મુનિ સુવ્રતસ્વામી : જૈન પરંપરાના વીસમા તીર્થંકર. સ્થાનાંગ, સમવાયાંગ અને ભગવતીસૂત્રમાં તેમજ આગમિક ટીકાસાહિત્યમાં તેમની અલ્પ માહિતી મળે છે.

‘ચઉપન્નમહાપુરિસચરિયં’માં તેમનું સંક્ષિપ્ત ચરિત્ર મળે છે. તેમાં તેમના તીર્થંકર ભવનું નિરૂપણ છે. પ્રાણતકલ્પમાંથી ચ્યવન પામીને તેઓ ભરતક્ષેત્રની રાજગૃહ નગરીમાં સુમિત્ર રાજા અને પદ્માવતી રાણીના પુત્ર રૂપે જન્મ્યા. કાળક્રમે લગ્ન કરી, રાજ્યનું પાલન કરતા હતા. એક વાર સંસારનું સ્વરૂપ જાણી તેમને વૈરાગ્ય ઊપજ્યો અને તેમણે પ્રવ્રજ્યા લીધી. 11 મહિના પછી તેમને કેવળજ્ઞાન થયું. ધર્મોપદેશ આપતાં, વિહાર કરતાં કરતાં તેઓ ભરૂચ પહોંચ્યા. ત્યાં તેમના પૂર્વજન્મનો મિત્ર સાગરદત્ત કે જે ભરૂચના રાજા જિતશત્રુનો પટ્ટઅશ્વ હતો તેને પ્રતિબોધ આપ્યો. જાતિસ્મરણજ્ઞાનથી પ્રતિબોધ પામી નવકારસ્મરણ કરતાં મૃત્યુ પામીને તે અશ્વદેવ બન્યો. આ સ્થળ પાછળથી અશ્વાવબોધતીર્થ તરીકે પ્રસિદ્ધ થયું. આ જ તીર્થમાં શકુનિકાવિહાર બંધાયો, જેના અનેક ઉલ્લેખ પ્રાકૃત કથાસાહિત્યમાં મળે છે. આજે પણ શકુનિકાવિહારના અવશેષો ભરૂચમાં જળવાયેલા છે.

દિગમ્બર-પરંપરાના મહાપુરાણમાં મુનિ સુવ્રતસ્વામીના ત્રણ ભવો વર્ણવાયેલા છે. પ્રથમ ભવમાં તેઓ ચંપાપુરીમાં હરિવર્મા નામે રાજા હતા. એક વાર અનન્તવીર્ય મુનિ પાસેથી ઉપદેશ સાંભળી પ્રવ્રજિત બન્યા. તપ-સાધના કરી પ્રાણતકલ્પમાં ઇન્દ્ર રૂપે ઉત્પન્ન થયા. ત્યાંથી ચ્યવન પામીને રાજગૃહ નગરીમાં સુમિત્ર રાજા અને સોમા રાણીના પુત્ર તરીકે અવતર્યા. કાળક્રમે યુવાન બની રાજ્યની ધુરા સંભાળી. એક વાર તેમના યજ્ઞહસ્તીને વનનું સ્મરણ થતાં તેણે ભોજનનો ત્યાગ કર્યો. મુનિ સુવ્રતસ્વામીએ અવધિજ્ઞાનથી તેના મનની વાત જાણી અને તેનો પૂર્વભવ લોકો સમક્ષ વર્ણવ્યો. હાથીને જાતિસ્મરણજ્ઞાન થયું અને તેણે સંયમ ધારણ કર્યો. આ જોઈ સુવ્રતસ્વામીને જ્ઞાન થયું. દીક્ષા લીધા પછી 11 મહિના પસાર થતાં તેમને કેવળજ્ઞાન થયું. ધર્મોપદેશ કરી પારસનાથ પર્વત પર યથાકાળ નિર્વાણ પામ્યા.

સંસ્કૃત-પ્રાકૃત સાહિત્યમાં સુવ્રતસ્વામીવિષયક જે કૃતિઓ રચાઈ છે તેમાં શ્રીચન્દ્રસૂરિકૃત પ્રાકૃતભાષાબદ્ધ ‘મુનિસુવ્વયસામીચરિયં’ નોંધપાત્ર પણ છે. અગિયાર હજાર ગાથા પ્રમાણ ધરાવતી આ કૃતિમાં મુનિ સુવ્રતસ્વામીના નવ ભવનું વર્ણન અનેક અવાંતર કથાઓ સાથે કરવામાં આવ્યું છે.

જૈન પરંપરા અનુસાર મુનિ સુવ્રતસ્વામી અને નમિસ્વામીના આંતરામાં રામ-લક્ષ્મણ ઉત્પન્ન થયા હતા.

કૃષ્ણદાસ નામના કવિએ ઈ. સ. 1624માં ‘મુનિસુવ્રતપુરાણ’ નામનું પુરાણ 22 અધ્યાયોમાં વહેંચાયેલા 3,025 શ્લોકોનું બનેલું રચ્યું છે, જેમાં મુનિ સુવ્રતની કથા મુખ્ય છે; પરંતુ બીજાં અનેક ઉપાખ્યાનોનો પણ તેમાં સમાવેશ થયો છે.

સલોની નટવરલાલ જોશી