મુનિશ્રી સંતબાલજી (જ. 26 ઑગસ્ટ 1904, ટોળ, ટંકારા, તા. મોરબી; અ. 26 માર્ચ 1982) : હિંદુ, બૌદ્ધ, જૈન, ઇસ્લામ, ખ્રિસ્ત અને જરથુષ્ટ્રનાં ષડ્દર્શનનો ગુણાત્મક સમન્વય કરનાર સમાજસેવક. માતા મોતીબાઈ અને પિતા નાગજીભાઈ. મૂળ નામ શિવલાલ. તેઓ પાંચ વર્ષની ઉંમરના હતા ત્યારે પિતાનું અવસાન. સાત ગુજરાતી સુધીનો અભ્યાસ. પૈસા કમાવા મુંબઈ ગયા.

સંતબાલજીના ગુરુ પૂ. નાનચંદ્રજી. સંતબાલજી તેમનાં માનવતાવાદી પ્રવચનોથી આકર્ષાયા. પરિણામે સંતબાલજીએ પોતાનું જીવન તેમનાં ચરણોમાં ધરી દેવાની માગણી મૂકી. તેમણે સં. 1985માં ભાગવતી દીક્ષા અંગીકાર કરી અને નામ રાખ્યું સૌભાગ્યચંદ્ર. પ્રાકૃત, સંસ્કૃત અને જૈન દર્શન ઉપરાંત ન્યાયપ્રમાણનો તથા અંગ્રેજીનો પણ અભ્યાસ કર્યો. ઈ. સ. 1932માં કચ્છ, ગુજરાત અને સૌરાષ્ટ્રમાં શતાવધાનના સફળ પ્રયોગો કરીને શ્રીમદ્ રાજચંદ્રની સ્મૃતિને તાજી કરી.

મુનિશ્રી સંતબાલજી

અજમેરમાં ભરાયેલી જૈન કૉન્ફરન્સમાં તેમણે શતાવધાનના સફળ પ્રયોગો કર્યા. પરિણામે આર્યસમાજે તેમને ‘ભારતરત્ન’નો ઇલકાબ આપ્યો.

શંકરાચાર્ય, માર્ટિન લ્યૂથર, દયાનંદ સરસ્વતી, ધર્મપ્રાણ લોંકા શાહ અને ગાંધીજીની ધર્મક્રાંતિથી આકર્ષાઈ તેમણે ધર્મપ્રાણ લોંકા શાહની લેખમાળા પ્રગટ કરવા માંડી. તેના કારણે તેમના ગુરુ નાનચંદ્રજીને ઘણું સહન કરવું પડ્યું. પરિણામે તેમણે નર્મદાના કાંઠે સમૌન એકાંતવાસ સેવ્યો. સંતબાલજીને આત્મતત્વની અનુભૂતિ ર્દઢ થતી લાગી તેમ તેમ તેમને મત, ગચ્છ, પંથ અને સંપ્રદાયના વાડા સાંકડા લાગવા માંડ્યા. સ્થાનકવાસી જૈન સંપ્રદાયે તેમને છૂટા કર્યા. સંપ્રદાયથી છૂટા થયા પછી તેમણે ભાલ-નળકાંઠાના વિસ્તારમાં પ્રાયોગિક સંઘની રચના કરી, જેના પરિણામે ત્યાં ખાદી, ખેતી, ગોપાલન અને નઈ તાલીમ જેવી જુદી જુદી પ્રવૃત્તિઓ ચાલે છે.

ભાલ-નળકાંઠા પ્રાયોગિક સંઘની વિશિષ્ટતા એ છે કે ખેડૂતમંડળ, ગોપાલકમંડળ જેવાં નૈતિક ગ્રામસંગઠનો દ્વારા તે લોકશક્તિ નિર્માણ કરવાનું કાર્ય કરે છે.

સંતબાલજીએ સત્-સાહિત્ય અર્થે ‘વિશ્વવાત્સલ્ય’ પાક્ષિક પણ પ્રગટ કર્યું હતું. વળી મહાવીર સાહિત્ય પ્રકાશન મંદિર દ્વારા તેમણે શ્રી ઉત્તરાધ્યયન, શ્રી દશવૈકાલિક અને શ્રી આચારાંગસૂત્રના અનુવાદનું તેમજ અન્ય પથ્ય સાહિત્ય પણ પ્રગટ કર્યું હતું. મુનિ સૌભાગ્યચંદ્ર ત્યારપછી ‘સંતબાલ’ના નામે ઓળખાવા લાગ્યા.

ચીંચણી (જિ. થાણા, મહારાષ્ટ્ર)માં રહીને મહાવીરનગરને એમના અનુબંધના પ્રયોગનું કેન્દ્ર તેમણે બનાવ્યું. સાધુ, સંત અને સેવકનું સંકલન કરી તેમને સેવા માટે પ્રોત્સાહન પૂરું પાડ્યું. વળી વિશ્વવાત્સલ્ય પ્રાયોગિક સંઘ દ્વારા સ્ત્રીઓના સર્વાંગીણ વિકાસ માટે માતૃસમાજને માર્ગદર્શન પણ આપ્યું.

નલિની દેસાઈ