મુની, પોલ (જ. 22 સપ્ટેમ્બર 1895, લૅમ્બર્ગ, ઑસ્ટ્રિયા; અ. 25 ઑગસ્ટ 1967) : 1930ના દાયકામાં સશક્ત અભિનય દ્વારા મહાપુરુષોને પડદા પર જીવંત કરીને હૉલિવુડમાં ચરિત્રાત્મક ચિત્રોનો દોર શરૂ કરનાર યહૂદી અભિનેતા. ‘અનેક ચહેરા ધરાવતા માણસ’ તરીકે ખ્યાતિ મેળવનાર પોલ મુનીએ કલાકાર માતા-પિતા પાસેથી અભિનયનો વારસો મેળવ્યો હતો. સાત વર્ષના હતા ત્યારે પરિવાર ન્યૂયૉર્ક જઈને વસ્યો હતો. તેમણે અભિનયકારકિર્દીનો આરંભ ન્યૂયૉર્કમાં નાની વયે યિદ્દિશ નાટકોથી કર્યો હતો. નાની ઉંમરે જ તેમણે મોટી વયનાં પાત્રો સરળતાથી ભજવવા માંડ્યાં હતાં. માત્ર 12 વર્ષની ઉંમરે તેમણે 60 વર્ષના વૃદ્ધની ભૂમિકા ભજવી હતી. 1926માં બ્રૉડવેના ‘વી અમેરિકન્સ’ નાટકે તેમને એટલી ખ્યાતિ અપાવી કે ટ્વેન્ટિયેથ સેન્ચુરી ફૉક્સ કંપનીએ પોતાનાં ચિત્રોમાં કામ કરવા તેમની સાથે કરાર કર્યા. 1929માં પ્રથમ ચિત્ર ‘ધ વૅલિયન્ટ’માં તેમનો એવો ઉત્તમ અભિનય હતો કે ઑસ્કર ઍવૉર્ડ માટે તેમને નામાંકન મળ્યું હતું. બીજા ચિત્ર ‘સેવન ફૉર્સિઝ’માં તેમણે સાત વિવિધ ભૂમિકાઓ ભજવી હતી. 1932માં પ્રદર્શિત ‘સ્કારફેસ’ ચિત્રની સફળતાએ તેમને હૉલિવુડમાં સ્થાપિત કરી દીધા. આ ચિત્રમાં તેમણે એક કુખ્યાત ગૅંગલીડર અલ કેપૉનના જીવન પર આધારિત પાત્ર ભજવ્યું હતું. એ જ વર્ષે ‘આઇ ઍમ એ ફ્યૂજિટિવ ફ્રૉમ એ ચેઇન ગૅંગ’ ચિત્ર માટે તેમને બીજી વાર ઑસ્કરનું નામાંકન મળ્યું હતું.

વૉર્નર બ્રધર્સ કંપની સાથે તેઓ જોડાયા બાદ ‘વર્લ્ડ ચેન્જિઝ’ ચિત્રે તેમને આંતરરાષ્ટ્રીય ખ્યાતિ અપાવી હતી. 1936માં ‘ધ સ્ટોરી ઑવ્ લુઈ પાશ્ચર’ ચિત્રમાં ઉત્કૃષ્ટ અભિનય બદલ પોલ મુનીને શ્રેષ્ઠ અભિનેતાનો ઑસ્કર ઍવૉર્ડ મળ્યો હતો. આ ચિત્રની સફળતા પછી વૉર્નર બ્રધર્સે વધુ એક ચરિત્રાત્મક ચિત્ર બનાવવાની હામ ભીડી અને 1937માં ‘લાઇફ ઑવ્ એમિલ ઝોલા’નું નિર્માણ કર્યું. પોલ મુનીએ આ મહાન સુધારાવાદી લેખકની ભૂમિકાને પણ ખૂબ સુંદર ન્યાય આપ્યો. આ ભૂમિકા માટે પણ તેમને ઑસ્કર નામાંકન મળ્યું હતું.

પોલ મુની

જે પાત્ર તેઓ ભજવવાના હોય તેના વિશે એટલો બધો અભ્યાસ કરતા કે કૅમેરા સામે તેઓ પોતાની જાતને એ પાત્રમાં ઓગાળી દેતા. 1937માં ‘ધ ગુડ અર્થ’માં તેમણે એક ચીની ખેડૂતની ભૂમિકા ભજવતાં પહેલાં થોડા મહિના ચીનમાં ત્યાંના ખેડૂતો સાથે ગાળ્યા હતા. આ ભૂમિકાને પણ સમીક્ષકોએ મુક્ત કંઠે વખાણી હતી. 1939માં ‘જુઆરેઝ’ ચિત્રમાં તેમણે મેક્સિકોમાં લોકશાહીની સ્થાપના કરવામાં મહત્વની ભૂમિકા ભજવનાર જુઆરેઝને પડદા પર પેશ કર્યા હતા. ‘વી આર નૉટ અલોન’ પછી તેઓ વૉર્નર બ્રધર્સથી જુદા થઈ ગયા હતા. તેમણે કેટલીક ટીવી શ્રેણીઓનું પણ નિર્માણ કર્યું હતું. 1944માં ‘એ સાગ ટુ રિમેમ્બર’ ચિત્રમાં તેમણે પોલિશ સંગીતકાર ફ્રેડરિક શોપાંના ગુરુની ભૂમિકા ભજવી હતી. તેમના આખરી ચિત્ર ‘ધ લાસ્ટ ઍન્ગ્રી મૅન’(1959)માં તેમની ભૂમિકા ગરીબ વસ્તીમાં સેવારત તબીબની હતી. આ ભૂમિકા બદલ પણ તેમને ઑસ્કર માટે નામાંકન મળ્યું હતું.

નોંધપાત્ર ચિત્રો : ‘ધ વૅલિયન્ટ’, ‘સેવન ફૉર્સિઝ’ (1929), ‘સ્કારફેસ’, ‘આઇ ઍમ એ ફ્યૂજિટિવ ફ્રૉમ એ ચેઇન ગૅંગ’ (1932), ‘ધ વર્લ્ડ ચેન્જિઝ’ (1933), ‘હાઇનેલી’ (1934), ‘બૉર્ડરટાઉન’, ‘બ્લૅક ફ્યુરી’, ‘ડૉ. સૉક્રેટીસ’ (1935), ‘ધ સ્ટોરી ઑવ્ લુઇ પાશ્ચર’ (1936), ‘ધ ગુડ અર્થ’, ‘ધ વુમન આઇ લવ’, ‘ધ લાઇફ ઑવ્ ઍમિલ ઝોલા’ (1937), ‘જુઆરેઝ’, ‘વી આર નૉટ અલોન’ (1939), ‘હડસન્સ બે’ (1941), ‘ધ કમાન્ડોઝ સ્ટ્રાઇક ઍટ ડૉન’, ‘સ્ટેજ ડૉર કૅન્ટીન’ (1943), ‘અ સોંગ ટુ રિમેમ્બર’, ‘કાઉન્ટર એટૅક’ (1945), ‘એન્જલ ઑન માય શોલ્ડર’ (1946), ‘ધ લાસ્ટ ઍન્ગ્રી મૅન’ (1959).

હરસુખ થાનકી