઇવે લખ્યું છે કે ‘આ શહેર લંડન જેટલા જ વિસ્તારવાળું અને એટલું જ સમૃદ્ધ છે. ફેરમાત્ર એટલો જ કે મુર્શિદાબાદમાં લંડન કરતાં ઘણી વધારે સંપત્તિવાળા લોકો રહે છે.’
ઇતિહાસમાં જેમનાં નામ કાયમ માટે અંકિત થયેલાં છે તે મીર જાફર અને મીર કાસિમ આ નગરના જ નવાબો હતા. ત્યાંનો નદીકિનારા પરનો જૂનો મહેલ નાશ પામ્યા બાદ 1829થી 1837 દરમિયાન નવાબ નઝીમ હુમાયૂં જોહે નવો મહેલ બંધાવેલો. ઇટાલિયન સ્થાપત્યશૈલી (ગૉથિક શૈલી) મુજબ બંધાયેલો, હજાર બારણાં ધરાવતો આ મહેલ હજારદ્વારી મહેલના નામથી તેમજ ‘નવાબનો મહેલ’ અથવા ‘નિઝામાત કિલ્લા’ના નામથી પણ ઓળખાય છે. નવાબબહાદુરના આ મહેલમાં પશ્ચિમ બંગાળમાં મોટામાં મોટો ગણાતો ઇમામવાડો, ત્રણ મસ્જિદો, કતરા મસ્જિદ અને કદમ શરીફનો પણ સમાવેશ થાય છે.
આ મહેલનું બાંધકામ જનરલ મેક્લાઉડ ડંકને કરેલું. આ વિશાળ અને ભવ્ય મહેલમાંનાં એક હજાર દ્વાર પૈકી બસો દ્વાર આભાસી હતાં. તેના બાંધકામ પાછળ તે જમાનામાં 19 લાખ રૂપિયા ખર્ચાયા હતા. ત્રણ માળની આ ઇમારતમાં 50 ખંડ અને 3 ગૅલરીઓ છે. વિશેષે કરીને તો તેમાં ફૉન ડાયેક, રાફાએલ અને જૉશુઆ રેનોલ્ડ્ઝ જેવા વિખ્યાત પાશ્ચાત્ય કલાકારોની મૂળ કૃતિઓ પણ મૂકેલી છે. તેના દરબારખંડમાં એક વિશાળ, આકર્ષક ઝુમ્મર છે તથા તેના દીવાને આમ અને દીવાને ખાસમાં ચાંદીનું બનેલું સિંહાસન, હાથીદાંતની ખુરશી તેમજ અન્ય મૂલ્યવાન ચીજવસ્તુઓ છે. આ ઉપરાંત સિરાજ-ઉદ્-દૌલાની તલવાર, નાદિરશાહની ઢાલ, ઔરંગઝેબની શાહજાદીની હાથીદાંતની પાલખી, ‘આઇને અકબરી’ની હસ્તપ્રતો, શાહજહાંની કમળના આકારની અંબાડી, સાત હજાર ગ્રંથો અને ત્રણ હજાર જેટલી હસ્તપ્રતો રાખવામાં આવેલી છે. આ કારણે આ મહેલ દેશવિદેશના પ્રવાસીઓ માટે આકર્ષણનું સ્થળ બની રહેલો છે.
નવાબબહાદુરના મહેલથી દક્ષિણ ભાગમાં આશરે 3 કિમી.ને અંતરે મુરાદબાગ (મુબારક મંજિલ) સહિત મોતી ઝીલ (પર્લ લેક) અને ખુશબાગ નામનું કબ્રસ્તાન આવેલાં છે. આ કબ્રસ્તાન મોતી ઝીલથી પશ્ચિમે 5 કિમી.ને અંતરે ભાગીરથી નદીના પશ્ચિમ કાંઠે આવેલું છે, તેમાં અલીવર્દીખાન અને તેના પૌત્ર સિરાજ-ઉદ્-દૌલાની કબરો છે. આ ઉપરાંત સિરાજ-ઉદ્-દૌલાની બેગમ લુત્ફ-ઉન્-નિસાની કબર પણ તેની બાજુમાં જ છે. પશ્ચિમ કાંઠા તરફ નગીનાબાગ અને રોશનીબાગ ખાતે સરફરાઝખાનની તેમજ તેના પિતા સુજાનખાનની કબરો આવેલી છે. નવાબબહાદુરના મહેલથી ઉત્તરે ત્રણ કિમી.ને અંતરે જફરગંજ ખાતે આવેલા નિઝામાત કબ્રસ્તાનમાં મીર જાફરથી માંડીને હુમાયૂનશાહની તેમજ મીર જાફરની બેગમની અને અન્ય બેગમોની કબરો આવેલી છે.
પલાશનાં ફૂલોની ખેતીને કારણે બંગાળી ભાષામાં ‘પલાશી’ તરીકે ઓળખાતા આ સ્થાન પર જ પ્લાસીનું યુદ્ધ થયેલું, જેમાં લૉર્ડ ક્લાઇવે માત્ર 125 સૈનિકોની મદદથી સિરાજ-ઉદ્-દૌલાના 10,000ના સૈન્યને હરાવેલું. 1858થી બ્રિટિશ તાજ હેઠળ આવ્યા બાદ, 1947 ઑગસ્ટમાં તેને સ્વતંત્રતા મળી.
મુર્શિદાબાદ (શહેર) : પશ્ચિમ બંગાળ રાજ્યના મુર્શિદાબાદ જિલ્લાનું શહેર. તે બહેરામપુર તરીકે પણ ઓળખાય છે. ભૌગોલિક સ્થાન : 24° 11´ ઉ. અ. અને 88° 16´ પૂ. રે. તે ભાગીરથી નદીના પૂર્વ કાંઠે વસેલું છે. તે કૉલકાતાથી આશરે 200 કિમી. અંતરે આવેલું છે. તે ખેતીની પેદાશોના વેપારનું તથા રેશમ-વણાટનું મથક છે. આ શહેર તેની ભવ્ય ઇમારતો માટે તથા હાથસાળની સાડીઓ માટે જાણીતું બનેલું છે.
સોળમી સદીમાં મુઘલ શહેનશાહ અકબરે તેની સ્થાપના કરેલી, તે વખતે તેનું નામ મકસૂદાબાદ હતું. પરંતુ 1704માં ઔરંગઝેબના આદેશ અનુસાર નવાબ મુર્શિદ કુલીખાને ઢાકા ખાતેના પાટનગરના સ્થાનને ખેસવીને અહીં પાટનગર સ્થાપેલું અને તેને મુર્શિદાબાદ નામ આપેલું. બ્રિટિશ હકૂમત હેઠળ 1790 સુધી તે પાટનગર તરીકે રહેલું. આ નગર મુર્શિદાબાદના છેલ્લા નવાબબહાદુરનું નિવાસી મથક રહેલું.
1869માં આ નગરમાં મ્યુનિસિપાલિટીની સ્થાપના થયેલી. પૂર્વ વિભાગની રાણાઘાટ-મુર્શિદાબાદ રેલવે લાલગોલાથી મુર્શિદાબાદ થઈને દક્ષિણ તરફ જાય છે. મુર્શિદાબાદમાં કલકત્તા યુનિવર્સિટી સંલગ્ન 14 જેટલી કૉલેજો આવેલી છે. 1991 મુજબ મુર્શિદાબાદની વસ્તી 1,26,303 જેટલી છે. આ નગર ભૂતકાળમાં જ્યારે સમૃદ્ધિથી ભરપૂર હતું ત્યારે તે ઉચ્ચ કક્ષાના રેશમ માટે ખૂબ જાણીતું હતું. નગરની નજીકમાં કાસિમ બજારનું વ્યાપારી મથક છે.
મહેબૂબ દેસાઈ
ગિરીશભાઈ પંડ્યા
બાળકૃષ્ણ માધવરાવ મૂળે
જયકુમાર ર. શુક્લ