મુખોપાધ્યાય, પ્રભાતકુમાર

February, 2002

મુખોપાધ્યાય, પ્રભાતકુમાર (જ. 3 ફેબ્રુઆરી 1873, ધાત્રીગ્રામ, જિ. વર્ધમાન; અ. 5 એપ્રિલ 1932) : જાણીતા બંગાળી નવલકથાકાર અને વાર્તાકાર. તેમણે 1888માં જમાલપુર એચ. ઈ. સ્કૂલમાં પ્રવેશ-(એન્ટ્રન્સ) પરીક્ષા પસાર કરી તથા બિહારની પટણા કૉલેજમાં ઉચ્ચ શિક્ષણ લીધું. પછી કલકત્તા યુનિવર્સિટીમાંથી 1895માં સ્નાતકની પદવી મેળવી. થોડો વખત ભારત સરકારની નોકરીમાં જોડાયા. 1901માં ઇંગ્લૅન્ડ ગયા અને 1903માં બાર-ઍટ-લૉની પદવી મેળવી ભારત પાછા ફર્યા. દાર્જિલિંગ, રંગપુર અને ગયા ખાતે 1916 સુધી તેમણે વકીલાત કરી. પછી કૉલકાતા પાછા ફરીને બંગાળી માસિક ‘માનસી-ઓ-મર્મબાની’ના સહસંપાદક બન્યા અને 14 વર્ષ સુધી તેનું સંપાદન કર્યું. વળી તેમણે કૉલકાતાની યુનિવર્સિટી લૉ કૉલેજમાં આખર સુધી અધ્યાપક તરીકે પણ કામ કર્યું.

યુવાનવયે તેઓ બંગાળી સામયિકોમાં તેમનાં કાવ્યો મોકલતા. રવીન્દ્રનાથ ટાગોરની પ્રેરણાથી તેમણે ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓ લખવી શરૂ કરી અને નવલકથા તથા ટૂંકી વાર્તાઓના એક અગ્રણી લેખક તરીકે ખ્યાતિ પામ્યા. તેમણે ભારતના વિવિધ પ્રદેશોનો પ્રવાસ ખેડ્યો અને જુદાં જુદાં પ્રવૃત્તિક્ષેત્રોના લોકોની જીવનશૈલીનો અનુભવ મેળવ્યો. તે સામગ્રી તેમની ટૂંકી વાર્તાઓ અને નવલકથાઓમાં વિષયવસ્તુ તરીકે આલેખાઈ છે. રંગદર્શિતા તથા વિનોદલક્ષિતાથી પ્રસન્ન જીવનનો ઉલ્લાસ અને આનંદ તેમની કૃતિઓમાં છે.

તેમની મુખ્ય નવલકથાઓમાં ‘રમાસુંદરી’ (1908); ‘નબિન સંન્યાસી’ (1912); ‘રત્નદ્વીપ’ (1915); ‘જીવનેર મૂલ્ય’ (1917); ‘સિંદુર કૌતા’ (1919); ‘માનેર માનુષ’ (1922); ‘આરતી’ (1924); ‘સત્યબાલા’ (1925); ‘સુખેર મિલન’ (1927); ‘સતીર પતિ’ (1928); ‘પ્રતિમા’ (1928) અને ‘ગરીબ સ્વામી’(1930)નો સમાવેશ થાય છે. તેમની કેટલીક નવલકથાઓનો અનુવાદ મરાઠી ભાષામાં કરવામાં આવ્યો છે.

તેમનો પ્રથમ વાર્તાસંગ્રહ 1899માં પ્રગટ થયેલો. તેમના મુખ્ય વાર્તાસંગ્રહો આ મુજબ છે : ‘નવ કથા’ (1899); ‘શોરોશી’ (1906); ‘દેશી ઓ બિલેતિ’ (1909); ‘ગલ્પાંજલિ’ (1913); ‘ગલ્પબિથિ’ (1916); ‘પત્ર પુષ્પ’ (1917); ‘ગહનાર બક્ષ’ (1921); ‘હતાશ પ્રેમીક’ (1924); ‘બિલાસિની’ (1926); ‘જુબાકેર પ્રેમ’ (1928) અને ‘જામાતા બાબાજી’ (1931).

બળદેવભાઈ કનીજિયા