મુખોપાધ્યાય, શૈલજાનંદ

February, 2002

મુખોપાધ્યાય, શૈલજાનંદ (જ. 1900; અ. 1976) : તેમનો જન્મ બર્દવાન જિલ્લાના અંડાલ ગામમાં થયો હતો. વાર્તાકાર. પશ્ચિમ બંગાળના ખાણ-ઉદ્યોગના શહેરમાં કાઝી નજરુલ ઇસ્લામના સહાધ્યાયી અને મિત્ર હતા. તેઓ રેજિમેન્ટમાં ભરતી થવા નજરુલની જેમ જ એક વાર ઘરમાંથી નાસી ગયા હતા. બંનેએ આરંભની સાહિત્યિક યાત્રા સાથે શરૂ કરી.

શૈલજાનંદ મુખોપાધ્યાય

નિશાળના અભ્યાસકાળ દરમિયાન શૈલજાનંદને પદ્યરચનાઓમાં રસ હતો, નજરુલને ગદ્ય-વાર્તાઓમાં. પછી બંનેનાં રસનાં ક્ષેત્રો બદલાઈ ગયાં. શૈલજાનંદની શરૂઆતની વાર્તાઓ ‘આમેર મંજરી’ (1923) પુસ્તકમાં સંગૃહીત થઈ છે. તેમાં 2 મુસલમાન પરિવારોની ઝાંખી મળે છે. તે પછી, લેખકને કૉલકાતામાં થયેલા અનુભવો ‘ધ્વંસપથેર યાત્રી ઓરા’ જેવી પરવર્તી વાર્તાઓમાં સશક્ત અને ચોટદાર શૈલીમાં આલેખાયા છે.

શૈલજાનંદ પોતાના નગરની પાસે આવેલી કોલસાની ખાણોના મજૂરોના જીવનનું આલેખન કરતી વાર્તાઓ દ્વારા પહેલી વાર સમજદાર વાચકો સમક્ષ ઉપસ્થિત થયા. 1923થી 1925 સુધી ‘પ્રવાસી’, ‘કલ્લોલ’, ‘બંગવાણી’, ‘બિજલી’ જેવાં સામયિકોમાં આ વાર્તાઓ પ્રકટ થતી રહી. ‘કયલા કુઠિ’ (1930) અને ‘દિનમજૂર’ (1932) પુસ્તકોમાં સંગૃહીત આ વાર્તાઓ બંગાળી સાહિત્યમાં માત્ર તેના જીવંત વાસ્તવવાદ અને વેદનાસભર ટ્રૅજેડીને કારણે નહિ, પરંતુ પહેલી વાર જાનપદી કથાસાહિત્યનું પ્રચલન શરૂ કરવાને લીધે સીમાચિહ્નરૂપ લેખાઈ છે. વાર્તાઓમાં વિષયવસ્તુ વ્યક્તિગત અનુભવ કે સાચી જાણકારીમાંથી લેવામાં આવ્યું છે. વળી તેના પર કોઈ ભાવનાત્મક આરોપણ થયું નથી. તે પ્રામાણિકતાથી પ્રકટ થતું રહ્યું છે. વસ્તુ અને નિરૂપણની વચ્ચે આવીને લેખક ક્યાંય બાધા ઊભી કરતા નથી. ‘પૌષપાર્વણ’ (1931), ‘સતી-અસતી’ (1933), ‘નારીજન્મ’ (1934) વગેરે સંગ્રહોમાંની મુખોપાધ્યાયની વાર્તાઓ ઉત્તમ છે. તેમની ‘જોયાર-ભાટા’ (1924), ‘અનાહૂત’ (1927), ‘અનિવાર્ય’ (1931) જેવી લઘુનવલો થોડી નબળી છે, પણ ‘સોલો-આના’ (1925) તેમાં અપવાદ છે. જોકે તે પ્રચલિત અર્થમાં નવલકથા નથી. તેમાં પશ્ચિમ બંગાળના ગ્રામદેવતાના વાર્ષિક તહેવારની આજુબાજુ ગૂંથાયેલા ગ્રામીણ જીવનનું ચિત્રણ છે. તે જીવન ગંદું છે, છતાં વાસ્તવિક અને ધબકતું છે. કોઈ તથ્યો કે વાસ્તવને અહીં ઢાંકવામાં નથી આવ્યાં કે નથી તેનું અતિશયોક્તિભર્યું નિરૂપણ કરવામાં આવ્યું. એમની આત્મકથાનું નામ છે : ‘જે કથા બોલા હોય ની’ (1968). એમણે ‘એ તો જીવન શાંતિ’ (1946) ઓરિયા ફિલ્મ ‘લખમી’ (1962), ‘રૂપ સનાતન’ (1915) અને ‘આનંદ આશ્રમ’(1977)ની સ્ક્રીપ્ટ લખી હતી.

‘કાલિકમલ’ (1926) સામયિકની સ્થાપના શૈલજાનંદે પ્રેમેન્દ્ર મિત્ર અને મુરલીધર બસુ સાથે કરી હતી.

અનિલા દલાલ