મુર્મૂ, દ્રોપદી (જ. 20 જૂન 1958, મયૂરભંજ, ઓડિશા) : આઝાદી પછી જન્મેલ સૌથી નાની વયના આદિવાસી સમુદાયના પ્રથમ અને ભારતના 15મા રાષ્ટ્રપતિ.

દ્રૌપદી મુર્મુનો જન્મ સંથાલી આદિવાસી પરિવારમાં થયો હતો. પિતાનું નામ બિરંચી નારાયણ ટુડુ. પિતા અને દાદા ગ્રામપરિષદ(ગ્રામપંચાયત)ના પરંપરાગત વડા(નિયુક્ત સરપંચ) હતા. તેમના પરિવારે તેમનું નામ પુતિ ટુડુ રાખ્યું હતું પરંતુ તેમની શાળાના શિક્ષકે તેમનું નામ બદલીને દ્રૌપદી કર્યું હતું. તેમણે ઉપરબેડાની સ્થાનિક પ્રાથમિક શાળામાં અભ્યાસ કર્યો હતો. તેઓ ઉચ્ચ અભ્યાસ માટે ભુવનેશ્વર ગયાં. તેમણે ગર્લ્સ હાઈસ્કૂલ યુનિટ-2માંથી માધ્યમિક શિક્ષણ પૂર્ણ કર્યું અને રમા દેવી મહિલા કૉલેજમાંથી બી.એ.ની પદવી મેળવી. કૉલેજ શિક્ષણ મેળવનારાં તેઓ ગામના પ્રથમ મહિલા બન્યાં. તેમણે 1980માં શ્યામ ચરણ મુર્મુ સાથે લગ્ન કર્યાં. તેમને બે પુત્રો અને એક પુત્રી છે. 2009થી 2014 સુધીમાં તેમણે પતિ, બે પુત્રો, માતા અને ભાઈ ગુમાવ્યાં.

 

દ્રોપદી મુર્મૂ

રાજકારણમાં પ્રવેશતાં પહેલાં તેમણે 1979થી 1983 સુધી રાજ્ય સિંચાઈ અને ઊર્જા વિભાગમાં ક્લાર્ક તરીકે અને પછી 1994થી 1997 સુધી રાયરંગપુરની શાળા શ્રી ઓરોબિંદો ઇન્ટિગ્રલ એજ્યુકેશન ઍન્ડ રિસર્ચ સેન્ટરમાં શિક્ષક તરીકે કામ કર્યું. તેઓ 1997માં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયાં અને રાયરંગપુર નગર પંચાયતના કાઉન્સિલર તરીકે ચૂંટાયાં. 2000માં તેઓ રાયરંગપુર નગર પંચાયતના અધ્યક્ષ બન્યાં. તેમણે રાયરંગપુર વિધાનસભા મતવિસ્તારમાંથી 2000માં ઓડિશા વિધાનસભાની ચૂંટણી જીતી હતી અને 2000થી 2009સુધી ધારાસભ્ય રહ્યાં. કેન્દ્રમાં અટલ બિહારી વાજપેયીની સરકાર બની હતી એ જ અરસામાં ઓડિશામાં બીજુ જનતા દળ અને ભાજપના ગઠબંધનમાં સરકાર રચાઈ હતી. પટનાયકની સરકારમાં તેઓ 6 માર્ચ, 2000થી 6 ઑગસ્ટ, 2002 સુધી વાણિજ્ય અને વાહનવ્યવહારના સ્વતંત્ર હવાલા સાથે મંત્રી રહ્યાં. 6 ઑગસ્ટ, 2002થી 16 મે, 2004 સુધી મત્સ્યોદ્યોગ અને પશુ સંસાધન વિકાસના રાજ્ય મંત્રી હતા.. તેમને ઓડિશા વિધાનસભા ગૃહની સમિતિઓ અને સ્થાયી સમિતિઓ સહિત વિવિધ સમિતિઓના સભ્ય તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યાં હતાં. તેમણે કેટલીક સમિતિઓની અધ્યક્ષતા પણ કરી હતી. 2002થી 2009 અને 2013થી 2015 એમ બે કાર્યકાળ સુધી તેઓ આદિવાસી મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીનાં સભ્ય હતાં. તેમણે આદિવાસી સમાજમાં શિક્ષણ ફેલાવવાના પ્રયત્નો કર્યા હતાં.

તેઓ ભાજપ અનુસૂચિત જનજાતિ મોરચાના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ હતાં.. તેઓ 2015થી 2021 સુધી ઝારખંડના 8મા રાજ્યપાલ હતાં. તે ઝારખંડના પ્રથમ મહિલા રાજ્યપાલ, આદિવાસી રાજ્યની પ્રથમ આદિવાસી રાજ્યપાલ, ડિશામાં જન્મેલાં પ્રથમ મહિલા રાજ્યપાલ અને ઝારખંડના રાજ્યપાલનો કાર્યકાળ સફળતાપૂર્વક પૂર્ણ કરનાર પ્રથમ વ્યક્તિ છે.

         દ્રૌપદી મુર્મુએ 25 જુલાઈ, 2022ના રોજ ભારતના 15મા રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા હતાં. તેઓ ભારતના આદિવાસી સમુદાયમાંથી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયેલાં અને ભારતની આઝાદી પછી જન્મેલ સૌથી નાની વયની પ્રથમ વ્યક્તિ છે.

ધારાસભ્ય તરીકેની તેમની સેવાઓ માટે તેમને ઓડિશા વિધાનસભા દ્વારા 2007માં પંડિત નીલકંઠ દાસ – ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો. 5 જૂન 2023ના રોજ તેમને સુરિનામનું સર્વોચ્ચ નાગરિક સન્માન ‘ઓનરરી ઓર્ડર ઑફ ધ યલો સ્ટાર’ એનાયત કરવામાં આવ્યું છે.

અનિલ રાવલ

હર્ષ મેસવાણિયા