મિલેટસ : પ્રાચીન ગ્રીસનું એક મોટું શહેર. તે આયોનિયા જિલ્લામાં એશિયા માઇનરના પશ્ચિમ કિનારે આવેલ હતું. તે ઘણું સારું બંદર પણ હોવાથી વેપારનું મહત્વનું કેન્દ્ર બન્યું હતું. ઈ. સ. પૂ. 700 અને 600 દરમિયાન મિલેટસના વસાહતીઓ હેલેસ્પોન્ટ અને કાળા સમુદ્રના કિનારે વસ્યા હતા. ઈ. સ. પૂ. 600માં ગ્રીક ફિલસૂફ થેલ્સે ત્યાં તત્વજ્ઞાનની શાળા સ્થાપી હતી. પર્શિયનોએ ઈ. સ. પૂ. 500માં આ શહેર કબજે કર્યું. ત્યારબાદ મિલેશિયન રાજવી ઍરિસ્ટાગોરસે આયોનિયન ગ્રીકોની આગેવાની લઈને બળવો કર્યો, પરંતુ નિષ્ફળતા મળી. ઈ. સ. પૂ. 494માં પર્શિયનોએ મિલેટસમાં લૂંટ કરી. ઈ. સ. પૂ. 400માં બંદર કાંપથી પુરાઈ જવાથી તેનું મહત્વ પછી ઘટી ગયું.

જયકુમાર ર. શુક્લ