મુખોપાધ્યાય, શીર્ષેન્દુ (જ. 2 નવેમ્બર 1935, જિ. મૈમનસિંગ, હવે બાંગ્લાદેશમાં) : બંગાળી સાહિત્યકાર. તેમની નવલકથા ‘માનવજમિન’ને ભારતીય સાહિત્ય અકાદમીનો 1989ના વર્ષનો ઍવૉર્ડ મળ્યો હતો. તેમણે કલકત્તા યુનિવર્સિટીમાંથી એમ.એ.ની ડિગ્રી મેળવ્યા પછી કૉલકાતાની કાલીઘાટ ઓરિયેન્ટલ એકૅડેમીમાં શિક્ષક તરીકેની કારકિર્દીનો પ્રારંભ કર્યો. ત્યારપછી ‘દેશ’ સાપ્તાહિકના મદદનીશ સંપાદક તરીકે જોડાયા.
તેમણે લેખન-કારકિર્દીનો પ્રારંભ 1959માં ટૂંકી વાર્તાથી કર્યો. તેમની પ્રથમ નવલકથા ‘ઘુણપોકા’ 1967માં પ્રગટ થઈ અને અંગ્રેજી સહિત 14 ભાષાઓમાં તેનો અનુવાદ થયો. વિપુલ લેખનકાર્ય કરનારા આ સાહિત્યકારે 38 નવલકથાઓ, 12 બાળનવલકથાઓ તથા ટૂંકી વાર્તાના 16 સંગ્રહો પ્રગટ કર્યાં છે. તેમની 9 નવલકથાઓ પરથી ફિલ્મ અને એક નવલકથા પરથી ટીવી ફિલ્મનું નિર્માણ થયું છે. ‘ગોટનગર બક્ષો’ પરથી બનતી ફિલ્મનું દિગ્દર્શન અર્પણા સેન કરી રહ્યાં છે. તેમને મળેલાં સન્માનોમાં આનંદ પુરસ્કાર (1973 અને ’76 એમ બે વાર), વિદ્યાસાગર ઍવૉર્ડ (1975) અને ભુવાલકા ઍવૉર્ડ (1988), બંગ વિભૂષણ ઍવૉર્ડ (2012) મુખ્ય છે.
તેમની પુરસ્કૃત નવલકથાનો ઘણી વાર ‘આધુનિક મહાકાવ્ય’ તરીકે ઉલ્લેખ થાય છે. લેખકે તેમાં બહુવિધ વિષયો તથા પાત્રોને ખૂબ કૌશલ્યપૂર્વક ગૂંથી લીધાં છે. તેમની શૈલીમાં વ્યાપકતા તથા કાવ્યાત્મકતાની સાથોસાથ ગાંભીર્ય તેમજ નિર્મમતા જોવા મળે છે. માનવ-અસ્તિત્વની સમસ્યા વિશેની તીવ્ર મથામણ, તેમના કથાવિષયનો બહોળો અવકાશ અને લખાવટનાં જોમ અને તરવરાટ જેવી ખાસિયતોને કારણે બંગાળી કથાસાહિત્યમાં આ કૃતિ અનોખું સ્થાન પામી છે.
મહેશ ચોકસી