મિલે, ઝાં ફ્રાન્સ્વા (જ. 4 ઑક્ટોબર 1814, ગ્રૂચી, ફ્રાંસ; અ. 20 જાન્યુઆરી 1875, બાર્બિઝોં) : બાર્બિઝોં શૈલીના પ્રસિદ્ધ ફ્રેંચ ચિત્રકાર. નૈસર્ગિક વાતાવરણમાં આલેખાયેલાં કૃષિ અને ગોપજીવનનાં તેમનાં ચિત્રો વિશ્વમાં ઘણાં પ્રસિદ્ધિ પામ્યાં છે.

પોતાના ખેડૂત-પિતા સાથે તેમણે શૈશવાવસ્થામાં કૃષિજીવનનો શ્રમ કર્યો. 19 વરસની ઉંમરે, 1833માં તેઓ શેર્બુર્ગમાં એક કલાકાર પાસે કલા-અભ્યાસ કરવા જોડાયા. 1837માં પૅરિસ આવી 1839 સુધી પ્રસિદ્ધ ચિત્રકાર પૉલ ડેલારૉશના સ્ટુડિયોમાં મદદનીશ તરીકે જોડાયા. આ પછી તેઓ પૅરિસ નજીક આવેલ ફૉન્તેનેબ્લો નામના જંગલની ધારે આવેલ ગ્રામવિસ્તાર બાર્બિઝોંમાં જઈ વસ્યા અને ચિત્રસાધના ચાલુ રાખી. 1843 સુધી તેમનાં ચિત્રો સૅલોં ખાતે અસ્વીકાર પામતાં રહ્યાં હતાં. 1844માં તેમનાં 2 ચિત્રો ‘ધ મિલ્કમેડ’ અને ‘ધ રાઇડિંગ લેસન’ને ખૂબ પ્રસિદ્ધિ મળી. હવે સૅલોંમાં પણ તેમનાં ચિત્રો પ્રદર્શન માટે સ્વીકારવાનું શરૂ થયું. 1848માં ‘ધ વિનોવર’ને સૅલોં તરફથી ઍવૉર્ડ અપાયો હતો. ગ્રામર્દશ્યો અને વનર્દશ્યોનાં ચિત્રોમાં સ્વાભાવિક રજૂઆત કરવા અને રંગદર્શી વલણને દૂર કરવા માટે મિલેને ખૂબ ખ્યાતિ મળી. ચિત્રકાર થિયૉડૉર રૂસો પણ તેમની પ્રતિભાથી આકર્ષાઈ બાર્બિઝોં આવી વસ્યા. મિલે અને રૂસોને બાર્બિઝોં ચિત્રશૈલીના પ્રણેતા ગણવામાં આવે છે અને તે બંનેથી આકર્ષાઈને ચાર્લ્સ-ફ્રાંસ્વા ડૉબીન્યી અને નામાંકિત મિત્ર-ચિત્રકારો પણ બાર્બિઝોં આવી વસ્યા અને બાર્બિઝોં ચિત્રસંપ્રદાય ઊભો થયો. આ ચિત્રશૈલીમાં કુદરતનું કોપાયમાન નહિ, પણ શાંત-રમ્ય સ્વરૂપ આલેખાયું છે. પ્રકાશ-છાયા તથા મૂળ રંગોમાં તેમને પ્રભાવવાદી ચિત્રકારો જેવી કોઈ દિલચસ્પી હતી નહિ. ગ્રામીણ શ્રમિક વર્ગનાં ચિત્રો ચીતરવા બદલ મિલે પર વખતોવખત સમાજવાદી હોવાના આક્ષેપો પણ થતા રહ્યા. 1860 પછી તેમનાં ચિત્રોની માંગ ખૂબ વધી. બૉસ્ટનના ‘મ્યુઝિયમ ઑવ્ ફાઇન આર્ટ્સ’માં તથા પૅરિસના લુવ્ર સંગ્રહાલયમાં તેમનાં ચિત્રો સ્થાન પામ્યાં છે.

ઝાં ફ્રાન્સ્વા મિલે

1850માં પૂરું કરેલ ‘ધ સૉવર’ બહુ જાણીતી કૃતિ છે; તે પછી 1855માં ‘પીઝન્ટ્સ ગ્રાફ્ટિંગ’ને પગલે 1857માં ‘ધ ગ્લિનર્સ’ – એમ ઉપરાઉપરી શ્રેષ્ઠ ચિત્રકૃતિઓ સર્જાતી રહી. તેમણે કેટલાંક ઉત્તમ કક્ષાનાં ચારકોલ ડ્રૉઇંગ તથા એચિંગ પણ કર્યાં હતાં. પ્રારંભમાં તેઓ બહુ ઓછો લોકાદર અને ખ્યાતિ પામ્યા હતા, પરંતુ 1867માં પૅરિસમાં યોજાયેલ ‘ધ ગ્રેટ એક્ઝિબિશન’ પછી તેમનું ‘ઑનર ઑવ્ લીજિયન’ વડે સન્માન કરાયું હતું.

અમિતાભ મડિયા