મિલેટિયા : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલા ફેબેસી કુળની એક પ્રજાતિ. તેની એક શોભન જાતિનું વૈજ્ઞાનિક નામ Milletia ovalifolia છે. તેના વૃક્ષની ઊંચાઈ લગભગ 8થી 10 મીટર હોય છે. તેનાં પર્ણો લગભગ જાંબુડાનાં પર્ણો જેવાં પણ થોડાં પાતળાં અને નાનાં થાય છે. વૃક્ષ સદાહરિત રહે છે, પણ શિયાળામાં ઘણાં પર્ણો ખરી જાય છે. જોકે તે સાવ ઠૂંઠું થઈ જતું નથી.

એને વસંતઋતુમાં ભૂરા રંગનાં થોડાં મોટાં નિવાપ આકારનાં (funnel-shaped) પુષ્પો આવે છે; જોકે પુષ્પોનો રંગ પર્ણોમાં ભળી જતો હોવાથી દૂરથી તેનાં પુષ્પ મોટેભાગે નજરે પડતાં નથી. અમદાવાદમાં કેટલીક સંસ્થાઓનાં મોટાં કંપાઉન્ડોમાં આ જોવા મળે છે. રસ્તા ઉપર પણ કેટલીક જગ્યાએ તે રોપવામાં આવે છે. આના ઉછેરમાં કોઈ વિશેષ પ્રકારની માવજતની જરૂર પડતી નથી. બી દ્વારા તેની વંશવૃદ્ધિ થાય છે. M. racemosa એક વેલ-સ્વરૂપ જાતિ છે. તે મોટેભાગે જંગલોમાં થાય છે. તેને ગુજરાતીમાં મોરવેલ કહે છે.

મ. ઝ. શાહ